અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરિન્દ્ર દવે 4


અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,

રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે

સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે

મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું?

( શ્રી હરિન્દ્ર દવેના પુસ્તક ધર્મસભા માંથી સાભાર.)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરિન્દ્ર દવે