ખોટો એક રૂપીયો – આત્મકથા


મારા હિસાબે તો તમે ઘણા જ નસીબદાર છો કે તમને કમ સે કમ એટલી તો ખબર જ છે કે તમારાં માતાપિતા કોણ છે ! એ અર્થમાં હું તો એવો લાવારિસ છું કે મને એ પણ ખબર નથી કે મારાં જન્મદાતા કોણ છે. મૂલ્યની દ્રષ્ટીએ મારું મૂલ્ય પૂરેપૂરું સો પૈસા એટલે કે એક રૂપીયો છે પણ મને તો તમને કહેતા પણ શરમ આવે છે કે હું એક રૂપીયાનો ખોટો સિક્કો છું.

ગઈકાલે આ દુકાનના શેઠનો આઠમાં ધોરણમાં ભણતો દીકરો એની ગુજરાતી વાચનમાળાનો ખોટી બે આની નામનો પાઠ મોટેથી વાંચતો હતો ત્યારે એના લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ જેમ પૂછ્યું છે તેમ મને પણ ઘણી વાર મારા જન્મદાતા વિશે પૂછવાનું મન થાય છે કે કયો મોરલો આ કળા કરી ગયો? પણ હજુ સુધી એ માડીનો જાયો મને મળ્યો નથી.

દુકાનના ઉંબરા પર મારી સમાધિ રચાઈ તે પહેલાની મારી આ સંસારની ભ્રમણયાત્રા અત્યંત રોચક અને રસપ્રદ છે. મને “Back to pavilion” નો કડવો અનુભવ મ્યુનિસિપલ બસના કંડક્ટરે સહુથી પહેલી વખત કરાવ્યો. જે કાકાના હાથમાં હું રમતો હતો તેમણે પોતાના સિનિયર સીટીઝનના પાસ માટે રૂ. ૧ ની ટિકિટ લેવા જેવો મને કંડક્ટરના હાથમાં મૂક્યો કે અનુભવી કંડક્ટરે આ કાકાનાં હાથમાં ગુસ્સે થઈને મને પાછો પકડાવી દીધો. કાકાએ ઘેર આવી સૌને પોતાની ફજેતીની વાત કહી એટલે તેમના પૌત્રે ‘લાવો હું કોઈકને પકડાવી દઈશ’ ના આત્મવિશ્વાસ સાથે મારો હવાલો લઈ લીધો.

આ જુવાનિયાએ મને આમ તો સીધીરીતે ઘણાંયને પકડાવી દેવાના પ્રયત્નો કર્યા પણ તેની કોઈ ચાલ કામયાબ ન થઈ. ચ્હા પી હોટલવાળાને પાંચ રૂપીયાના છુટ્ટા આપવાના પરચૂરણમાં મારો સમાવેશ કર્યો, પણ પેલાએ મને પાછો કરતાં કહ્યું ‘આ ખોટો સિક્કો છે, બીજો આપો’, પછી તો બરફના ગોળાની લારી વાળો, શેરડીના રસ વાળો, અને છેલ્લે તો પાનના ગલ્લા વાળાનેય મારો હાથફેરો કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાંથી એકેય છેતરાયો નહીં અને એક રૂપિયો ચલાવવાની લ્હાયમાં તેના સાચા દસ પંદર રૂપિયા વપરાઈ ગયા તે નફામાં.

અત્યંત કંટાળી અને મારાથી ત્રાસી ગયેલા એ યુવાને સસ્તા પર બેઠેલા એક આંધળા ભિખારીના વાટકામાં મને ફેંક્યો પણ એ આંધળા ભિખારીની સતેજ કર્ણેન્દ્રિયે મારો રણકાર પારખ્યો અને ‘એ શેઠ’ એવી બૂમ પાડીને પેલા જુવાનના હાથમાં મને પાછો સોંપતા કડક ટીકા કરી કે ‘આવા ખોટા સિક્કા દાનમાં આપવા હાલી નીકળ્યા છો?” છોભીલા પડી ગયેલા પેલા યુવાને પછી અત્યારે મને જ્યાં ફાંસી આપવામાં આવી છે એ દુકાનની મુલાકાત લીધી. અને પોતાના ઓળખીતા આ શેઠ પાસે આવીને કહ્યું કે “મારા દાદાએ દસ રૂપિયાના છુટ્ટા મંગાવ્યા છે અને રૂપિયા દસની કડકડતી નોટ તેમને આપી. શેઠે તેને પાંચ રૂપિયાનો સિક્કો, બે બે ના બે સિક્કા અને એક સિક્કો એક રૂપિયાનો આપ્યો, અને પછી બીજા ગ્રાહક જોડે વાત કરવા માંડ્યા. આ પરિસ્થિતિનો લાભ લઈ પેલા જુવાને મારી અદલાબદલી કરી નાખી. શેઠે આપેલો એક નો સિક્કો ખીસ્સામાં મૂકી, ચતુરાઈ થી મને હાથમાં લઈ પેલા શેઠને બતાવતા કહે ‘કાકા ! આ રૂપીયો બરાબર નથી લાગતો. બદલી આપો ને…’ શેઠે સહેજ પણ આનાકાની કર્યા વગર મને લઈ લીધો અને ગલ્લામાં નાંખ્યો. અને અંદરથી સાચો સિક્કો આપી પેલા યુવાનને હસતો હસતો વિદાય કર્યો.

બધાં ગ્રાહકો વિદાય થઈ ગયા પછી શેઠે પોતાના દીકરાને કહ્યું ‘બેટા પેલી છાજલી પરથી હથોડી અને ખીલી લાવ તો..’ પેલો એ લઈ આવ્યો એટલે શેઠે ગલ્લામાંથી મને બહાર કાઢી પેલા દીકરાના હાથમાં આપ્યો અને કહ્યું ‘લે, આ ભાગ્યશાળીને દુકાનના લાકડાના ઉંબરા પર જડી દે. શેઠના દીકરાએ મારો ઉધ્ધાર કરી નાંખ્યો. પછી નિરાશ થતાં કહ્યું, ‘આપણને એક રૂપીયાનું નુકશાન થઈ ગયું ને? તમે નક્કામાં છેતરાઈ ગયા, આપણે ક્યાં એને ખોટો સિક્કો આપ્યો હતો? ‘ શેઠે હસીને કહ્યું ‘દીકરા મારા ! ચાર રૂપિયાનો ફાયદો થયો, તો એક રૂપિયાનું નુકશાન પણ વેઠવું પડે.’ પેલાએ પૂછ્યું ‘એટલે?’ શેઠે ખુલાસો કર્યો, કાલે તારા દીકરાએ રમત રમતમાં આઠ આનાના બે સિક્કા ફેવિકોલથી ચોંટાડીને પાંચ રૂપિયા જેવો સિક્કો નહોતો બનાવ્યો? એ સિક્કો મેં આ જુવાનિયાને પાંચના સિક્કા તરીકે પધરાવી દીધો. હવે ભલે ઘરે જઈને રાડો પાડતો.આનું નામ “Tit for Tat” એમ ભણ્યો છે ને?’

મને શહીદ થયા પછી મારા પરિવાર વિશે ખબર પડી…

– No Author Name Known


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “ખોટો એક રૂપીયો – આત્મકથા