ગુજરાતી ભાષા માટે નેટ તરફથી ખુશખબર 10


ગુજરાતી ભાષાના ચાહકો માટે થોડાક સારા સમાચારો છે.

ઈકોનોમીક ટાઈમ્સે હવે તેની ગુજરાતી ભાષામાં વેબસાઈટ રૂપી આવૃત્તિ શરૂ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા ગૃપના એક નવા પગલા તરીકે આની કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નથી એટલે કદાચ હજી તે બીટા સ્ટેજમાં હોઈ શકે. પરંતુ અંગ્રેજી અને હિન્દી પછી ત્રીજી ભાષામાં વિકલ્પ તરીકે ગુજરાતી ભાષાને સ્થાન મળ્યું તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ઓગસ્ટમાં તેમણે જ્યારે હિન્દીમાં વેબસાઈટ લોન્ચ કરી ત્યારથી ભારતીય ભાષાઓમાં તેમનું આવવું ધારેલું જ હતું. છતાં પણ કદાચ “વ્યાપાર કરતી પ્રજા” તરીકે ગુજરાતીઓ માટે આ સાહસ વહેલું કર્યું હોય તો કહેવાય નહીં. આ સારા સમાચાર એટલે પણ છે કારણકે બિઝનસ સ્ટાન્ડર્ડે તેમની ગુજરાતી વેબસાઈટ રેગ્યુલર અપડેટ કરવાનું બંધ કરી દીધું છે (જે તેમના ગુજરાતી હોમપેજ પરથી જોઈ શકાય છે), તેના બદલે આ એક સરસ વિકલ્પ મળી રહ્યો છે.

રેડીફ ના એક રીપોર્ટ પ્રમાણે એક પરિષદમાં રેડીફ.કોમના સીઈઓ અને સ્થાપક અજીત બાલક્રિષ્ણનને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે રેડીફ હવે જાન્યુઆરી ૨૦૦૯થી ૨૨ ભારતીય ભાષાઓમાં “કોમ્યુનિકેશન” કરવાની સગવડ આપવા જઈ રહ્યું છે કારણકે ભારતીય ભાષાઓનો ઈન્ટરનેટ પર ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. આ પ્રમાણે રેડીફના બે પોર્ટલ પણ કદાચ ફરી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતી અને તમિલ ભાષાના પોર્ટલ અપડેટ કરવાની જરૂરત છે, તે યુનિકોડમાં નથી, ફોન્ટના ઘણાં પ્રોબ્લેમ્સ છે અને તેમને એક વ્યવસ્થિતતાની જરૂર છે.

રેડીફ ક્વિલપેડમાં પણ ઈન્વેસ્ટ કરી રહ્યું છે જે ભારતીય ભાષાઓ માટે ટ્રાન્સલિટરેશનનું એક સાધન છે. જો કે હજી તેમાં ઘણાંય સુધારાની જરૂરત લાગે છે અને તેને મૂળ તો યૂઝરફ્રેન્ડલી બનાવવાની જરૃરત છે.

મોબાઈલ વેબ બ્રાઉઝરના મહારથી ઓપેરા એ તેમનું ફાઈનલ ઓપેરામિની વર્ઝન ઓપેરા મિની ૪.૨ બજારમાં મૂક્યું છે અને તે પણ ૧૨ ભારતીય ભાષાઓમાં તેના વપરાશના વિકલ્પ સાથે, જેમાં ગુજરાતી ભાષા પણ એક છે. પરંતુ તે વપરાશમાં હજી સરસ કહી શકાય તેવી કક્ષાનું નથી. ઓપેરાના જણાવ્યા પ્રમાણે ભારતમાં તેમના મોબાઈલ વેબ બ્રાઉઝરનો મહત્તમ ઉપયોગ રેલ્વે ટાઈમટેબલ માટે થાય છે.

આશા છે કે આવનારા વર્ષમાં આપણને આવા અનેક નવા ઉત્સાહપ્રેરક સમાચારો સાંભળવા મળતા રહે.


Leave a Reply to kamleshkumar Cancel reply

10 thoughts on “ગુજરાતી ભાષા માટે નેટ તરફથી ખુશખબર