જંગલ સફારી – ગીરના યાત્રાધામ 7


આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So …..

દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા.

ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા માટે તૈયાર ન હતા. ઘેરાતો વરસાદ ચિંતા વધારતો હતો. “ચાલો ધક્કો મારીએ પાછળ તરફ” એક સુઝાવ આવ્યો, પણ “નો નીકરે મારા સાહેબ, લપસવાની તો ખરીજ ને” કહેતો ડ્રાઈવર ઉભો રહી ગયો. અને અમેય વિચારતા ઉભા કે શું કરવું?

પાછળથી એક બાઈક આવ્યું. તેને જવા અમે ગાડીના દરવાજા બંધ કરી દીધા (ફોટામાં જોઈ શક્શો કે રસ્તો એક ગાડી જાય એટલો માંડ પહોળો છે, અને કાદવ તો પાંચ કિલોમીટરમાં એકેય તસુભાર ઓછું નથી) તે ભાઈ અમને ઉભેલા જોઈ ઉભા રહ્યા. “શું થયું છે?” તેમણે પૂછ્યું. અમે તેમને વૃતાંત હજી કહીએ એ પહેલા તો ગાડીના ટાયરે પાડેલા નિશાન પરથી તે બધુ સમજી ગયા. “નીકળશે?” તેમણે ડ્રાઈવરને પૂછ્યું. પણ અમારો ડ્રાઈવર તો નક્કી કરીને નીકળ્યો હતો કે નહીં જ નીકળે, “ચાલો બેસો ગાડીમાં, તું ય બેસી જા પાછળ” તેમણે અમને અને ડ્રાઈવરને સૂચના આપી, તેમણે તેમની પાછળ બેઠેલા તેમના મિત્રને કહ્યું “તું બાઈક લઈને આગળ જા અને જ્યાં બાઈક ફસાય, ઉભો રહી થોડો પાછળ અમને ચેતવજે” …… તેમણે ગાડીનું સ્ટીયરીંગ લીધું.

“બોલો બજરંગબલી કી જય” ના નાદ સાથે તેમણે ગાડી સ્ટાર્ટ કરી, અને ધીરે ધીરે, ખૂબ કાળજી પૂર્વક એક પણ જગ્યાએ ગાડી પરનું નિયંત્રણ ગુમાવ્યા વગર પાંચ કિલોમીટર પલકવાર માં કાપી નાખ્યા. હનુમાનગાળાથી એક કિલોમીટર પહેલા આવેલા આશ્રમે પહોંચ્યા, જે ફોટામાં દેખાય છે. આ આશ્રમ ફોટામાં દેખાય છે. અહીંથી ચા પી ને અમે હવે ચાલતા આગળ વધ્યા કારણકે હવે ગાડીને જવાની મનાઈ છે, વળી રસ્તો ય પગદંડી જેવો છે. એક કિલોમીટરનો આ રસ્તો તદન લપસણો અને ઢોળાવ વાળો છે. અમે ચાલતા જતા હતા ત્યારે મનુભાઈ જેઓ અમારી ગાડી અહીં સુધી લાવી શક્યા હતા તેમણે અમને અહીંની વાત કહી. કહેવાય છે કે ટેકરી ઉપર એક માલધારી પોતાના પશુઓને ધાસ ચરવા લઈ ગયો. ઘાસ ચરતા ચરતા એક ભેંસ ટેકરીના કિનારે આવી અને લપસીને ખીણ માં પડી, માલધારી એ હનુમાનજીને તેની ભેંસ બચાવવા પ્રાર્થના કરી, અને નીચે આવી જોયું તો તેની ભેંસ ચરતી હતી. અને ત્યાં તેને ટેકરીની બરાબર વચ્ચે હનુમાનજીની મૂર્તી દેખાઈ. પછી ત્યાં મંદિર બન્યું અને એ આ વિસ્તારના લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. અમે પણ ત્યાં શ્રીફળ વધેરી, હનુમાનચાલીસા ના પાઠ કરતા હતા કે વરસાદ ચાલુ થયો. હનુમાનચાલીસા પૂરી કરી, ત્યાં ચારેય તરફ પહાડોથી ઘેરાયેલા આ અનહદ સુંદર વિસ્તારને જોતા જોતા પાછા વળ્યા, આશ્રમ પાછા આવી ફરીથી બાપુના કહેવાથી ચા પીધી, અને શ્રીફળ ખાતા ખાતા પાછા મનુભાઈને અમે ગાડી રોડ સુધી પાછી કાઢી આપવા કહ્યું. ફરીથી એ જ રીતે કાદવની પેસ્ટમાંથી ગાડી બહાર આવી અને અમે હવે સત્તાધાર આવેલા આપા ગીગાના આશ્રમ તરફ જવા નીકળ્યા…..

અહીંથી આગળની યાત્રાનું વર્ણન આવતીકાલે … હનુમાનગાળા યાત્રાના તમામ ફોટા જોવા અહીં ક્લિક કરો. – Click Album PHotograph Below …

Hanuman Gada

આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “જંગલ સફારી – ગીરના યાત્રાધામ

  • vikram ahir

    કેમ મિત્રો હનુમાનગલા ફરવાનિ મજા આવિ હુતો ત્યજ રહિ ને મોટો થયો. ંમારુ ગામ ચક્રાવા સે, હુ દર શનિવારે હનુમાનગાલા જાવ સુ,

  • sanjay

    મિત્રો અહિયા લાઇયન ના ફોટા મૂકવા માટે સૂ કરવાનુ મારી પાસે સરુ કલેક્ષન છે તો બતાવવા નમ્ર વિનંતી ?

  • sanjay

    જ’ગલ માં મારૂ ફેવરીટ લોકેશન લીલાપાની અને ત્યા મારા પાપા નોકરી કરતા હતા અને ત્યાનેસ આવેલુ છે ત્યા ના લોકો મારા દોસ્ત પણ છે હૂ તેની સાથે ઘણી વાર જંગલ પણ ફરવા માટે પણ ગયો છુ હુ ત્યાના ઘણા વિસ્તાર વાકેફ છુ ત્યા જોવા માટે ચરક યો ડુંગર છે
    માલવિય મા નુ મંદિર આવેલુ છે ,ત્યા બાજુ મા સુવરડી નેસ આવેલુ છે .લીલાપાની વિસાવડર રાઉંડ મા આવેલુછે

  • Heena Parekh

    હનુમાનગાળાની યાત્રાના વર્ણન સાથે ફોટોગ્રાફ પણ જોવા મળ્યા એટલે જાણે હું જ ત્યાં યાત્રા કરતી હોઉં તેવું લાગ્યું.કાકા કાલેલકરે પ્રવાસ વિશે લખ્યું છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. પણ તમે તો પ્રવાસે નહીં યાત્રાએ નીકળ્યા છો એટલે અગવડમાં પણ સગવડ કરવા ભગવાને મનુભાઈને મોકલી આપ્યા. આગળની યાત્રાની પ્રતિક્ષા રહેશે.