ચાર કવિતાઓ – ચિરાગ શાહ 16


૧. નરી વાસ્તવિકતા

અરે આજે શોધું છું હું મુજને જ મુજમાં
અને દેખાડો કરું છું જાણવાનો જગતમાં
ગુમાવવી નથી મારે આ ખોટી પ્રતિષ્ઠા
હવે કોને કહું આ નરી વાસ્તવિકતા

ગમે જ્યારે મને કોઇ આદર્શ ગણે છે,
મારા જેમ બનવાનો પ્રયાસ કરે છે
પણ મન મારું જુએ છે અરીસાને ડરતા
હવે કોને કહું આ નરી વાસ્તવિકતા

પૂર્ણતાની સામે મારી ઉણપો ઘણી છે,
પણ કેમ કરી મેં એને છુપાવી જાણી છે.
છતાં પણ મેળવી મેં આટલી બધી સફળતા
હવે કોને કહું આ નરી વાસ્તવિકતા

જ્યારે લખવામાં જોઇ મેં “જીગ”ની સહજતા
મારું મન પણ બોલ્યું “શું મને આવડે છે લખતાં?”
ઘણી વાર લાગી મને ખુદને સમજતા
હવે કોને કહું આ નરી વસ્તવિકતા

કહી ના શક્યો એટલે માંડ્યો હું લખવા
અને ઘડી ભરમાં બની ગઇ કવિતા
થયું મન હળવું ને બોલ્યું મલકતા
કહી દીધી મેં આખરે નરી વાસ્તવિકતા

2. એક વિચાર

આજે આ જગતમાં દરેક જણ કાંઇ કરે છે
ને એ કરવા કોઇનું આંધળુ અનુકરણ કરે છે
પણ શું એ જરૂરી છે જીવન જીવવા ને વધવા
એ વિચાર મારું મન પળ પળ કરે છે.

નથી બનવું એ પત્તા જે ખળખળ કરે છે.
નથી બનવું એ પંખી જે કલબલ કરે છે.
હું ક્ષણભર મૌન સેવું તો પણ ઘણું છે
એ વિચાર મન મારું પળ પળ કરે છે.

નથી બનવું એ વૃક્ષો જે છાયા આપે છે
નથી બનવું એ વ્હાલા જે માયા આપે છે
હું ખુદને જ સંતોષું તો પણ ઘણું છે
એ વિચાર મન મારું પળ પળ કરે છે.

નથી બનવું એ સૂર્ય જે સૂતેલાને જગાડે
નથી બનવું એ ચંદ્ર જે થાકેલા ને સૂવાડે
હું જાતે જ ઉઠું ને સૂવું તો ઘણું છે
એ વિચાર મન મારું પળ પળ કરે છે.

સ્વનિર્ભરતા વિશે જો સૌ કોઇ વિચારે
ન રહેશે કોઇ પાછળ, ન કોઇના સહારે
પછી હશે ફક્ત પ્રગતિ ને પ્રગતિ
એ વિચાર મન મારું પળ પળ કરે છે.

જો જાણું પોતાની જાતને તો ઘણું છે
જો માનું બીજાની વાત ને તો ઘણું છે
એમ દિવસો તો ઘણા છે જીવન ને જીવવા
એ વિચાર મન મારું પળ પળ કરે છે.

3. આજ પહેલી વાર…

આજે પહેલી વાર નીહાળી જો તુજને
ખુલી રહી આંખો તકી રહી તુજને

હ્રદયના ધબકારા તો અટકી જ ગયા છે
શું શોધે છે તુજમાં ખબર નથી મુજને … આજે પહેલી…

જ્યારે જ્યારે જોઉં છું તારા મુખ પર સ્મિત
વાગે મનની અંદર પ્રેમ નું જ સંગીત

બધું જ પળના પલકારામાં થઇ ગયું છે.
લાગે મુજને થઇ ગઇ તારી સંગ પ્રીત … આજે પહેલી…

ખબર નથી કેમ કરી કહીશ દિલની વાત
નથી જોયો ધરમ કે ન જોઇ છે નાત

હવે તમને ફક્ત એટલું જ પૂછવું છે
શું દેશો મારો જીવન ભર નો સાથ? … આજે પહેલી…

આપી આખી જીંદગી તમને વિચારવાની
સમય લો તમારો, નથી જલ્દી કશાની

કબૂલ છે મુજને તમારો જવાબ
નહીં પાડું ફરજ તમને ભરવાની ‘હા’મી… આજે પહેલી…

4. એક વાત

કરું છું સ્વ પરીવર્તનની વાત
જે થવાનું નથી તે કરવાની વાત

બોલ્યા કરવું છે મારે સાંભળવું નથી
ને બીજાની ટીકા ને સ્વિકારવી નથી

સામે ને સામે આપ્યા કરું છું જવાબ
છતાં પણ કરું છું મૌન રહેવાની વાત … જે થવાનું નથી…

નથી પ્રિય કે કોઇ બોલે જૂઠાણું
કે ન ગમે જ્યારે કોઇ બને શાણું

સીધી કરું એને કાપવાની વાત
છતાં પણ કરું છુ સંયમ રાખવાની વાત … જે થવાનું નથી…

દિલ ચઢે હિંડોળે જોઇ સુંદર ચહેરો
ઝલક મેળવવા કરે દિનભર પહેરો

જતા એકના કરવી બીજાની વાત
છતાં પણ કરે દિલ સાચ્ચા પ્રેમની વાત …. જે થવાનું નથી…


16 thoughts on “ચાર કવિતાઓ – ચિરાગ શાહ

Comments are closed.