મારી પાંપણોની ભીનાશ થઇ
ને મારા ગાલોને મીઠું ચુંબન દઇ
મારા ઓષ્ઠ પર હજારો સ્મિતનું ઝોલું થઇ વરસતી ‘તું’
હજી યાદ છે મને
કેદ છે હજીયે મારી આંખોમાં તારા વ્હાલનો એ દરિયો
જેમાં પીગળતી બધીજ ખારાશ મારી
ને તારા ખોળામાં ખૂંદેલું મલક આખાનું એ સુખ,
હજી યાદ છે મને
ક્યાંક પા પા પગલી ભરાવતી તું
ને અમસ્તું ‘પગલી’ એ ચૂકી જતાં
અંતરમાં ઉંડાણથી આવતો એ સાદ, ‘વાગ્યું તો નથી ને બેટા?’
હજી યાદ છે મને.
હસાવતી, રમાડતી ને છાતી સરસી ચાંપતી
હતી ન હતી એવી તું હકીકત થઇ છતાં
મારા શમણાઓને પરી બની ઘેરી વળતી ‘તું’
હજી યાદ છે મને.
ને આજ
અચાનક
એક શિશુના ગાલ પર કાળું ટપકું જોયું
ને એણે મારા શૈશવને પ્રશ્નરૂપે સ્પર્શ કર્યો, ‘હજી યાદ છે તને?’
હા
અવનિ પર અવતરેલી મારી પ્રથમ ગઝલ ‘માં’
હજી યાદ છે મને
– ડીમ્પલ આશાપુરી
(અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. પગલી એ મારું ઉપનામ છે પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી પ્રયોજેલો છે. )
Really good poem and it touches to the heart directly.
Thank you.