પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર 5


મરણનું મનન:

મનુષ્યમાં એક ખાસ શક્તિ છે, વિચાર કરવાની, મનન કરવાની. તેથી તો એ મનુષ્ય કહેવાય છે. મનન કરવાથી આ શક્તિ મનુષ્યની વિશેષતા છે. કેવી રીતે જીવવું તે બાબત મનન કરીને, મનુષ્યે જીવન અંગે અનેક શાસ્ત્રો રચ્યાં છે. જીવનનો વિચાર કરીએ તેની સાથે મરણનો વિચાર પણ આવે જ આવે. કેમ નહાવું, કેમ ખાવું, કેમ સૂવું કેમ લખવું-વાંચવું, હિસાબ કેમ કરવો, કેમ હરવું-ફરવું જેવી અનેક બાબતો બાળકોને આપણે શીખવીએ છીએ. સ્ત્રી પુરૂષ સંબંધ તે શું? લગ્ન નો શો અર્થ? ગૃહસ્થાશ્રમ કેમ માંડવો? આવું બધું પણ પુત્ર પુત્રીઓ ઉંમરલાયક થાય ત્યારે એમને શીખવીએ છીએ. માત્ર એક જ વિષયનું જ્ઞાન જે અત્યંત આવશ્યક છે તે જ આપણે તેમને નથી આપતા. મૃત્યુ અંગેનું કોઇ વ્યક્તિ ક્યારેય પણ બીમાર ન પડતી હોય તો આરોગ્યનું શાસ્ત્ર જાણ્યા વિના તેંનું કામ કદાચ ચાલે, પરંતુ મરણ તો દરેક પ્રાણીનું થવાનું જ છે. ક્યારેય કોઇ નું મરણ ટળ્યું નથી. તો હવે સવાલ એ છે કે આપણે મરણની બાબતમાં લોકોને શું શીખવીએ છીએ? કશું જ નહીં. હા, મરણથી ડરવાનું અને મરણથી દૂર ભાગવાનું આપણે જરૂર શીખવીએ છીએ પરંતુ જે માણસ મૃત્યુનું સ્વરૂપ જ નથી સમજતો અને માત્ર મૃત્યુનો આંધળો ડર જ મનમાં રાખે છે, તેનું જીવન તો એક અખંડ અને સતત મરણ જ બની જાય છે. આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ?

આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડૉ સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.

મરણનું સ્મરણ:

દુનિયામાં દુ:ખ જ્યાં ત્યાં ફેલાયેલું છે. પણ જીવન આખું દુ:ખથી ભરેલું છે એમ કહેવું તે જીવન પ્રત્યે અન્યાય કરવા જેવું છે. દુનિયામાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે કેટલાક સુખ સુખકર હોવા છતાં ઇચ્છવા જેવા નથી હોતાં. એ તો ટાળવાં જ સારાં, કેમ કે અમુક સુખ માણસને ઉતારનારું, પાડનારું અને હીન બનાવનારું હોય છે. સાર એ છે કે બધાં સુખ ઇચ્છવાં જેવાં નથી હોતાં. આ જ નિયમ દુ:ખને પણ લાગુ પડવો જોઇએ. કેટલાક દુ:ખ ખરેખર ટાળવાં જેવાં જ હોય છે. એવાં દુ:ખ ટાળવાનો પૂરો પ્રયત્ન કરવો. કેટલાક દુ:ખ ટાળવાં જેવા હોવા છતાં ટળતાં નથી. એવા દુ:ખ બહાદુરીથી સહન કર્યે જ છૂટકો. આવું દુ:ખ આવી પડે ત્યારે ડાહ્યો માણસ કહે છે કે આવા અનિષ્ટ પણ અપરિહાર્ય દુ:ખ વખતે રોવા ન બેસતાં એમાંથી પણ જે કાંઇ લાભ મેળવી શકાતો હોય તે મેળવવાનો પ્રયત્ન કરવો.

કેટલાક દુ:ખ, દુ:ખ હોવા છતાં લાભદાયી હોઇ સ્વીકારવા જેવા હોય છે. કેટલાંક દુ:ખ આપણાં જીવનમાં દાખલ થયાં એટલા માટે આપણે જીવન સ્વામી પ્રત્યે કૃતજ્ઞ થવું ઘટે. આવાં દુ:ખો કર્યા એને માણસે ઉંડો વિચાર કરવો જોઇએ.

સુખ અને દુ:ખ મનુષ્યને માટે એકસરખું જ મહત્વ ધરાવે છે. જીવન માટે બંનેની જરૂર છે. જાવનમાં એકલું સુખ જ હોય તો જીવન વિકૃત થઇ જાય. જાવનમાં કેવળ દુ:ખ જ હોય તો પણ જીવન અસહ્ય અને વિકૃત બની જાય. સુખ અને દુ:ખ એ બંનેમાં સુખ છે કેવળ પોષક જ્યારે દુ:ખ બોધક છે. દુખ જીવનરૂપી મહાસાગરમાં કેમ તરવું તે શેખવે છે, દુ:ખ એ મહાસાગરમાં ડૂબકી લગાવીને એની અંદરથી મહાન તત્વરૂપી મોતી લૈ આવવાની કળા અને હિંમત આપે છે. સુખ મનુષ્યને છીછરો બનાવી શકે. એને મોહમાયામાં ફસાવી શકે. જીવનને સમજવાની બુધ્ધિ અને જીવન જીવવાની હિંમત તો આપણને દુ:ખમાંથી જ મળે છે. આમ જે દ્રષ્ટિસુખ – દુ:ખ વિશે યોગ્ય છે તે જ મૃત્યુ વિશે પણ સાચી છે. મૃત્યુ માત્રની બીક રાખવી માણસને માટે યોગ્ય નથી.

આપણે કોઇ પણ માણસને અકાળ મરણમાંથી બચાવવાનો પ્રયત્ન કરીએ એ સર્વથા યોગ્ય છે. કોઇના મરણથી આપણે દુ:ખી થઇએ એ પણ સમજાય એવી વસ્તુ છે. પણ ‘મરણ’ એ દુ:ખ કરવા જેટલી અનિષ્ટ વસ્તુ છે. એમ આપણે ન માનીએ, ઇચ્છા ન હોવાં છતાં મરણ તો આવે છે. તેથી મરણ બદલ માણસ શોક કરે છે. વાસ્તવમાં તો મરણ એ ઇશ્વરે આપણને આપેલું ઉત્તમ વરદાન છે. મરણ ન હોત તો આપણી શી દશા થઇ હોત? અનંતકાળ પર્યંત જીવતાં જ રહેવાનું – જીવતાં જ રહેવાનું? એથી શું માણસ હેરાન ન થાય? ક્યાંક તો જીવનનો અંત આવે જ ને?

ગાંધીજી કહેતા કે જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સૂકાઇ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુ:ખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે. તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઇએ.

થાકેલો મજૂર વિસામો ઇચ્છે છે, દિવસભર નાચીકૂદીને ખૂબ થાકી ગયેલું બાળક ઉંઘની સોડમાં ભરાય છે. પાકેલું ફળ પોતેજ નીચે પડી જમીનમાં દટાઇ જઇને નવો પ્રવાસ શરૂ કરવા માટે વૃક્ષ – માતાનો સંબંધ છોડી દે છે તે જ પ્રમાણે માણસે પોતાંનું જીવન પૂરું કરીને તે પછી અનાસક્તભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઇએ. અને નવી તક માટે પરવાનારૂપ થનાર મરણનું ઉત્સાહથી સ્વાગત કરવું જોઇએ. માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી ઉત્તમ રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પૂરું કરતાં પણ આવડતું જોઇએ.

બાળપણમાં કેટલીક શક્તિ મનુષ્યમાં નથી હોતી; પાછળથી તે આવે છે. એનું દુ:ખ મેં ક્યારેય કર્યું નથી. અને પ્રસન્નતાપૂર્વક બાળપણ પૂરું કર્યું છે. હવે વૃધ્ધાવસ્થામાં કેટલીક શક્તિઓ ક્ષીણ થઇ ગઇ, ઇન્દ્રીયો બરાબર કામ આપતી નથી. એનું દુ:ખ મારે શા માટે કરવું? બાળપણમાં બાળપણનાં રસોનો આનંદ ભોગવ્યો. મોટા થતાં બચપણની વાતો બાલિશ ગણીને છોડી દીધી અને પ્રૌઢ વયમાં લાયકાત અને શક્તિ પ્રમાણે પ્રૌઢ મહત્વાકાંક્ષા સેવી તેમનો પણ અનુભવ લીધો. કેટલીક બાબતો સાર વગરની હોય તેવી લાગી. કેટલીક બાબતોનો અનુભવ મળતાં તૃપ્તિ થઇ ગઇ. આ બધું સંતોષનો જ વિષય છે. જે પુરૂષાર્થ આપણે આરંભ્યો હતો તે જ નવી પધ્ધતિથી અને મોટા પ્રમાણમાં બીજાઓ ચલાવે છે તે જોઇને અપાર સંતોષ થાય જ અને નવી પધ્ધતિથી અને મોટા પ્રમાણમાં બીજાઓ ચલાવે છે તે જોઇને અપાર સંતોષ થાય છે. ઘડપણને કારણે જે વાત હવે મારે હાથે થઇ શક્તી નથી તેની નાહક ચિંતા કરીને પોતાની જાતને શા માટે સૂકવી નાખવી? બાલ્યાવસ્થા જેટલી આનંદદાયક હતી, જુવાની જેટલી પ્રોત્સાહક હતી તેટલી જ વૃધ્ધાવસ્થા શાંતિદાયક, સંતોષપ્રદ અને ચિંતનાકુળ બની છે. જેમ સાંજના થાકની સાથે મીઠી અને ગાઢ નિંદ્રાનું આગમન સુખદાયક લાગે છે, તે જ રીતે વિવિધતાથી ભરેલા આ જીવનનો અંત પણ આવવાનો છે અને યથાકાળે મૃત્યુમિત્રની મુલાકાત નક્કી થવાની જ છે, તે શ્રેષ્ઠ આશ્વાસન છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર

  • Jayanti

    જીવન જીવવાની નવીરીત મળી……હવે મ્રુત્યુને આવકાર છે…..૫૦વરસ પછી……

  • Kantilal Parmar

    આભાર,
    પરમ સખા મૃત્યુ પુસ્તક વર્ષો પહેલાં મેળવી વાંચ્યું હતું ફરીથી આપની વિગતો વાંચવા મળશે.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  • sapana

    મૃત્યુ વિષે નવી રીતે વીચારતા કરી દે એવો લેખ છે..હળવે.હળવે આદત પડશે..ધીરે..ધીરે આવજો બાપલા..
    સપના

  • jjugalkishor

    બહુ જ સરસ પુસ્તિકા છે. કાકાસાહેબનાં પુસ્તકોનું એક વખત વ્યસન હતું !