હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8


( આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા. – ડીમ્પલ આશાપુરી )

આંખ ઝંખે ઘૂઘવતો દરીયો ને,

પાંપણ પર પરખાતી હોય ખારાશ…

ને ત્યાંજ આંખની કોરપ હંમેશા વાગ્યા કરે.

કે નિરંતર આંસુઓના પડઘા જ બસ આંખ સાથે ઘડીભર,

ને વેદના …. વેદના તો ક્યાંય વેચાયા કરે.

ઘડીભર થયું કે લાવ થોડું રડી લઉં ક્યાંક ખૂણામાં જઇ,

ત્યાંય કો’કની વેદના એવી તો વિસરાય,

કે ચા ના કપમાં લાગણી પીવાયા કરે.

ને ત્યાં જ આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે,

જળમાં ફેંકી હોય કાંકરી

ને જળને થાય એટલી અસર,

થાય ઘડી બે ઘડી,

અરેરે…. ઓહ …. બિચારા ! ઉદગારો ઘણાં આપણી પાસે

ને છતાં વહેમ મનમાં માનવીનો સતત ઘૂંટાયા કરે.

ને ત્યાં જ આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે,

ન ભાળે તારો વાસ તારી કૃતિમાં કો’ક કંસ,

તો કા’ન પણ બંસરી ભૂલી, લઇ સુદર્શન,

આવીને વસે આંખમાં

ને ત્યાં જ

આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે,

કે એમ કાંઇ થોડી ઇચ્છા લખવાની થાય દોસ્ત,

પણ લાગણી કો’કની દુભાતા રચાઇ જાય કવિતા, ને ત્યાં

આંખોની કોરપ હંમેશા વાગ્યા કરે.


8 thoughts on “હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી

Comments are closed.