શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 11


શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. શ્રી વેદવ્યાસજી રચિત મહાભારતમાં શકુનીજી ફક્ત દુર્યોધનને અમુક તમુક કાર્યો કરવા પ્રેરણા આપે છે, અથવા મદદ કરે છે. જો કે શ્રી બી આર ચોપડા કૃત મહાભારતમાં તેમના આગમન વખતે વાગતું ખાસ કર્ણપ્રિય સંગીત (કાન ને ગમે તેવું, અંગરાજ કર્ણ ને પ્રિય નહીં) નવા કાવતરા કે સલાહોના શુભારંભનો શંખનાદ પૂરતું. એકંદરે મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. ગાંધારરાજ ના પુત્ર અને હસ્તિનાપુર મહારાજ ધૃતરાષ્ટ્રની પત્ની મહારાણી ગાંધારીના ભાઇ એવા શકુનીજીની એક ડાયરી (તાડપત્રોને વેલાની દોરીથી બાંધીને બનાવેલી અને કુદરતી લાલ રંગે લખાયેલી રોજનીશી) મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતી માંથી મળી આવી. (કોઇક હોરર કે કોમેડી હિન્દી ફિલ્મના પ્લોટની શરૂઆત જેવું લાગે છે?).અનિયમિત પણે લખાયેલી આ ડાયરી વાંચવી રસપ્રદ રહી.

જો કે તેના પર કોઇ કોપીરાઇટ નોટીસ તો નથી પરંતુ સાહિત્ય પરંપરાને અનુસરીને એ લખવું તબીયતોચીત રહેશે કે “અહીં કોપી પેસ્ટ કરવામાં આવેલા શ્રી શકુનીની રોજનીશી ના પાનાઓ ફક્ત મા ગુર્જરીની સેવા અને પ્રચાર પ્રસાર માટે જ મૂકવામાં આવ્યા છે. છતાં પણ જો કોઇ પણ કોપી કરવાના રાઇટનો ભંગ થતો જણાય તો મને ઇ-મેલ કરવા વિનંતિ. યથોચિત દલીલો કરવામાં આવશે. આ મારું મૌલીક રી-(વિ)સર્જન કાર્ય છે એથી તેના બધાં કોપી કરવાના હકો મારા છે.

તો આપ સૌ ની સેવામાં પ્રસ્તુત છે આજથી સમયાંતરે શ્રી શકુનીજીની ડાયરીના કેટલાક પાનાં.

**************

આજે બહેન ગાંધારી માટે મહાન કુરૂવંશના સમ્રાટ શ્રી ધૃતરાષ્ટ્રજી નું માંગુ તેમના પિતામહ ભીષ્મ લઇને આવ્યા હતાં. જો કે મેં પિતાશ્રીને કહ્યું કે પહેલા ઘરબાર જોઇ લેવા, છોકરો વ્યવસ્થિત કમાય છે કે ખાલી મેનેજર જ છે તે પણ જોઇ લેવું. તેમનું એક તૈલ ચિત્ર પણ શ્રી ભીષ્મે મોકલાવ્યું હતું અને ફક્ત એક ક્રોસ દુપટ્ટો વીંટાળેલો હોવાને લીધે અને તેનો એક છેડો હાથમાં રાખી, રેબન ના ચશ્મા પહેરીને તૈલચિત્ર કરાવ્યું હોવાના લીધે તેમના સિક્સ પેક એબ્સ દેખાત્તા હતાં. એ પરથી ખ્યાલ આવ્યો કે તેમની તંદુરસ્તી તો સારી હતી, પરંતુ તેમની આંખોની જ્યોતિ ઝળહળી નહોતી. પરંતુ પિતાજીના મતે તેમનો પરિવાર ખૂબ ખ્યાતિપ્રાપ્ત અને સમાજમાં જાણીતો હતો એટલે મારી વાત તેમણે સતંદર નકારી.

મને બીજી ચિંતા એ પણ હતી કે બહેન ગાંધારી તેમની સાથે લગ્ન કરવા તૈયાર થશે કે નહીં. બહેન ગાંધારીની સુંદરતા તો ખૂબ પ્રસિધ્ધ છે. લેક્મી ફેશનવીકનું આમંત્રણ પણ આવ્યું હતું પરંતુ અલ્પ વસ્ત્રના દૂષણને ધ્યાનમાં રાખી પિતાશ્રીએ મના ફરમાવી. આર્યવર્તના મહાન રાજવીઓના માંગા પણ બહેન માટે આવ્યા, પણ તેમાંથી કોઇ રાજ્ય ગાંધાર જેટલું સમૃધ્ધ કે મોટું ન હતું. અને સ્લોડાઉનના આ યુગમાં એવા બીલો પોવર્ટી લાઇન મહારાજાઓની સાથે સબંધ બાંધવો પણ ઉચિત ન લાગ્યો. છેલ્લે એન ડી ટી વી વાળાએ ઓફર આપી અને લક્સ વાળાએ સ્પોન્સર કર્યો એટલે “સ્વયંવર” મારફત લગ્ન કરાવવાનું નક્કી થયું હતું પણ તેના પ્રથમ ભાગના ટી આર પી ખૂબ ખરાબ હોવાથી પછી એ વિચાર પડતો મૂક્યો હતો. બહેન ગાંધારી એ હા પાડી એટલે અમારા તરફથી હસ્તિનાપુર, મિનિસ્ટ્રી ઓફ પર્સનલ અફેર્સને ઇ-મેલ કરી દેવામાં આવ્યો કે આ માંગુ સ્વીકારી લેવાયું છે, અને લગ્ન અંગેનું આયોજન શરૂ કરવામાં આવે તથા એ કાર્ય ભારતના કોમનવેલ્થ ગેમ્સના આયોજન જેવું ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

***  થોડાક કોરા પાનાં પછી ***

હસ્તિનાપુરથી તેમના મિનિસ્ટર ઓફ એક્સ્ટર્નલ અફેર્સ, મહામહીમ વિદુરજી નો ઇ-મેલ આવ્યો કે લગ્નની વ્યવસ્થા હસ્તિનાપુરમાં કરાઇ છે. મિનિસ્ટર ઓફ ડિફેન્સ, મહામહીમ કૃપાચાર્યજીએ ઝેડ કેટેગરીની સુરક્ષા મૂકી ત્યારે ગાંધારથી બહેન ગાંધારી અને સાથે દસ હજાર સુવર્ણના અંકુશ વાળા હાથી, પાંચ હજાર દાસીઓ, દસ હજાર દાસ અને ચાર ઘોડા વાળા આઠ હજાર રથ પણ દહેજ તરીકે સાથે પિતાજીએ આપ્યા. જો કે પાછળથી રાઇટ ઓફ ઇંફોર્મેશન અંતર્ગત કોઇક પ્રજાજને તેનો હિસાબ પણ માંગ્યો, પેટા (પીપલ ફોર એથીકલ ટ્રીટમે ન્ટ ઓફ એનીમલ્સ) વાળાએ હાથી ઘોડા માટે હોબાળો કર્યો અને સીબીઆઇ ની રેડ પડવાના સંજોગો પણ સર્જાયા, એટલે ફક્ત  ચાર ખોખા કેશ મોકલવાનું નક્કી થયું, એટલે તેને દહેજની બદલે ભેટ કહેવી ઉચિત રહેશે.

આવતીકાલે અમારે હસ્તિનાપુર તરફ જવા રવાના થવાનું છે, અને હું બહેનની સાથે જવાનો છું. હું ગાંધારમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ છું, મને ગાંધારમાં ઘરની સરકાર હોવાના લીધે બ્રિગેડીયરનું બિરૂદ મળેલું છે, પણ હસ્તિનાપુરમાં એ ચાલશે નહીં. તેની HPPD (હસ્તિનાપુર પોલીસ ડિપાર્ટમેંટ) ખૂબ આધુનિક છે, અમારા ફાંદાળા સૈનિકો તેની સામે ઉભા ય ન રહી શકે, એટલે હું સાદા વસ્ત્રોમાં જ સજ્જ થવાનો છું. ચાલો હવે મારા લેપટોપ પર ડાઇસ ગેમ રમવા જાઉં છું. હસ્તિનાપુર ગયા પછી ત્યાંના અનુભવ વિશે વિસ્તારથી લખીશ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ