વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા 13


જીવનનું પ્રત્યેક નવું પગલું એક નવા જ પ્રવાસનું સૂચન કરતું હોય છે. આજે આપણે જીવન રૂપી પ્રવાસથી લઇ દેશ પરદેશના પ્રવાસો ખેડીએ છીએ. તે દરમ્યાન તેમાં સુખ દુ:ખના, જીવન પરિવર્તન કરી દે તેવા પ્રસંગોના અનેક અનુભવો મળે છે. જીવનના ઘણાં રસ્તા આવા અનુભવો ઘડે છે.

એસ. ટી બસની મુસાફરી વખતે બનેલ પ્રસંગ આપની સમક્ષ રજૂ કરવાની ઇચ્છા થાય છે. બરાબર બપોરનો સમય હતો અને હું અમદાવાદ થી તળાજા તરફ આવવા બસમાં બેઠો. એકાદ કલાક થયો હશે, એક સ્ટોપ પરથી તાજા પરણેલા વરઘોડીયા બસમાં મારી આગળની સીટ પર આવીને બેઠા. પ્રેમની છોળો ઉડતી હતી, એ બંને એક બીજામાં લીન હતાં. બ્રહ્માએ સૃષ્ટીનું સર્જન કર્યું ત્યારથી માંડીને મહામહેનતના અંતે આ બન્નેના પૃથ્વી પર સૌપ્રથમ લગ્ન થયા હોય તેવું તેમને જોઇને લાગતું હતું.

કંડક્ટરે આવીને તેમને ટીકીટ આપી. બસમાં સામાન્ય ભીડ હતી. પણ એ બન્નેને ક્યાં દુનિયાની પરવા હતી? એક બીજાની આંખોમાં આંખ નાખી, હાથમાં હાથ ઝાલીને બંને એક બીજા સાથે હસી હસીને વાતો કરતા હતાં. ધીરે ધીરે એક બીજાની વધુ નજીક આવતાં,  જાણે કોઇ બગીચામાં ખૂણે એકલા બેઠા હોય તેમ એ બંને કોઇની જરા પણ શરમ રાખ્યા વગર પોતાની મસ્તીમાં ડૂબવા લાગ્યા. બસના અમુક મુસાફરોને મનોરંજનનું એક નવું સાધન મળ્યું. બધી આંખો તેમના પર મંડાઇ રહી, તેમની એકે એક હીલચાલને નીરખી રહી, કોઇની નજરમાં ક્ષોભ નહીં, બધે લોલૂપતા ને ચંચળતા ડોકાઇ રહી. એવામાં અચાનક પેલા યુવાનની નજર તેની સામે બેઠેલા એક વૃધ્ધ પર પડી, જેઓ ખૂબ ધ્યાનથી, એકીટશે તેની પત્નિને નીરખી રહ્યા હતાં. મનોરંજન કાર્યક્રમનો અણધાર્યો અંત આવ્યો, અને બસમાં પાછો ગણગણાટ શરૂ થયો, લોકોને લાગ્યું હશે કે પેલાના મનમાં શરમ નામનો ભાવ પણ જાગ્યો હશે.

થોડોક સમય વીત્યો એટલે બસ એક હોટલ પર ઉભી રહી. દસ પંદર મિનિટનો વિરામ હોવાથી બસના બધાં મુસાફરો બસની નીચે ઉતર્યા. અમારા પેટમાં દોડાદોડ કરતા ઉંદરડાની ઉછળકૂદ બંધ કરવા અમે પણ એક ટેબલ ફરતે પાથરેલી ખુરશીઓ પર જઇ બેઠાં. અમારી પાસેના એક નાનકડા ટેબલ પર પેલું જોડું પણ આવીને બેઠું, હાસ્યની, પ્રેમની છોડો ફરીથી ઉડવા લાગી, અને તેમની તરત બાજુના ટેબલ પાસે પેલા વુધ્ધ આવીને બેઠાં. ચા ની ચુસકીઓ સાથે એ વૃધ્ધની નજર વારે ઘડીએ પેલી યુવતિ પર જઇને અટકવા લાગી. દંપત્તિએ પણ નાસ્તાની શરૂઆત કરી. એક વખત અચાનક પેલા વૃધ્ધની અને યુવતીની નજર એક થઇ ગઇ. યુવાને પણ એ નોંધ્યુ કે વૃધ્ધ તેની પત્નીને ટીકી ટીકીને જોઇ રહ્યા છે. નાસ્તો પત્યો અને બસનું હોર્ન વાગ્યું એટલે બધાં ફરીથી પોતપોતાની સીટ પર ગોઠવાયા, પણ પેલા વૃધ્ધ પોતાની જગ્યા બદલી પેલી યુવનીની સામેની સીટ પર આવી બેઠાં. યુવકે આ નોંધ્યું અને તેને થયું કે પેલા વૃધ્ધ તેમની પ્રણયલીલા જોવા, તેની પત્નીને ધારી ધારીને જોવા અહીં આવીને બેઠાં છે. અંદરો અંદર થોડી વાર ગુસપુસ થઇ. શીત યુધ્ધ ચાલ્યું. અને એક વખત પેલા વૃધ્ધની નજર ફરતી હતી ત્યાં યુવાન ઉકળી ઉઠ્યો,

“ક્યારના શું આમ ટીકી ટીકીને જોઇ રહ્યા છો? શરમ જેવું કાંઇ છે કે નહી? “….

“કાંઇ નહીં”, પેલા વૃધ્ધે જવાબ આપ્યો. પણ આટલી વારમાં ઘણી નજરો એ તરફ મંડાઇ ચૂકી હતી. એક બે શુભેચ્છકો તો એ યુગલની તરફેણમાં બોલવા લાગ્યા, જાણે ભર સભામાં દ્રૌપદીનું ચીરહરણ થતું હોય અને આર્તનાદ કરીને આમને ચીર પૂરવાની વિનંતી કરવામાંઆવી હોય તેવા ભાવથી તેમણે બોલવાનું શરૂ કર્યું જ હતું કે એક ભાઇ પૂછી બેઠાં, “શું થયું?”

ગળામાં મંગળસૂત્ર અને ધ્યાનથી જુઓ તો પણ ન દેખાય તેટલું ઝીણું ટપકું કરનારી એ આધુનિક યુગની સતિ સાવિત્રી શ્રીમતી ચમેલીબહેનને દોડવું હતું ને ઢાળ મળ્યો. તે કદાચ એવું માનતા હશે કે મારા પતિ સિવાય કોઇપણ અજાણ પુરૂષ મારી સામે જુએ તો મારું પતિવ્રતા વ્રત ભંગ થાય.

પેલા પૂછનારા ભાઇ તેના નિકટના સ્વજન હોય તેમ તેબે કહેવાનું ચાલુ કર્યું, “અમે જ્યારથી બસમાં બેઠા છીએ ત્યારથી આ મારી સામું જ જોયા કરે છે, જાણી જોઇને દૂરની જગ્યા પરથી મારી સામે આવીને બેઠા છે. પોતાની ઉંમરનું પણ ભાન નથી.”

પેલા ભાઇ પણ જવાબ આપવામાં જોડાયા, “આવા લોકોને કોઇ શરમ જેવું હોતું જ નથી, ઘરમાં મા-બહેન નહીં હોય.”

મને લાગ્યું કે આ યુવાન મનમાં વિચારતો હશે કે સારું થયું મારા તરફ તેનું ધ્યાન ન ગયું, કારણકે બસમાં ચઢ્યા ત્યારથી હું પણ એને જ જોઇ રહ્યો છું. ચાલો એ બહાને થોડીક વાતો કરવા મળશે.

બસમાં ગણગણાટ વધી પડ્યો, બધા પેલા વૃધ્ધની સામે તિરસ્કારની નજરોથી જોવા લાગ્યા. “આવાને તો મારી મારીને સીધાદોર કરી દેવા જોઇએ” એવા વચનો પણ સંભળાવા લાગ્યા. પેલા વૃધ્ધની આંખમાં આંસુ ઝળકી રહ્યા હતાં.

એક બહેને પૂછ્યું, “હવે શું કામ રડો છો? આવી બેશરમી કરતી વખતે ખબર નથી પડતી?” બધા પેલા વૃધ્ધની સામે જોઇ રહ્યાં.

વૃધ્ધે પેલી યુવતીની સામે જોઇને બોલ્યા, “બેટા, તું તો મારી દીકરીની ઉંમરની છે, અને હું તારા પર નજર બગાડું ? છી….. છી…. બેટા તમને આજના યુવાનોને બધા સરખાં જ દેખાય છે? આજે મારી દીકરીનું શ્રાધ્ધ છે, અને એ અદલ તારા જેવી જ દેખાતી, એટલે તને જોતો તો મારી દીકરી યાદ આવતી, એટલે તને જોયા વગર ન રહી શક્યો. એ ત્રણ વર્ષ પહેલા તેના પતિ સાથે ફરવા જતી હતી ત્યારે અકસ્માતમાં એ બંનેનું મૃત્યુ થયું. મારે એક દીકરી જ હતી, અને મારા માટે મારો દીકરો પણ એ જ હતી. મારી અસ્થમાની તકલીફને લીધે મારાથી કામ થઇ શક્તું નહીં, તે નોકરી કરી અમારું ભરણપોષણ કરતી, મારી દીકરીએ એક માં ની જેમ મારૂં ભરણપોષણ કર્યું છે. ના બેટા, મેં તારા પર ખરાબ નજર નથી કરી, વાત્સલ્યની આંખે જોયું છે દીકરા, છતાં પણ જો તમને તકલીફ હોય તો હું ઉતરી જાઉં છું.

અને હા, મેં જગ્યા એટલા માટે બદલી કારણકે અહીં બેઠેલા બહેનની દીકરી ઉલટી કરે છે, તેમને બારી પાસે જવું હતું, બસ…….”

“અંકલ, સોરી, અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઇ. આજકાલ બધે આવા જ કડવા અનુભવો થતા રહ્યા છે, એટલે સાવચેતીના નામે આપણે બધાંયને એક જ લાકડે હાંકીએ છીએ, તમારું મન દુભાયું એ માટે મને ક્ષમા કરો કાકા………………..” પેલી છોકરીની આંખમાં પણ પાણી આવ્યા અને બસમાં બધા પેલા વૃધ્ધની સામે અહોભાવ ભરેલી નજરથી જોવા લાગ્યા.

“કાંઇ વાંધો નહીં દીકરી” તે બોલ્યા

“અંકલ, આ મારું કાર્ડ છે, અમે મહુવા જ રહીએ છીએ, તમે અમારા ઘરે આવજો, આ ઘટનાનું પ્રાયશ્ચિત તો કરવું જ જોઇએ પણ એ સીવાય તમે અમારા ઘરે આવશો તો અમને આનંદ થશે” યુવકે વૃધ્ધને પોતાનું વિઝિટીંગ કાર્ડ આપતાં કહ્યું.

પેલા વૃધ્ધ કહે, “ચોક્કસ બેટા, ચોક્કસ”

( શ્રી જીગ્નેશ ચાવડાની પદ્ય રચનાઓ આપે અક્ષરનાદ પર આ પહેલા પણ માણી છે, આજે પ્રથમ વખત તેમના તરફથી તેમના અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો વાર્તા લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.)


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા