સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા 12


(કવિ શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલ સંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ” નો આસ્વાદ)

મારા હિસ્સાનો સૂરજસૂરત શહેર ગઝલક્ષેત્રે છ પેઢીથીયે વધુ સમયથી સમૃધ્ધ નગર છે. જ્યાં ગની દહીંવાલા, મરીઝ, રતિલાલ ‘અનિલ’, નયન દેસાઇ, રઇશ મનીઆર અને મુકુલ ચોકસી જેવા ગઝલકારોએ ગઝલની માવજત કરી છે. હાલ યુવા કવિઓ રઇશ મનીઆર, ગૌરાંગ ઠાકર, કિરણ ચૌહાણ વિગેરે સક્રિય છે. કવિ ગૌરાંગ ઠાકર વ્યવસાયે ઇજનેર છે પરંતુ ગઝલના બંધારણની શિસ્તને પણ સારી પેઠે જાણે છે. 2006માં પ્રગટ થયેલો તેમનો સંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ” આ જ વાતની પ્રતીતી કરાવે છે. આજે આ ગઝલકારની સૃષ્ટીના યાત્રી થઇએ.

સંગ્રહના આરંભે મૂકેલી ગઝલમાં વિષાદજન્ય વાતાવરણ છે, તેનું સુંદર પ્રતિપાદન થયું છે. અહીં સત્યની પ્રતીતિમાં સ્વયંને જોડવાનું આહ્વાન થયેલ જોવા મળે છે. કવિની સમૃધ્ધિ કેવી હોય છે તે જુઓ –

દર્દો અને આ પીડાની મૂડી અમારી છે,
વસીયતમાં તારું નામ લખાવી નહીં શકું. (પૃ. 1)

સંગ્રહમાં એકાધિક વાર મકાન, બારી, સૂર્ય, ખુશી જેવા શબ્દોથી ભાવવિશ્વમાં પ્રવેશ થાય છે. ઘર અને મકાનની વચ્ચેની ભેદરેખાને એક શે’રમાં કવિ આલેખે છે –

પથ્થરને ઇંટનું ભલે પાકુ મકાન છે,
એ ઘર ન બને ત્યાં સુધી કાચું મકાન છે. (પૃ. 2)

અહીં ભાવ, ભાષા અને અભિવ્યક્તિ પરત્વે કવિની પકડ મજબૂત બની જાય છે. તેમની ગઝલો ધાર્યું નિશાન તાકી શકવામાં સફળ થઇ છે. એકાદ શે’રની ચમત્કૃતિથી ભાવકને આંજી દેવાની યુક્તિ કરતા સળંગ આખી ગઝલમાં ભાષા અને અભિવ્યક્તિનું કર્મ ખીલી ઉઠે તેવી અનેક ગઝલો અહીં જોવા મળે છે. કવિ માટે વિષય વૈવિધ્યની બારીઓ સત્તત પ્રતીક્ષા કરતી લાગે છે. એક વિષયમાંથી બીજા વિષયમાં સરકી જવાની ફાવટ પણ જોવા મળે છે.

કવિ પ્રથમ માનવ છે તેથી માનવીય સંવેદનાનું જોડાણ અને માનવીય ગતિવિધિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી તેની સુંદર અભિવ્યક્તિ થયેલી જોવા મળે છે.

માણસ પહોંચે માણસ લગ,
ઉજવી નાખો એ અવસર (પૃ. 28)

નગરચેતનામાં શ્વસતા માણસની અભિપ્સા તો ચંદ્ર કે મંગળ પર જવાની હોય પણ સંવેદનશીલ માનવી તો એક જ અપેક્ષા રાખે છે.

હું સાંકડી ગલીમાં રસ્તો કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો (પૃ. 5)

સંગ્રહમાં આવતા વૃક્ષો, પથ્થર, કેડી જેવા કલ્પના વિનિયોગ યંત્રયુગના માનવીની વિષમતા સૂચવે છે. સંવેદન બધિર માણસની સાથે આ બધી શક્યતાઓ અવિનાભાવી છે. વળી, માનવમનનો જુદો હિસ્સો એક નોખો સૂર પ્રગટાવે છે. કવિની અભિવ્યક્તિ પણ દાદ માંગી લે તેવી છે.

છાપ સિક્કાની મને બન્ને ગમે,
માત્ર તું એને ઉછાળે છળ વગર (પૃ. 3)

પળભરમાં બધુંજ છોડી અનિકેત થઇ ભટકવું કંઇ સહેલુ નથી. માનવની અપેક્ષા સરહદો હંમેશા વધ્યે જ રાખવાની છે. કવિ આ સરહદને કાબુમાં રાખવા એક સુંદર શે’ર આપે છે.

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું, બસ સૂરજ ઘરે લાવી નથી શક્તો. (પૃ. 8 )

માનવમનની અકળ મથામણો પછી પ્રકૃતિને પણ વિષય તરીકે લાવે છે. ‘પાનખર ફરતી હતી’ ગઝલમાં વ્યક્તિ પોતાના મૂળ સ્વભાવને બદલવા ન મથી તો કોઇ બદલાવી શક્તું નથી તેમ એક સત્યનો આવિષ્કાર કરે છે,

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી. (પૃ. 10)

તો યંત્રયુગના માનવીનું સત્ય પણ આ રહ્યું,

પવન પાંદડા લઇ ગયો પાનખરમાં,
હવે વૃક્ષ આખું નિરાધાર જેવું. (પૃ. 15)

સત્યને કવિ સમયની પેલે પાર મૂકતા કહે છે કે પીંજરામાં પુરાયેલા વૃક્ષને ટહૂકા પણ કૃત્રિમ આપવા પડશે! પ્રણય જેવા સાશ્વતભાવથી પણ સંગ્રહનો ઘણો ભાગ સમૃધ્ધ છે.

ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે. (પૃ. 51)

અને

ચાલ પૂરી થઇ નમાજ અહીં,
મારો મેં સાંભળ્યો અવાજ અહીં. (પૃ. 42)

જાત સાથે સંવાદ કરવાનું પણ ગઝલકાર ચૂકતા નથી. અહમનું વિગલનજ પ્રેમની સંપ્રાપ્તિનું કારણ બની રહે છે.

મારા અહમના પહાડ બધા ઓગળી ગયાં,
આંખોમાં તારી યાદનાં ઝરણાં વહી ગયાં (પૃ. 41)

આત્મસંપ્રજ્ઞ થાય તો ઇશ્વર પ્રગટ થાય છે તેવાં અધ્યાત્મભાવની ગઝલો પણ સંગ્રહમાં જોવા મળે છે,

તારી ભીતરમાં કોઇને ઘર મળે,
તો તને પણ શોધતો ઇશ્વર મળે.
તું અહીં પડછાયો તારો ભૂંસ તો,
સૂર્ય જેવો સૌને સચરાચર મળે. (પૃ. 38)

સ્વમાન અને સન્માન આત્મ તરફની ઉન્નતગતિએ ગૌરાંગ ઠાકરની ગઝલોમાં જોવા મળે છે. ક્યાંક નાવિન્યસભર પ્રતીકોથી સંવેદનની તીવ્રતા લાવી શક્યા છે. માનવીય ભાવનાઓને યંત્રયુગની વિભીષિકાથી દૂર રાખવામં આવે છે અને સંવેદનાનો સૂર પ્રગટાવવામાં કવિ સફળ થયા છે.

ક્યારેક જીવનનાં સત્યનો સ્વીકાર તો ક્યાંક જીવનની સામે પડકાર ફેંકી લેવાની હિંમત પણ કરી લે છે. તેમની ગઝલોમાં મનુષ્યની લાગણીનું નમૂનેદાર શિલ્પકામ થયેલું છે. તેમની ગઝલોમાં જુસ્સો, પડકાર, નૂતન પરિસ્થિતિ, અર્થનાવિન્ય અને સંવેદનની તીવ્રતાનો રણકાર છે. તેમની ગઝલોની ગતિ અને સંપ્રાપ્તિ બંને અદભૂત !

નિર્માણ કરેલી પરિસ્થિતિમાં જીવવું એ જ આશ્વાસન કવિ પાસે લેવાં જેવું છે,

નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
માણસ થવાય દોસ્ત તો ઇશ્વર થવું નથી. (પૃ. 30)

આ સંગ્રહ નાવિન્યતાની અપેક્ષા સિધ્ધ કરે છે. કવિની હકારાત્મકતા ગઝલના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શક્શે.

તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને,
બસ શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત. (પૃ. 31)

સંવેદનતંત્રની પંચેન્દ્રિયથી લીલામાં રમણિય થઇ તરબતર થવાનું આશ્વાસન છે. ઉત્તમ ગઝલોનો ઉત્તમ સંગ્રહ આપણા હિસ્સાને પણ અજવાળી દેશે તેવી શ્રધ્ધા.

અસ્તુ.

નોંધ : ગૌરાંગભાઇને વર્ષ 2008-09નો ‘શયદા પુરસ્કાર’ તેમની ગઝલો માટે પ્રાપ્ત થયો છે.

( મારા હિસ્સાનો સૂરજ : કુલ પાન : 68. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ગૌરાંગ ઠાકર. બી-103, ‘શુકન’ એપાર્ટમેન્ટ, સહજધામ રો હાઉસની સામે, રામકુટિર ફલેટ્સની પાછળ, અડાજણ, સુરત )


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા

 • adhyaru Post author

  પ્રિય ગૌરાંગ ભાઇ,

  અક્ષરનાદ.કોમ વેબસાઇટ પર શ્રી તરુણભાઇ મહેતા દ્વારા લખાયેલ લેખ “સવાલ મુઠ્ઠીભર અજવાળાનો” ની મુલાકાત અને આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.

  આપના આ સંગ્રહને ઘણી વખત વાંચ્યો, મમળાવ્યો છે અને તેને વાંચીને દર વખતે ખૂબ મજા આવે છે.

  જો કે આપને એ જણાવતા આનંદ થાય છે કે વ્યવસાયે હું પણ એક સિવિલ એન્જીનીયર છું.

  આપનો આભાર,

  જીગ્નેશ અધ્યારૂ

 • jjugalkishor

  બહુ મજાનું કામ કર્યું છે. શ્રી ગૂરાંગનો પરિચય વધુને વધુ કરાવવા જેવો છે. તેઓ હવે સુરતના જ નથી રહ્યા.

  ધન્યવાદ !

 • હરેશ પાઠક

  છેલ્‍લા ૧૫ દિવસથી મે મારુ ઇમેઇલ ખોલ્‍યુ ન હોવાથી મારી પાસે વાંચવાનો ખજાનો ભરપુર થઇ ગયો છે તેથી પ્રતિભાવ ન આપતા આપનો આભાર એટલામાટે માનું છુ કે હુ ચીખલકુબા ના જંગલોમાં ખુબ જ ફરયો છુ તેથી
  બધુ જ વાંચીને મારો ભાવ જણાવીશ

 • Nishit Joshi

  ભીડ વચ્ચે અભાવ લાગે છે,
  એ જ તારો લગાવ લાગે છે.

  તારી ભીતરમાં કોઇને ઘર મળે,
  તો તને પણ શોધતો ઇશ્વર મળે.
  તું અહીં પડછાયો તારો ભૂંસ તો,
  સૂર્ય જેવો સૌને સચરાચર મળે.

  બહુ જ સરસ્.

  નીશીત જોશી