પ્રવૃત્તિ પંથમાં પ્રાણી ! ભજનનો ભેદ ભૂલ્યો છે
મર્યાદા સંતની મૂકી, જગતમાં જીવ રહ્યો છે ઝૂકી;
સિધ્ધાંતો વેદના ચૂકી, દુબજા માંય ડૂલ્યો છે.
તપાસ્યે રૂપ તું તારૂ, નથી કાંઈ બ્રહ્મથી ન્યારૂં;
મૂકી દે હું અને મારું, ફંદમાં કેમ ફૂલ્યો છે?
પ્રમેશ્વર પાસ જા પૂરો, સદા તું સિંહ છે શૂરો;
બધો આ ખેલ છે બૂરો, જગતમાં શીદ ભૂલ્યો છે?
દિલમાં બાળ હંસ દેજો, બધું આ ‘કાગ’ ને કે’જો;
ત્રિપુટી સંગમાં રે’જો, મરદ તું ક્રોડમૂલો છે.
– દુલા ભાયા કાગ