વંદે માતરમ ગાવું નહીં, અનુભવવું – જીગ્નેશ ચાવડા 6


સદીઓથી આપણો ભારત દેશ અનેક ધર્મો રૂપી ફૂલોનો બગીચો છે. જેમ બગીચો વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડોથી રમણીય લાગે છે તેમ આપણો દેશ પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ વગેરે અનેક ધર્મોના લોકોથી મહેકી રહ્યો છે. દરેકમાં માનવ તત્વ એક છે અને દરેકનો ધ્યેય માત્ર ઇશ્વરી શક્તિને પામવાનો છે. જ્યાં હિંદુ તપ, તીર્થ વ્રત ઉપવાસ કરે છે અને મુસ્લિમ ઇબાદત, હજ, રોજા કરે છે. હિન્દુ મંદિરે જઇને ઇશ્વરને આરાધે છે અને મુસ્લિમ મસ્જીદે જઇ, શિખ ગુરૂદ્વારામાં. આમ આખરે તો દરેકનો અંતિમ ધ્યેય ઇશ્વર કે અલ્લાહને રાજી કરવાનો હોય અને એટલા માટે જ આજે કોઇ હિન્દુ ફક્ત હિન્દુ કે મુસ્લિમ ફક્ત મુસ્લિમ કે શિખ ફક્ત શિખ નથી, પહેલા તેઓ ભારતીય છે, એક વિશ્વમાનવ છે અને માનવતા આપણો પ્રાથમિક ધર્મ છે.

હમણાંના જ એક પ્રસંગની વાત કરું તો હિન્દુની એક દિકરીને અડધી રાત્રે 2.30 કલાકે પ્રસવ પીડા ઉપડી. ઘરના બધા મૂંઝાયા કે અત્યારે કોને સાદ કરીએ? મદદ માટે તેમણે પોતાની પડોશમાં રહેતા એક મુસ્લિમ બિરાદરનો દરવાજો ખટખટાવ્યો. અને તે ધણી ધણીયાણી અડધી રાત્રે પેલા બહેનની મદદ કરવા નીકળી પડ્યા. તેમનો પુત્ર પોતાની રીક્ષા લઇ આવ્યો અને તેને દવાખાને પહોંચાડી આવ્યા. બધું પત્યા પછી તેમણે એક રૂપીયો લેવાની પણ ના પાડી. આ મદદ ધર્મને ખાતર નહોતી. એ હતી ફક્ત માનવતાને ખાતર. ભારત સિવાય અન્ય કોઇ દેશમાં તમે આમ કલ્પી શકો?

આપણી આ સાર્વભૌમીકતા બીજા દેશોને તો કણાની જેમ આંખમાં ખૂચેજ છે, પણ લાગે છે કે આપણા દેશના અમુક લોકોથી, ખાસ કરીને રાજકારણીઓથી પણ આ એકતા અને ભાઇચારાની ભાવના જોઇ શકાતી નથી. અને એ તોડવાના નવા નવા પેંતરા એ લોકો શોધતા ફરે છે. હિન્દુ નેતા, મુસ્લિમની વિરૂધ્ધ અને મુસ્લિમો હિન્દુ નેતાઓની વિરૂધ્ધ ભાષણ અને ફતવા બહાર પાડતા ફરે છે. શું તે નેતાઓને એમ લાગે છે કે પ્રજા મૂર્ખ છે? જો તેમને એમ લાગતું હોય તો એક વાત ચોક્કસ છે, નેતા હોવા છતાં પ્રજાની નસ તેઓ પકડી શક્યા નથી.

અનેક કાવાદાવાઓ કરીને એકતાને તોડવા મથતા આવા જ રાષ્ટ્રવિરોધી તત્વોને હવે નવું હથીયાર મળ્યું છે, “વદે માતરમ”, સૌથી પ્રાથમીક વાત એ કે વંદે માતરમ મુસ્લિમોએ ન ગાવું જોઇએ એવો ફતવો બહાર પાડનાર શું રાષ્ટ્રદ્રોહી નથી? એમને કોણે હક આપ્યો આપણી રાષ્ટ્રીય ધરોહર સમા ગીત પર આમ રાજકીય રોટલા શેકવાનો? વાણી સ્વાતંત્ર્યના હક્કનો આવો નઠારો ઉપયોગ? તેઓ કહે છે કે વંદે માતરમનો અર્થ છે માતાને નમન અને મુસ્લિમો ખુદા સિવાય કોઇને પ્રણામ કે નમસ્કાર કરતા નથી. કદાચ તમારી વાત સાચી હોઇ શકે. ધર્મ મુજબ તમે કદાચ એકાદ ટકા સાચા હોઇ શકો પણ તેથી શું? ઇસ્લામ તો એમ પણ કહે છે કે જે રાષ્ટ્રમાં તમે રહેતા હોવ તેને પૂર્ણપણે વફાદાર રહેવું અને તેની સેવા, સમૃધ્ધિ માટે કામ કરવું. રાષ્ટ્રગીતને વખોડીને તમે રાષ્ટ્રીયતાને ક્યાંક કોઇક ખૂણે ઠેસ નથી પહોંચાડી રહ્યા? ચાલો માન્યું કે ધર્મને અનુસરીને તમારે વંદે માતરમ નથી ગાવું, પણ ફતવા બહાર પાડીને એ ગીત ગાવા વિશે અન્ય દેશવાસીઓની સ્વતંત્રતા ન છીનવી શકો. છડેચોક તમારી સભામાં વદે માતરમ ગાઇને દેશભક્તિનું જોમ ઘણાં બતાવી શકે છે. જો કે એ વાત ક્યારેય સાચી નથી કે ગીત ગાઇને જ સાચા દેશભક્ત હોઇ શકે અન્યથા નહીં. દેશભક્તિ તો હ્રદયમાં કોતરાયેલી હોવી જોઇએ. જો એમ હોય તો આવા કોઇ ફતવા લોકમાનસમાં લેશમાત્ર પણ અસર ગ્રહી શકે નહીં. જો ભારતીયો એકસાથે ધર્મ જાતિના ભેદ ભૂલીને 150 વર્ષની અંગ્રેજ સરકારને ભગાવી શક્તા હોય તો આવા ફતવેબાજ રાજકારણીઓ શી વિસાતમાં? બધા ચૂપ રહીને તમારા આ ભવાડા સાંભળી રહ્યા છે એ ફક્ત એટલા માટે કે તમે પણ અમારામાંના જ એક છો, તમે કોઇ એવા વિશેષ નથી કે તમારા આવા ફતવા પર કોઇ પ્રતિભાવ પણ વ્યક્ત કરે, એને અનુસરવાની વાત તો દૂર રહી. અમે ઇચ્છીએ કે બધા હળીમળીને સદભાવથી રહે અને તમે આવા ભડકાઉ રાજકીય અપેક્ષાઓ વાળા ભાષણોથી દૂર રહો, અશાંતિ ન ફેલાવો, પણ સૌહાર્દ્ર અને સદભાવ વિસ્તારો.

અમે તમને અમારી સલામતી અને એકતા વધારવા માટે નેતા બનાવ્યા છે. સમાજને વ્યવસ્થિત ચલાવવા, લોકોની સગવડો અને જીવનધોરણ સુધારવા તમે ખુરશી પર ચઢો છો. ફતવા અને ભાષણ એવા કરો કે દેશમાં સુરક્ષા, સલામતી, શાંતિ, સૌહાર્દ્ર અને સદભાવના વધે. નહીં તો દેશમાં માત્ર બે જ વર્ગો વધશે, એક બહુમતી જેમાં દેશના તમામ ધર્મના લોકો અને બીજો ખૂબ લઘુમતિ જેમાં દેશની અખંડીતતા અને સાર્વભૌમિકતા તોડવા તત્પર રાજકારણીઓ અને બીજા સમાજને હાનીકારક તત્વો. પસંદગી તમારે કરવાની છે, તમે કયા વર્ગમાં આવશો?

“વંદે માતરમ” આપણી આઝાદીનો મહામંત્ર છે. દેશની સ્વતંત્રતા માટે એ મંત્ર પર કેટલાયે પોતાના ધર્મને વચ્ચે લાવ્યા વગર બલિદાન આપ્યા છે, પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ કે ઇસાઇ. એક વંદે માતરમના નારા પર આખો દેશ જે સમયે જીવતો એ સમયની કલ્પના કરો, જો તે દિવસે આ મંત્ર ન હોત તો આજે કદાચ ફ્તવો આપવા તમે પણ ન હોત અને જે સ્વતંત્રતાનો તમે સરેઆમ દુરુપયોગ કરી આવા ફતવા આપો છો તે સ્વતંત્રતા પણ ન હોત. વંદે માતરમ ગાઓ કે ન ગાઓ, કોઇ ફરક પડતો નથી, કારણકે એ ગાવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, મનમાં સંઘરવાની ને સતત ઉચ્ચારવાની વસ્તુ છે.

(આ સાંપ્રત વિષય પર શ્રી જીગ્નેશ ચાવડાના કેટલાક વિચારો આ લેખ દ્વારા વ્યક્ત થયા છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.તેમનો સંપર્ક +91 97277 77404 પર કરી શકાય છે.)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “વંદે માતરમ ગાવું નહીં, અનુભવવું – જીગ્નેશ ચાવડા

  • M.D.gandhi, U.S.A.

    બહુ સુંદર સમજણ આપતો લેખ છે. અને તમારી વાત એકદમ સાચી છે, લોકો ભાઈચારામાં માને છે, પણ પોતાના રાજકિય રોટલા શેકતા નેતાઓજ લોકોને ગેરમાર્ગે દોરે છે, ખરેખર તો તેઓ અવળે માર્ગે દોરીને દરેક ધર્મના લોકો વચ્ચે વેરઝેરના બી વાવેછે….અને આજના FAST વહી જતાં જમાનામાં લોકોને સમજવા માટે કે શાંતિથી વિચારવા માટે સમય પણ નથી……અને એટલેજ આવા નેતાઓ પોતાની ખુરશી બચાવવા એકબીજાને ધર્મને નામે અંદરો અંદર લડાવીને બરબાદ કરી નાંખે છે……

  • પ્રવિણ કે.શ્રીમાળી

    “વંદે માતરમ” આપણી આઝાદીનો મહામંત્ર છે. દેશની સ્વતંત્રતા માટે એ મંત્ર પર કેટલાયે પોતાના ધર્મને વચ્ચે લાવ્યા વગર બલિદાન આપ્યા છે, પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ કે ઇસાઇ. એક વંદે માતરમના નારા પર આખો દેશ જે સમયે જીવતો એ સમયની કલ્પના કરો, જો તે દિવસે આ મંત્ર ન હોત તો આજે કદાચ ફ્તવો આપવા તમે પણ ન હોત અને જે સ્વતંત્રતાનો તમે સરેઆમ દુરુપયોગ કરી આવા ફતવા આપો છો તે સ્વતંત્રતા પણ ન હોત” ( આ ફકરો અને વિચારો આખું હાર્દ કહી જાય છે. આખી વાત ટૂંકમાં જ આ ફકરો કહી જાય છે.)

    એકસીલેન્ટ યાર, ખુબ જ સરસ લેખ, જે હું લખવા માંગતો હતો તે આપે લખીને મારા જ વિચારોને જિજ્ઞેશભાઈ તમે વાચા આપી દીધી. પરંતુ “વંદેમાતરમ”માં એવું છે જ નહીં કે જેમા તેમના ધર્મનું અપમાન થાય. જેહાદ ના નામે આંતક અને ત્રાસવાદ ફેલાવતા અને કુરાન ના એક પણ નિયમ કે મુશ્લિમ ધર્મનું પાલન કે અનુસરણ કરનારા સામે કેમ ફતવા બહાર પડતાં નથી? કેમ, ત્રાસવાદીઓ ના ત્રાસ અને આંતક નો સૌથી વધુ ભોગ બનતાં જમ્મુ-કાશ્મીર માં રહેતાં મુશ્લિમો બને છે ,છતાં આ મૌલ્લાઓ કેમ તે વખતે ફતવા બહાર પાડીને આ કૃત્યને વખોડતાં નથી? આવા ત્રાસવદ ના કૃત્યને વખોડતા ફતવા આજદિન સુધી બહાર પાડીને કોઈ મુશ્લિમ સંગઠને બહાદુરી બતાવી નથી.

  • Tejas Rawal

    Excellent. Thanks for giving such a nice thought. Keep it up. You can write on current affairs in good way.

    ખરેખર આ દેશને અત્યારે એક્તા અને ભાઇચાર ની જરુર છે.

    Tejas Rawal.