આ સમાજને – જીગ્નેશ અધ્યારૂ


આખરે ક્યાં સુધી

હું આમને આમ જ જીવ્યા કરું?

અને જોયા કરું મૂંગો થઈને

ગૂંગળાતું બાળપણ

જ્યાં ત્યાં ખોરવાતુ ને

ખોટે રસ્તે દોરવાતું યૌવન,

ને અપમાનોની આગમાં

ભારે ઠુંઠવાતું ઘડપણ.

ક્યાં સુધી હું જોયા કરું

તમારા નિર્દય દેખાડા

ભેદભાવના નગ્ન તમાશા

માણસ માણસના રક્તના પ્યાસા

એકને માથે, એક ખાસડે

એકને આશા, એક નિરાશા

ક્યાં સુધી હું જોયા કરું

કે તમે કોઈના નથી

મતલબના સાથી છો

ને ઘોર સ્વાર્થી છો

ક્યાં સુધી હું આમ જ જોયા કરું

ને વિચાર્યા કરું, ક્ષણે ક્ષણે મરું

કે હું ય તમારામાં થી જ એક છું.


0 thoughts on “આ સમાજને – જીગ્નેશ અધ્યારૂ