સાતમ આઠમ નો મેળો @ મહુવા 11


સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું…

A Sweet girl in Chakdol

A Sweet girl in Chakdol

એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે.

અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ

Mela at Bhutnath Temple in Mahuva

Mela at Bhutnath Temple in Mahuva

નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો તેમાં બેસાડી, ત્રણ વખત વારા પૂરા કર્યા પછી માંડ ઉભી થઈ…..શીંગ તેને ખૂબ ભાવે એટલે મગફળી ફોલી તેને શીંગ ખવડાવી, ત્યાં પાસે નાનકડા બાગ જેવું છે જે ખીચોખીચ ભરેલુ હતુ, નાનકડી જગ્યા શોધી અમેય બેઠાં. મહુવામાં હું અને મારી પત્ની અમારી પુત્રી સાથે એકલા જ હોઈએ, કોઈ સગુ વહાલુ નહીં…..ક્યારેક એકલતા લાગે, ખાસ કરીને વીકએન્ડમાં, પણ ત્યારે ફરવા નીકળી પડીએ……પણ જ્યારે અમારા આ કુટુંબીજનો રાજકોટથી અહીં સાતમ આઠમ કરવા આવ્યા અને અમારા ઘરે મળવા આવ્યા, અમને મેળે જવા બોલાવ્યા અને તેમની સાથે ફર્યા પછી થયું, કે માણસ ખરેખર સામાજીક પ્રાણી છે, અને તે રીતે જીવવામાં જે મજા છે, જે આનંદની અનુભૂતી છે તે ક્યાંય નથી.

રાત્રે પાછા વળતા ટ્રાફિક જામ છે અને આગળ જવાય તેમ નથી તેવા સમાચાર મળતા અમે વૈકલ્પિક રસ્તે ચાલતા, અલક મલકની વાતો કરતા અને જૂના સંભારણા વાગોળતા ઘર તરફ ચાલ્યા, ચાર કિલોમીટર કાપતા કલાકેક થયો હશે…..મહુવા પહોંચ્યા પછી ક્રિષ્ના કોમ્યુનીટી સેન્ટર, ગાંધીબાગ ખાતે ઈસ્કોન પરીવાર દ્વારા યોજાયેલ કૃષ્ણ જન્મ કાર્યક્રમ જોવા ગયા. જળકમળ છાંડી જાને બાળા વાળા ગીત પર નૃત્ય નાટીકા ભજવાતી હતી અને તેનું મહુવામાં લોકલ કેબલ નેટવર્ક પર લાઈવ પ્રસારણ થતું હતુ, નૃત્ય નાટીકા માં લગનથી નાચતી નાની છોકરીઓ…તેમના હાવભાવ અને તેમની મહેનત વડે તેમણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા …અને કૃષ્ણએ જ્યારે કાળી નાગને નાથ્યો ત્યારે તો જાણે સાક્ષાત એ જ દ્રશ્ય જોતા હોય તેમ લાગ્યું, ઉપરથી ફૂલ નો વરસાદ થયો (ઉપરથી એટલે સ્ટેજ પર ઉપર લટકાવેલી ફૂલની ટોકરી દોરી થી ખેંચી ઉંધી કરાઈ) અને તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી રહ્યો…

તે પછી શરૂ થયુ ગીત અમે મહીયારા કંસ રાજાના વહાલા, કોઈને ન દઈએ દાણ …..અને સાથે નાની છોકરીઓના અભિનય કૌશલ્યની પ્રસ્તુતિ, પણ મારી દોઢ વર્ષની પુત્રીને આ ન ગમ્યુ હોય કે ગમે તેમ, તેણે રડવાનું શરૂ કર્યું, આસપાસમાં ખૂબ મોટા અવાજે વાગતા સ્પીકર છતા, તેના અવાજે ઘણા અગવડ પડતી હોય તેમ, કટાણું મોં કરી મારી સામે તિરસ્કારથી જોવા લાગ્યા, હું બહાર નીકળ્યો અને પાછળ પાછળ પત્નિ…..અને મારી પુત્રીની જીદને વશ થઈ અમારા કનૈયાને લઈ અમે ઘર તરફ ચાલ્યા, અને જાણે નિયમ હોય તેમ તેણે ગાંધીબાગ પાસે આવેલી કોલ્ડ બૂસ્ટની દુકાને તે પીવા માટેની ઈચ્છા વ્યક્ત કરી અને અમેય તેની સાથે જોડાયા….કોલ્ડ બૂસ્ટ પી ને અમે કૃષ્ણ નો જન્મ ઉજવ્યો…

My Daughter Hardi

My Daughter Hardi

આ મેળામાં ખૂબ જ મજા પડી, પોરબંદરનો મેળો તો ઘણી વાર માણ્યો છે, રાજકોટના રેસકોર્સમાં થતો મેળો ય માણ્યો છે પણ આ નાનકડા વિસ્તારના લોકોની પોતાના જીવનના આંનંદને વ્યક્ત કરવાની આ પધ્ધતિ જોઈ મને ખૂબ આનંદ થયો….


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “સાતમ આઠમ નો મેળો @ મહુવા