હું એટલે Who?
તમે કોઇ દિવસ વિચાર્યું છે? આપણી પ્રાર્થનાઓ કેટલી મતલબી હોય છે? પ્રભુને પ્રાર્થના કરી તેની અપાર કરુણા અને તેણે આપણને આપેલી અદ્વિતિય રચનાઓ (નાક, કાન, મોં, હાથ પગ… જોવું, સૂંઘવુ, સ્વાદ પારખવો, ચાલવું, જમવું ને પચાવવું….) બદલ કદી આપણે તેનો આભાર માન્યો હોય તેવું યાદ આવે છે? નાનુ બાળક પ્રભુને પ્રાર્થના કરતું હોય અને કંઇ બોલતું ન હોય તો આપણે તેને શું કહીએ? જવાબ બધાએ પોતાની જાતને આપવાનો છે. શું આપણે તેને એમ કહીએ કે બેટા પ્રભુને થેંક્યુ કહે, કારણકે તેણે તને તાળી પાડવા હાથ આપ્યા છે, કે ફૂલ સુંઘવા નાક કે દોડવા પગ આપ્યા છે? આપણે તો એને પણ એમ શીખવીએ કે બેટા, ભગવાનને કહે કે મને ખૂબ હોંશીયાર બનાવજો, કે મને વર્ગમાં પહેલો નંબર લાવવાના આશિર્વાદ આપો. મને ફલાણું આવડે અને મને ઢીંકણું આવડે. ક્યારેય માનવતા અને ધર્મમાં પહેલો નંબર લાવવાની વાત આપણને જલ્દી સૂઝતી નથી, કારણ મહાવરો નથી! આપણી પ્રાર્થનાઓમાં ક્યારેય હું સિવાય કાંઇ હોય છે? હું, મારું, મને….. શબ્દો જુદાજુદા અને અર્થ બધા સ્વકેન્દ્રી.
પેલો પ્રસંગ યાદ આવે છે, એક વાર પ્રભુ એક ભક્ત પર પ્રસન્ન થયા અને કહ્યું, માંગ, તું માંગીશ તે આપીશ, પણ એટલું યાદ રાખજે કે જે તું માંગીશ તેનાથી બમણું તારા પડોશીને મળશે. અને પછી એ માણસ માંગે છે પોતાના માટે એક કરોડ રુપિયા, પ્રભુ તેને તથાસ્તુ કહે છે સાથે તેની પાસે એક કરોડ અને તેના પડોશી પાસે બે કરોડ આવી જાય છે. પછી તે માંગે છે, મારી એક આંખ ફોડી નાખો, મારો એક હાથ અને એક પગ કાપી નાખો…. અને સાથે પડોશીને એ પણ બમણું મળે છે! સ્વાર્થની કેવી વરવી વાત?
કહે છે કે સાહિત્ય એવું માધ્યમ છે જેના દ્વારા માણસને ખરાબ સમયમાં સાચો રસ્તો મળે છે. એ ફક્ત દવા નથી જે બીમારી હોય તોજ લઇ શકાય, એ તો કડવાણી જેવું અક્સીર ઔષધ છે, જ્યારે પણ લો, કાયમ ફાયદો…. સદનસીબે આપણા સાહિત્યમાં આવા અનેક શે’ર અને અન્ય પદ્ય રચનાઓ મળી આવશે જેમાં આ “હું” ના વિવિધ સ્વરૂપો ખૂબ સરસ રીતે સમજાવાયા છે. ક્યારેક આ “હું”, પ્રભુ વગર એકલો ભટકી ન જાય એવી પ્રાર્થના કરતો જોવા મળે તો ક્યારેક એ સમયને પૂછે છે કે હજી કેટલા ઝખ્મો આપવાનાં બાકી છે, ક્યારેક એ ખુદાને તેની બંદગીની સાચી મહત્તા સમજાવતો દેખાય છે. ઘણી વખત એ જીવનભર ભેગા કરેલા પાપ પુણ્યના પોટલાં ભવસાગર પાર કરવાં કેમ લઇ જવાશે એની ચિંતા કરતો હોય છે. ક્યારેક એ પોતાને પોતાની જાત વિશે સમજાવતો હોય છે, તો વળી ક્યારેક એ પોતે પોતાની એટલેકે સર્વવ્યાપી પરમેશ્વરની સમીપે હોવાનો પણ અહેસાસ કરાવી જાય છે. આવા જ વિવિધ “હું” વિશે માણો આજે થોડીક પદ્ય રચનાઓ – શે’ર.
તમે “શંભુ ચરણે પડી… ” સાંભળ્યું છે? ગાવા પૂરતું ગાવાની આ વાત નથી. તેના શબ્દોનો મર્મ ક્યારેય વિચાર્યો છે? તેની એક પંક્તિ કાંઇક આવી છે,
નેતી નેતી જ્યાં વેદ કહે છે,
મારૂ ચિતડું ત્યાં જાવા ચહે છે ।
સારા જગમાં છે તું,
વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો
સર્વવ્યાપી પ્રભુમાં પોતાની જાતને જોનારો, તેના રસ્તે જવા તત્પર એવા હું ની આ વાત છે. બીજી એક કડી છે…
હું તો એકલપંથી પ્રવાસી,
છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી,
કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો
જીવનના સફરમાં બધા પ્રવાસી એકલપંથી જ છે, પણ એનો સાચો અહેસાસ થાય ત્યાં સુધી ખૂબ મોડુ થઇ ગયું હોય છે. અને સદગુરૂના શરણ વિના ગમે તેટલું મથીએ, એ આખરી મંઝિલ મળતી નથી. માણસને પોતાના વિશે જાણવા માટે કાંઇ સાધુ બનવાની કે સંસાર ત્યજવાની જરૂરત નથી. એક પ્રસંગ યાદ આવે છે. એક જ ગુરૂના બે ચેલા હતા, અને દીક્ષા લીધા પછી ઘણા વખત સુધી મળ્યા નહીં, એક ચેલો ખૂબ મોટો પ્રતિભાશાળી સમાજ માર્ગદર્શક બન્યો, તે બધે શહેરોમાં જતો અને પ્રવચનો કરતો, તેનો ખૂબ મોટો શિષ્ય સમુદાય થયો જે તેની પાછળ ખડેપગે ઉભો રહેતો, તેના અનેક વૈભવશાળી આશ્રમો હતા. મોટર ગાડીઓ અને નોકર ચાકર હતા, તે લોકોને સાદગીથી રહેવાનો અને દુનિયાના મોહજાળથી નીકળવનો રસ્તો બતાવતો. એક દિવસ એક શહેરમાં તેને તેનો ગુરૂભાઇ મળી ગયો. એણે આ સાધુને પોતાના ઘરે આમંત્રણ આપ્યું, અને તેના ઘરે ગયો ત્યારે તે તેની પત્ની અને એક પુત્રને મળ્યો. એ ગુરૂભાઇ કરીયાણાનો વેપાર કરતો હતો. તેને ખૂબ દુ:ખ થયું કે આખરે તે સંસારમાં પડી જ ગયો.
ગુરૂપૂર્ણિમાને દિવસે જ્યારે બંને ગુરૂને મળ્યા ત્યારે પેલા સાધુએ ગુરૂને ફરીયાદ કરી કે તેનો ગુરૂભાઇતો ગુરૂ પરાંપરાને અનુસરીને સાધુ થવાને બદલે સંસારી નું જીવન જીવે છે, અરે એ તો વેપારી થઇ ગયો છે. ગુરૂ પર એની ફરીયાદની કોઇ અસર ન થઇ. પેલો ચીડાઇ ગયો, “પ્રભુ, હું આપના બતાવેલા રસ્તે ચાલું છું, સાધુત્વને વરીને લોકોને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવું છું, આપનો ઉપદેશ બધાને સંભળાવું છું, જ્યારે ગુરૂભાઇએ તો સંસાર અપનાવીને આપનું નામ બોળ્યું છે.
ગુરૂજી જવાબ આપે છે,” મારો જે સંદેશ તું લોકો સુધી પહોંચાડે છે તે તારા પોતાના જીવનમાં તેં કેટલો ઉતાર્યો? તું ગાડી વગર ક્યાંય જતો નથી, રેશમના ગાદી તકીયે તું સૂવે છે, બેસે છે, અને હજારો ચેલા ચેલીઓની મોહજાળમાં તું ફસાયેલો છે. જ્યારે આ પોતાના જીવનથી લોકોને ઉપદેશ આપે છે, તે સંસારી હોવા છતાં સાધુ છે, તું સાધુ હોવા છતાં સંસારી. એકલપંથના આ પ્રવાસમાં તે મોહમાયાના અનેક અવલંબનો ઉભા કર્યા છે, જ્યારે તે પોતાનો રસ્તો સરળ બનાવે છે.”
સાચા ગુરૂના લક્ષણો કેવા હોય એ સમજાવતા પાનબાઇ કહે છે,
સતગુરુ મેરે ગારૂડી, કીઘી મુજ પર મેર,
મોરો દીનો મરમરો, ઉતર ગયા સબ જેર.
સતગુરૂ દુન્યવી ભ્રમણાઓ ના ઝેર અને મોહમાયાના ભ્રમજાળમાંથી છોડાવીને મુક્તિના રસ્તે પ્રેરે છે. મુક્તિનો એ માર્ગ જેને ભવસાગર કહે છે એ સરળ નથી. એને પાર કરવા બધા બંધનો, સંબંધો, જીવનભર કમાયેલી મૂડી, કીર્તી અને ભાવનાઓ, એ બધુંય સાથે આવતું નથી. ડો. રઇશ મનીયાર આ શે’રમાં આવાજ કોઇક વજનની વાત કરે છે. એ જીવનમાં એકઠી કરેલી કઇ મત્તાનો અહીં ઉલ્લેખ કરે છે?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભર એ મતાનું હું શું કરૂં?
પોતાના વિશે માણસ કેટલું જાણતો હશે? કે ફક્ત જાણવાની ઇચ્છા લઇને આખુંય આયખું જીવી જવાય છે? ઓશો કહે છે તેમ સમાધિની અવસ્થા પામ્યા વગર તમે તમારા વિશે જાણવાનો દાવો કરતા હોવ તો એ દાવો તદ્દન જૂઠ્ઠો અને દંભી છે. તત્વજ્ઞાન જે અવસ્થામાં પ્રાપ્ત થાય એ સહજ નથી, એના માટે ઘણી પૂર્વતૈયારીઓ જોઇએ. એટલે જ કદાચ મારા શે’રમાં પ્રભુને મારા વિશે મને સમજાવવાની વિનંતિ કરતા દરીયા અને કિનારા સાથે અનાયાસ સરખામણી થઇ ગઇ છે.
દરીયો શું જાણે કિનારા વિશે
પ્રભુ મુજને સમજાવ થોડું મારા વિશે
જ્ઞાન પ્રાપ્તિ કઠિન છે, આ અવસ્થા વિશે નરસૈયો શું કહે છે? જ્યાં સુધી સાધના પોતાની ઇચ્છા અને લગનથી ન થાય ત્યાં સુધી એ બધા પ્રયત્નો એળે જ જવાનાં. જાણે વાવઠાનો વરસાદ. સાધના વગર માનવ દેહ એળે જવાનો એમ સમજાવતા નરસિંહ મહેતા કહી દે છે,
જ્યાં લગી આત્મ તત્વ ચીંધે નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય દેહ તારો એમ એળે ગયો, વાવઠાની જેમ વૃષ્ટી જૂઠી.
બંદગી એ ફક્ત એક માધ્યમ છે, એ મંઝિલ નથી. પૂજા કરવાથી કામ થતું નથી, પણ પૂજા કરવાથી જે એકાગ્રતા, જે ધ્યાન અવસ્થા આવે છે એ પ્રભુ સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કરી આપે છે. નાઝિર દેખૈયા એમના એક શે’રમાં કહે છે,
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.
બંદાનો બંદાનવાઝ પરનો અડગ વિશ્વાસ અને તેની ખુદાઇ પરનો ભરોસોજ આવી ઉંડી વાત કહી શકે. પ્રભુની રહેમ પર એટલો ભરોસો ત્યારે જ આવે જ્યારે તેની ખુદાઇ સુધી, તેની ઉંચાઇ સુધી પહોંચવાનો સંન્નિષ્ઠ પ્રયત્ન થયો હોય, એક ઇમાનદાર કોશીશ થઇ હોય. ઘણી વખત જીવનમાં દુ:ખોથી પ્રભુ પ્રત્યે અજાણ્યેજ એક અશ્રધ્ધા સર્જાઇ જાય છે. કવિ શ્રી રમેશ પારેખ તેમના એક શે’રમાં આવી કાંઇક વાત કરે છે, તેઓ કહે છે,
શ્રધ્ધાથી બધો ધર્મ વખોડું છું હું, હાથે કરી તકદીરને તોડું છું હું.
માંગુ છું દુઆ એ તો છે ફક્ત દેખાવ, તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.
માણસ જ્યારે પોતાની જાતને એ આત્મ તત્વ સાથે એકાકાર કરી શકે, એકરૂપ કરી શકે ત્યારે તેનો આત્મ વિશ્વાસ એવો હોય છે જાણે એકડો ઘૂંટીને આવડી જવાથી ખુશ થયેલું નાનકડું બાળક, શ્રી મનહર મોદીનો એક આવોજ સુંદર શે’ર છે,
મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે,
હવે હું મને આવડી ગયો છું.
માયાના તંતુઓ છોડવાનું સહેલું નથી, અને એટલે જ બધાએ એક દિવસ આ દુન્યવી અવલંબનો છોડીને જવાનું છે એવી ખબર હોવા છતાં એ વિયોગની પળે, જ્યારે ઘણાં એ આત્મતત્વને પામવાના આનંદથી છલકાઇ ગયા હોય છે ત્યારે ઘણાં એ વિરહ સહન કરી શક્તા નથી. દુન્યવી સંબંધો અને વસ્તુઓ પરનો તેમનો મોહ મૃત્યુ પછી પણ છૂટતો નથી. જે આવા બંધનો છોડવા સમર્થ હોય તેને દરેક સમય સમાધિનો સમય છે. અને આવી જ કોઇક સુંદરત્તમ પળે ખુદાના રહેમ પર વિશ્વાસ સાબિત થયાના આનંદમાં શ્રી ભગવતીકુમાર શર્માએ કહ્યું હશે,
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે, હું ચાલ્યો જઇશ. – ભગવતીકુમાર શર્મા
પોતાના દુ:ખો અને સમયની સાથે આવતી તકલીફોથી કંટાળ્યા વગર શ્રી શૂન્ય પાલનપુરી સમયને બસ પ્રેમથી એટલું કહી દેવા વિનંતિ કરે છે કે હજી દિલ પર કેટલા સિતમ જીરવવાના બાકી છે. શરીર પર હજી કેટલા ઝખમો આવવાના છે તે કોઇ કદી જાણી શક્યું નથી. ફક્ત સમય તેનો ઇલાજ છે, અને ફક્ત સમય જ તેનો સૌથી સારો ઇલાજ છે. તેઓ કહે છે,
હું નથી પૂછતો સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહીદે મને, જોઇએ તારે આખર જખમ કેટલા? – શૂન્ય પાલનપુરી
પ્રભુના નશામાં, તેમની ભક્તિના કેફમાં કાયમ રહી શકાય તેવું વરદાન તો કોઇક બડભાગીને જ મળે. એ ભક્તિ સિવાય જેમના જીવનમાં, જેમના મનમાં અવકાશો સર્જાઇ જાય છે એવાજ કોઇક અપ્રતિમ આનંદની પળે રાજેન્દ્ર શુક્લ કહી દે છે,
જત જણાવવાનું તને, કે હું નશામાં હોઉં છું,
શું લખું, શું કહું, હું ક્યાં કશામાં હોઉં છુ?
અને આવા આનંદના, આવી સમાધીના સમયમાં રહેનારા, જેને દુનિયા ઘણી વખત અનભિજ્ઞ કે દુનિયા થી પર વ્યક્તિ કહે છે, એમને પોતાની અંદર પરબ્રહ્મની નજીક હોવાના અને પોતાના ઉત્તરોતર ઉચ્ચ મનોઅવસ્થાના પદને પામવા તરફ ઉર્ધ્વગતિ કરે છે. હર્ષ બ્રહ્મભટ્ટ પોતાની બે અવસ્થાની વાત કહે છે. હું પોતાની સાથે હૌં છું એવું કહેતા તેઓ પોતાના સ્થૂળ સ્વરૂપને પોતાની આત્મ સ્વરૂપ એકાકાર અવસ્થા સાથે જુઓ છે. દુન્યવી મોહથી દૂર પરમાનંદની અવસ્થાની નજીક હોવાથી તેમને પોતાની અંદર સૂર્યોદય થતો હોવાનો, પરબ્રહ્મના પ્રકાશને તેઓ જોઇ રહ્યા યોય તેવું અનુભવે છે.
એકલો હું ક્યાં કદીયે હોઉં છું? હું હંમેશા મારી સાથે હોઉં છું.
સૂર્યોદય કેવો થયો મારી ભીતર, પહાડો જેવો હું પીગળતો હોઉં છું.
માનવની ઇચ્છાઓ અને તૃષ્ણાઓનો કોઇ અંત નથી, પણ જેમણે પોતાની જીવનનૈયા કોઇક સદગુરૂના, કે અંતે પ્રભુના સંપૂર્ણ સમર્પણથી ભવસાગરમાં તરતી મૂકી છે, તેમને આ નાનકડા જીવનમાં પણ સરળતાનો, સફળતાનો અને સાધનાનો માર્ગ મુક્તિની મંઝિલ તરફ દોરી જાય છે એ ચોક્કસ છે. અંતે આ મતલબનો મારો એક શે’ર છે,
અફાટ તારો દરીયો ને નાની મારી હોડી રે, મેં તારા ભરોસે છોડી રે,
અનંત છે ઇચ્છાઓ ને ક્ષણો બચી છે થોડી રે, મેં તારા ભરોસે છોડી રે.
– જીગ્નેશ અધ્યારૂ.
Namaskar,
HUN……
Khub saras,Ghanu samajvu zaruri chhe
ગુજરતિ ભશમા હુ શબ્દ આદિકાળથિ ચાલ્યો આવ છે ,,,,તેનો વપરશ તો થવાનો જ્
છન્દ્રા
વ્હુ નો ચ્હેદ કર્વો નથિ- તેને વિક્સવો અને મજા લુતો.
મનનીય ચિંતન.
આ શેર પણ બહુ ગમ્યો..
અફાટ તારો દરીયો ને નાની મારી હોડી રે, મેં તારા ભરોસે છોડી રે,
અનંત છે ઇચ્છાઓ ને ક્ષણો બચી છે થોડી રે, મેં તારા ભરોસે છોડી રે.
સુંદર .”હું” નો છેદ થઈ શકે ખરો???કોશિષ તો કરીએ.