હીરા મુખ સે ના કહે….(મો. ક. ગાંધી) – રાજેશ ટાંક 3


દર વર્ષની જેમ કેલે ન્ડરના પાનાઓમાં 2 ઓક્ટોબર આવશે અને સમાજનો દરેક વર્ગ અતિ ઉચ્ચ કે અતિ નીચ – એક દિવસ માટે ગાંધીને માળીયા ઉપરથી ઉતારીને, ધૂળ ખંખેરીને, દીવા-બત્તી કે સુતરની આંટી-ઘૂંટીઓથી દિવસને ગાંધીમય અને ગાંધીથી તન્મય કરી દેશે. અને તરત જ સાંજે ગાંધીને પાછા માળિયા ઉપર ચડાવી દેશે. કદાચ એવું લાગે કે ગાંધીજયંતિનું પર્વ કે અવસરની ઉપયોગીતા ભારતમાં માત્ર એક જાહેર રજાથી વિશેષ કશું જ નથી રહ્યું, કારણકે આજે કોને સમય છે, કોને ફિકર છે કે કોને ઇતિહાસના ગર્ભની અંદર એક અવલોકન તો દૂર રહ્યું પણ ડોકિયું કરવાની નવરાશ છે! કદાચ એવું અનુભવાય છે કે ભારતનો આત્મા એવો મહાપુરૂષ, યુગપુરૂષ કે યુગવિભૂતિ ગાંધીને યાદ કરીએ, ઋણને સ્વીકાર કરીએ કે તેના અનંત ઉપકારને સભાનતાથી, સન્માનથી કે પછી સગર્વ યાદ કરીએ. કારણકે સર્વજન હિતાય સર્વજન સુખાય એવા ઉપનિષદના મહામંત્રને પોતાના સમસ્ત જીવનકાળ દરમ્યાન જીવીને અને મરીને પણ અમર કરીને ગયેલા ગાંધીને આ દિવસે શ્રધ્ધાપૂર્વક યાદ કરવાની એક સહજ ખાનદાની તો દાખવીએ કે આ પુરૂષના અથાગ, અમાપ અને અવિસ્મરણીય એવા બલિદાનથી આજે ભારતની અબાલવૃધ્ધ પ્રજા સ્વતંત્રતાના અનંત અને અમાપ આકાશમાં સ્વૈરવિહાર કરી રહી છે તેનાં પ્રાગટ્યને એક શ્રધ્ધા સુમન તો અર્પણ કરીએ.

ગાંધીને જેટલો અન્યાય, અપમાનીત કે અવમૂલ્યન સમાજમાં કેંસર ગણાતા રાજકારણીઓએ સ્વૈચ્છિક સમાજ સેવાનાં વ્યભિચારમાં ચારિત્ર્યને છડેચોક લીલામ કરનારા સમાજસેવકોએ કે પછી લુપ્ત થતા, ક્ષુબ્ધ થતાં કે સુસ્ત થતા ગાંધીવાદીઓએ નથી કર્યો એથી પણ વિશેષ અને ક્યાંય વધારે અપમાનીત ભારતની સામાન્ય પ્રજાએ કરેલ છે. ભારતની સામાન્ય પ્રજાએ ગાંધીના જીવનને, કવનને જેટલું દૂષિત અને પ્રદુષિત કરેલ છે એટલું કદાચ કોઇએ નથી કર્યું. જેનું જીવન એટલું પારદર્શક અને સહજ હતું કે કદાચ એવું પણ કહી શકાય કે ભારતીય સમાજ હજુ નિખાલસતા અને પારદર્શિતાની એ પરાકાષ્ઠાનાં અનુભવોથી હજુ અલિપ્ત જ છે. કારણકે સૂર્યની સામે ધૂળ ઉડાડવાથી તો ધૂળ ઉડાડનાર તરફજ આવવાની છે, સૂર્યને કોઇ જાતનો પ્રશ્ન થતો જ નથી. અને સૂર્યને પોતાના માર્કેટીંગ માટે કોઇ ચંદ્ર, તારા કે ગ્રહોની જરૂર નથી એ વાત ગાંધીના જીવનને પણ એટલીજ નિ:શંક, નિર્ભિક અને નિર્વિવાદ બાબત છે.

વર્ષો પહેલા કદાચ આ લખનાર કે વાંચનાર પણ વારસાગત પૂર્વગ્રહો અને ગેરસમજણનાં અપ્રચાર હેઠળ ગાંધીજયંતિ એટલે રજા કે મજાનાં એક ક્ષુલ્લક નશામાં આ યુગપુરૂષને જાણે અજાણે અપમાનિત કરેલ હશે જ પરંતુ જીવનનાં વૃક્ષમાં જેમ જેમ અનુભવ અને અનુભૂતિનો વિકાસ થાય, જેમ મનન અને ચિંતનનું આદાન પ્રદાન થાય ત્યારે ગાંધીને સમજવાનો એક નિખાલસ અને પ્રમાણિક પ્રયાસ થાય ત્યારે ખરેખર એમ થાય કે જાણે ગાંધી પોતાના સ્વમુખે કહેતાઅ હોય કે “હીરા મુખસે ના કહે લાખ હમારા મૂલ” એવી અનુભૂતી થયા વગર રહેતી જ નથી. આ સાથે એવું પણ એક આત્મચિંતન કે આત્મખોજમાં અંદરનો માયલો “ગાંધી” નામના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવા લાગે કે આ યુગવિભૂતીનું, રાજકારણીઓએ, સેવકોએ કે ગાંધીવાદીઓએ જેટલો નિર્વસ્ત્ર કર્યો નથી એથી વિશેષ ભારતના સામાન્ય માણસે કર્યો છે. કદાચ જો નિશપક્ષ થઇને વિચારીએ તો આ પુરૂષને ભારતની પ્રજાએ શું આપ્યું? અપમાન, હીણપત …. વધુમા વધુ એક માર્ગ પર “મહાત્મા ગાંધી રોડ” નું બોર્ડ….. એક મોટુ પૂતળું કે જે શહેરભરના કાગડા કાબર માટે સુલભ શૌચાલય બની ગયેલ છે. આથી વિશેષ શું કર્યું છે આપણે ગાંધીજી માટે કે તેમના જીવનના જતન માટે કે તેમના તત્વજ્ઞાન કે સિધ્ધાંતો માટે….. એક મહાગ્રંથ બને એટલી સામગ્રી લખી શકાય તેમ છે પણ સમય ક્યાં છે?, કોને છે અને કેટલો છે?

હા, કદાચ વર્ષોથી આપણે ગાંધીજીને સાચવ્યા છે, સન્માન્યા છે કે સર્વસામાન્ય બનાવ્યા છે પણ એ તો ભારત સરકારની ચકચકતી અને કસકસતી નોટૉ પર સાચવ્યા છે, એને પણ આપણે આવનાર ક્રેડિટકાર્ડના યુગમાં બેંકના અંધકારમાં મૂકી દઇશું. શક્ય છે કે આપણે સામાન્ય માણસ, કોમનમેન કે મેંગો પીપલ – આમ જનતા તેના સમર્પણ કે સિધ્ધાંતોને જીવનમાં ન ઉતારી શકીએ પરંતુ તેમની આત્મકથાને એક વખતતો વાંચીએ – એક વખતતો સત્યના પ્રયોગો હાથમાં લૈએ…. શું તમે પૂછો છો કે આ સત્યના પ્રયોગો શું છે? ઓહ, ક્ષમા કરશો, ગાંધીજીની આત્મકથા એ જ સત્યના પ્રયોગો ….. ચોખવટ તો કરવી પડે ને ભાઇ! આપણને થોડી ખબર પડે? – કારણકે આવી બાબતો માટે ટાઇમ જ ક્યાં છે આપણી પાસે? કેટલી બધી ચેનલો, કેટલા છાપાઓ, કેટલી ખટપટો અને પાનના ગલ્લે મંડાતી પંડિતાઇ માંથી નવરાશ મળે તો આવી જ્ઞાનની વાત તરફ ધ્યાન જાય ને કે “સત્યના પ્રયોગો” શું છે?

વિશ્વનાં ખૂબ જૂજ એવા યુગપુરૂષો હશે જેમણે પોતાનાં જીવનને અત્યંત નિખાલસતાથી, સહજતાથી કે મર્દાનગીથી લખ્યું હશે, અને એ પણ કોઇ જાતના સ્વાર્થ કે પબ્લીસીટીની ચમક દમકની અપેક્ષા રાખ્યા વગર. કેટલી હદ સુધી પોતે કરેલ ભૂલે કે પસ્તાવા કે ખોટા નિર્ણયોને નિષ્કપટ સંવેદનાઓને નૈપથ્યમાંથી જીવનના રંગમંચપરથી પડદો ઉપાડીને બહાર આવવા દીધાં કારણકે બે ચાર ચાંદીના સિક્કાનાં રણકાર કે ચેનલોના ચોવટીયા કાર્યક્રમોમાં પ્રસિધ્ધીના ઘોડાપૂરમાં ડૂબવા પોતાની જાતને ચેનલોના બજારમાં વેચી સ્વાભિમાનની રોકડી કરનાર હલકા લોકોથી ક્યાંય ઉંચેરૂ સ્થાન અને અકલ્પ્ય એવી હિંમત ગાંધીજીએ પોતાના જીવનનાં અત્યંત ગુપ્ત અને વિચાર માત્રથી સુનામી આવી જાય એવા પ્રસંગોથી દર્શાવી છે. એ જ ગાંધીજીના જીવનમાંથી કાંઇક તો શીખીએ …. કદાચ એટલે જ તેમના માટે વિશ્વના કોઇ પણ પ્રકારના ઇનામ અકરામ, એવોર્ડ કે માન સન્માન તેમની સામે નાના પડે તે નિ:શંક અને નિર્વિવાદ બાબત છે.

જેમ વર્તમાનમાં કોઇપણ સમસ્યા ઉદભવે તો તેમાં પાકિસ્તાનનો જ હાથ છે એમ સ્વતંત્ર સંગ્રામે અને તત્કાલીન સમસ્યાઓમાં સૌથી વધુ કોઇને જવાબદાર ગણાવતા હોય તો તે ગાંધીને – માત્ર ગાંધીને જ કારણકે પાનનાં ગલ્લે બેસીને સરકાર ચલાવતા, બજેટ બહાર પાડતા કે મંદિમાં શું કરવું તેની માર્ગદર્શિકાની નીત નવી આવૃત્તિઓ બહાર પાડતા પિચકારી પંડિતો માત્ર પોતાને બધા ઘુવડોમાં શ્રેષ્ઠ સાબિત કરવા કે ગાંધીના નામના નિરર્થક છાજીયા લઇ પોતાની માનસિક નપુંસકતાની મર્દાનગીનું પ્રદર્શન કરતા હોય છે.

આ એ ગાંધી કે જેણે સરદાર અને નહેરૂ જેવા બંને પૂર્વ પશ્ચિમનાં સૂર્યને પોતાની ધરીની આસપાસ જ નહીં પરંતુ સંપૂર્ણ અંગ્રેજ ભારતીયમાં નખશિખ જીવંત જવામર્દ કે ધ્યેય નિષ્ઠ ભારતીય જ ન બનાવ્યા પરંતુ સાથોસાથ જે સ્વાતંત્ર્ય સંગ્રામને એક મૂર્ખાઓના સરઘસથી વિશેષ ન વિચારનારને એક જ મુલાકાતમાં પુન:જન્મ આપ્યો. જેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના ધૃવ પ્રહરી બની રહ્યાં, કેવી હશે એ પ્રતિભા, એ વ્યક્તિત્વ જેણે નહેરૂ જેવા નખશીખ અંગ્રેજને રેશમી રાજામાંથી ખરબચડી ખાદીના ખાડા ખખડાવતા કરી દીધા અને સરદારનાં પોલાદી મનોબળને મીણ કરતાં પણ વધુ ગતિથી પ્રેરીત અને ચલિત કરી દીધું કે પછી બીજા વિશ્વયુધ્ધનો મહાનાયક વિંસ્ટન ચર્ચિલ પણ જેનાં વ્યક્તિત્વની ઉત્તુંગ ઉંચાઇઓ સામે દુનિયાના કોઇ પણ નોબલ પ્રાઇઝ ઓછા પડે એવા યુગવિભૂતી ગાંધીને લાખો સલામ કરે છે.

કમ સે કમ એક વખત તો વાંચીએ કે પછી આવનારી પેઢી કે જેને ગાંધીજી કોણ થઇ ગયા તેના વ્યક્તિત્વ વિશે કંઇક તો વાત કરીએ, ભલે તેનાં સિધ્ધાંતો કે પ્રણાલીઓ કે પછી તત્વજ્ઞાન હાલનાં સમયમાં પ્રવર્તમાન કે પ્રચલિત ન થઇ શકે, પરંતુ જે નિરંકુશ, નિરપેક્ષ અને નિર્બંધ સ્વતંત્રતા ભારતના એક અબજ લોકો માણી રહ્યા છે, ભોગવી રહ્યા છે, તેનો શ્રેય તમામ ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓને તો છે જ પરંતુ એ બધાનો ધ્રુવ તારક કોઇ હોય તો એ ગાંધીજી જ છે. આપણા સંતાનોને એ ગાંધીજી વિશે તો વાત કરીએ કે આ એ જ ગાંધી છે જેણે ભારતને સ્વતંત્રતા અપાવવા લાઠીઓ ખાધી, આપણીજ બંધૂકની ગોળી ખાધી અને આજે રોજ પાનનાં ગલ્લે પીચકારી પંડિતોની ગાળો ખાય છે – કદાચ એમ કહી શકાય કે ગાંધી લોકો માટે જીવીને ગયા અને લોકો માટે જ મરી ગયા. અને વારસામાં આપણને આપતા ગયા એક વિશાળ અને વિરાટ રાષ્ટ્ર જે યાવત્ત ચંદ્ર દિવાકરૌ પૃથ્વીના ફલક પર લોકોનાં માનસપટ પર અજેય અને અભય બનીને ઉભરતું રહેશે. ગાંધીજીનો સાચો પરિચય એ જ કદાચ તેનું ઋણ ઉતારવાનો એક માત્ર ઉપાય બની રહેશે.

ક્લિન બોલ્ડ

ભવિષ્યની આવનારી પેઢીઓ ગાંધીજીનાં જીવનને વાંચીને પ્રશ્ન કરશે કે શું પૃથ્વી પર આવો કોઇ માણસ થઇ ગયો હતો?

– ડો. આલ્બર્ટ આઇંન્સ્ટાઇન.

( આજે બીજી ઓક્ટોબરના સપરમા દિવસે શ્રી મહાત્મા ગાંધીજીને અંજલી તરીકે અક્ષરનાદ.કોમ ના વાંચક મિત્ર શ્રી રાજેશ ટાંક પ્રસ્તુત સમયમાં ગાંધીજી, તેમના વિચારોની તથા તેમણે આપણને બતાવેલા સિધ્ધાંતો વિશેના વિચારો આ કૃતિ મારફત અભિવ્યક્ત કરી રહ્યા છે. ગાંધીજીના વિચારો અને તેમની દીર્ઘદ્રષ્ટીને ખુલ્લી આંખે અને પૂરા મનથી અનુસરવું એ મારા મતે આજના દિવસે તેમને શ્રેષ્ઠ ભાવાંજલી હશે. અક્ષરનાદ ભારતના આ મહાન સપૂતને સાદર વંદન કરે છે. )


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “હીરા મુખ સે ના કહે….(મો. ક. ગાંધી) – રાજેશ ટાંક

  • ajay joshi

    ખુબ જ સરસ લે ખ …aaje gandhi jayanti na diwase vanchine saru lagyu..
    hakiqat ma aaja na samay ma gandhi vicharo na amal karva ma aaveto…!!

  • gopal h parekh

    ગાઁધી માટે બીજા શુઁ કરે કે નથી કરતાઁ એ વિચારવાનુ છોડી આપણે શુઁ કરવુઁ જોઇએ એ કરવા માઁડીએ એજ સાચી શ્રધ્ધાઁજલિ