“ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા 3


” ઝંખના ! “

આજ મેં અચાનક નીરખી તેને જોયો,
અંતર પ્રકાશે પથરાતો પડછાયો,
આજ મેં અચાનક નીરખી તને જોયો.

છુપાયેલી તેમાં ઘણી યાદ આપની,
હતી તમન્ના માત્ર આપને મળવાની,
બે ઘડી હું આપના વિચારે અટવાયો. … આજ મેં અચાનક..

તાંતણા તણા સંબંધની ન કરી પરવા,
હાલી નીકળ્યો માત્ર આપને પામવા,
આપ તણા વિચારમાં લેજો અમ વારો. … આજ મેં અચાનક..

આપ તો પસંદ છો અનેકોને જગમાં,
વધારે નથી માંગતો, રહો બસ ઉરમાં,
ક્યારે આવશે આ ઝંખનાનો આરો. … આજ મેં અચાનક..

(જીગ) ઝળકતો પડછાયો જોઇ અંધકારમાં,
આપને વિચારતો પ્રત્યેક પળ મનમાં,
શોધતો હું મુજમાં આપનો ઓછાયો. … આજ મેં અચાનક..

” સંબંધ એક સમજણ ” …..

હ્રદયના ધબકાર સમજવા, આજ ‘સ્વ’ની જરૂર લાગે,
સંબંધ રચના પૂર્ણ કરવા આજ તમની જરૂર લાગે.

ઝૂમી રહ્યો વિચારના હું એ ચકરાવમાં,
ભટકી ભટકી ભટકું, માત્ર હું તુજ વિચારમાં,
આ વિરહના પરિસંવાદમાં આજ જીવન અધૂરાં લાગે…

આ શું કરી રહ્યો, નિત દિન તમારી યાદમાં?
પાગલ બનીને રખડું, દુનિયાની નજરમાં,
મારી સંવેદના જતાવા જરા મુજમાં ઉણપ લાગે…

અંધારપટ લાગે જ્યાં તમારા રાજમાં,
સૂઝે નહીં કાંઇ ત્યાં, આગળ જીવનમાં,
મને માથાથી ઉપર હવે નભના ભાર લાગે…

‘જીગ’ તો જીવે માત્ર જીવન લક્ષ્ય શોધમાં,
લાગે આપ પણ સમજી બેઠાં મૂરખ મનમાં,
અમ મનોવ્યથા સમજતા થોડી તમને પણ વાર લાગે..

(“ઝંખના” અને “સંબંધ એક સમજણ” એ બે કવિતાઓ શ્રી જીગ્નેશ ચાવડાની અક્ષરનાદ પર બીજી પ્રસ્તુતિ છે. વ્યવસાયે મિકેનીકલ ઇજનેર હોવા છતાં તેઓની આ રચનાઓમાં ક્યાંય અભિવ્યક્તિની યાંત્રિકતા નહીં દેખાય એ તેમની રચનાઓનું આગવું જમાપાસુ છે. એ ઉપરાંત તેઓ પ્રેમ અને વિરહની વાત ખૂબ સુંદર તથા સહજ રીતે તેમના આગવા અંદાઝ-એ-બયાં થી તદન નિખાલસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. અક્ષરનાદ પરના લેખ વિશે વાંચકમિત્રો પાસેથી સુધારાત્મક / રચનાત્મક પ્રતિભાવોની અપેક્ષા હોય છે અને રહેશે. નવોદિત લેખક મિત્રોને આવા પ્રતિભાવો ઉપયોગી થઇ પડે છે. આ વિષય પર માર્ગદર્શક અને સૂચનાત્મક વાર્તાલાપ ખરેખર આવકાર્ય છે.)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on ““ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા

  • kunal trivedi

    અંધારપટ લાગે જ્યાં તમારા રાજમાં,
    સૂઝે નહીં કાંઇ ત્યાં, આગળ જીવનમાં,
    મને માથાથી ઉપર હવે નભના ભાર લાગે…..

    ખુબ સરસ…. લખતા રેહેજો……

  • Ch@ndr@

    ઝુમિ રહ્યો વિચારના એ ચકરાવામા
    ભટકિ ભટકિ ભટકુ, માત્ર હુ તુજ વિચારમા
    આ વિરહના પરિસવાદમા આજ જિવન અધુરા લાગે.
    બહુજ સુન્દર ….ખરેખર હદયના ઉનડાણમા ઉતરિ ગઈ

  • sapana

    અંધારપટ લાગે જ્યાં તમારા રાજમાં,
    સૂઝે નહીં કાંઇ ત્યાં, આગળ જીવનમાં,
    મને માથાથી ઉપર હવે નભના ભાર લાગે… ખુબ સરસ રચના> હ્રદયસ્પર્શી.
    સપના