મેઘ ને (વર્ષાકાવ્ય) – અરદેશર ખબરદાર 4


ઓ મેઘ ! વૃષ્ટી લાવજે,
તુજ રેલ અહીં રેલાવજે,
ગડગડ ગડગડ કરી
ભડભડ ભડભડ ભરી,
રણવાદ્ય તુજ વગડાવજે ! –

ધરણી વિશે કંઇ તાપના સંતાપ છે,
પૂંઠે પડ્યા મનહરમુખી કંઇ પાપ છે,
એ સર્વને તુજ રેલમાં ઘસડી જઇ હોમાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
દૂર દૂર સર્વ એ વ્હેવડાવજે !

આકાશને સહુ છાઇ દે,
તુજ સફળ દળની વધાઇ દે;
સરસર સરી,
રસરસ ઝરી,
જગને અમીરસ પાઇ દે!

નિર્દોષ કંઇ જગબાળકો અથડાય છે,
જીવન નીરસ ગણીને નિરાશ જ થાય છે.
તું તેમના ઉર છાઇને આશા નવી અંકાવજે
ઓ મેઘ કર કર વૃષ્ટી !
રસરસ અંતરે ઉછળાવજે !

તુજ બાણ રંગીન તાણજે,
મહીં રંગ હસતા આણજે;
દિનકર તણા
મુખ સપ્તના
હયના ખૂંખાર પ્રમાણજે,

શુધ્ધ પ્રેમને જગમાં હું જોઉં રીબતો,
બહુ શોક ઘેરા રંગમાં ડૂબી જતો;
એ પ્રેમમાં તુજ બાણના રંગો મુદ્રિત રંગાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
તુજ શીત હાસ્ય માંહી હસાવજે !

તુજ દાન દેતો ઘૂમીને,
કર તૃપ્ત ભૂખી ભૂમીને,
સહુ ભય હરી
જય જય કરી
ઉર ઠારશે પદ ચૂમીને !

ભૂખ્યાં ભૂખ્યાં આ જગતનાં બહુ માનવી,
તૃષ્ણા ઉંડી અતી વિકટ છે સહુ જાણવી;
જરી વેળ પણ તું તેમની ઉંડી ભૂખને ભુલાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
જય જય તારી ત્યાં ઉચરાવજે !

અધિ ! કૂદતો કંઇ આવજે !
ભર સિંધુને ઉછળાવજે !
જળપૂરમાં
ખૂબ શૂરમાં
નદીને જરા દોડાવજે

આ દેશનું વીરત્વ મંદ પડી ગયું,
અડ્યું તેજ, કાળ પ્રહાર સહી જ રડી રહ્યું,
તેને જગાવી, મંત્ર ફૂંકી ઉર્મિઓ ઉકળાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
હર હર વીરહાક પડાવજે !

જળધોધ તારા ડોળતો
પડ ગ્રીષ્મને ચગદોળતો
નભ ભરી નીરે,
તુજ રીપુ શીરે
નાચી રહે રણ રોળતો !-

જૂઠાં કલહ ને કપટ આ સંસારમાં,
વળી ક્રુરતા ને દ્વેષ કંઇ નરનારમાં,
એ સર્વ સુખરિપુને જગતમાંથી હરાવી હઠાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
સૌ તુજ ધોધમાં વ્હેવડાવજે !

ઓ મેઘ ! વૃષ્ટી લાવજે !
પશુપંખીને હરખાવજે !
તુજ સ્વ ભરી
છલછલ કરી
ઉર ગાનમાં છલકાવજે !-

કવિ અંતરે કદી રુક્ષતા આવી વસે,
નીરસ કદરહીણ જગતથી મંદ જ થશે;
તેને ફરી તું જગાવીને તુજ ગાન પાન કરાવજે,
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
તુજશું કલ્પના વ્હેવડાવજે !

રસધર ! અતુર આકાશથી !
રમીએ અહીં ઉલ્લાસથી,
જગ અણદીઠા,
અદભુત મીઠા,
કંઇ ખેલ રાસવિલાસથી !

મુજ હ્રદયને ચમકારથી ચમકાવી દે !
રસ દિવ્યધામ થકી ઉંડો મધુ લાવી દે !
રે આવ ! કૂદીએ નાચીએ !
કંઇ વિવિધ ભાવ જગાવીએ !
ઓ મેઘ ! કર કર વૃષ્ટી !
જગને રસરસે નવડાવીએ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મેઘ ને (વર્ષાકાવ્ય) – અરદેશર ખબરદાર