આરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …


આરૂષિ અને હેમરાજ હત્યાકાંડ, ઘટના પછીની પ્રતિક્રિયાઓ, પોલીસ ના નિવેદનો, વિવિધ લોકોની ધરપકડ, ચેનલ્સ, ન્યૂઝ મસાલા અને ગોસિપ ……અને મજાક બનતી એક દુર્ઘટના …. આ આખુંય પ્રકરણ દેશના લોકોને માટે રોજ સવારના પેપરની હેડલાઈન બની ગયું. છેલ્લા પંચાવન દિવસમાં આરૂષિને ન ઓળખતા નોઈડાના જ નહીં, આખા ભારતના લોકોને તેની સાથે સહાનુભૂતી થઈ ગઈ. પણ હજીય એક ચૌદ વરસની બાળકીના મનોજગતની અને તેના મૃત્યુ પહેલાના સંઘર્ષની કલ્પના ધ્રુજાવી દે તેમ છે. ન્યૂઝ ચેનલ્સ વિશે મેં એક વાર આ પહેલા પોસ્ટ લખી હતી. તેમને મસાલા આપવા સિવાય બીજા કોઈ સીરીયસ પ્રયત્નમાં કે કોઈના દર્દમાં સહભાગી થવાના કોઈ પ્રયત્ન કરવા નથી. તેમને જોઈએ છે ફક્ત ગરમ મસાલેદાર ન્યૂઝ, ટી આર પી, એડવર્ટાઈઝ અને બે ત્રણ બેસ્ટ ન્યૂઝ ચેનલના એવોર્ડ ….આવા સમયે મને ખૂબજ સંતુલિત અને કદી ઉતેજીત નહીં થતા દૂરદર્શનને શાબાશી આપવનું મન થાય છે.

પોલીસના બેફામ નિવેદનો, ચેનલ્સનું આડેધડ કવરેજ, શોકગ્રસ્ત અને ટેન્શનમાં જીવતા એક પરિવાર, માતા પિતાની ઉડાવાતી ખુલ્લે આમ મજાક અને આબરૂના લીરેલીરા ઉડાડતા અધિકારીઓ …. જેટલુ બીનજવાબદાર મીડીયા દેખાય છે એટલાજ બીનજવાબદાર પોલીસ અને સૌથી વધારે બીનજવાબદાર આપણે ….સમાજના મૂલ્યોનું પ્રતિબિંબ જો આવુ હોય તો એ સમાજ કયા રસ્તે છે? હું દિલ્હી માં એક વર્ષ થી વધારે નોકરી કરી ચૂક્યો છું અને મને ત્યાંના નોકરો, મોટા પૈસાદાર લોકો, તેમની ઉંચી ઊઠબેસ અને ઉંચા શોખ, તેમનાથી દૂર થતા તેમના બાળકો અને વિખેરાતો સમાજ દેખાય છે. ક્યાંક પૈસાની ભાગદોડ અને ક્યાંક વિચારોના પતનના રસ્તા દેખાય છે. …

મને આ સમગ્ર પ્રકરણમાં આરૂષિ પ્રત્યે જોરદાર સહાનુભૂતી છે … એક બાળકીના પિતા હોવાના નાતે મને એટલો તો વિશ્વાસ છે કે તેના પિતા તેની હત્યા ન કરી શકે … ખેર તપાસમાં જે પણ બહાર આવે … જે ભોગવીને ગઈ છે તે પાછી આવશે નહીં અને જે યાતના તેના પરિવારે ભોગવી છે તેને પણ કોઈ ભરપાઈ ન કરી શકે. આવા કિસ્સામાં પોલીસતંત્ર અને મીડીયાઓ ખરેખર સાવચેતી પૂર્વક કામ કરવાની જરૂર છે જેથી સમાજમાં ખોટો સંદેશ ન જાય કે કોઈ ગુના વગર દંડાઈ ન જાય. થોડિક સાવચેતી મોટી ગેરસમજ રોકી શકે. …. અને એક ભારતીય હોવાના નાતે પ્રભુને એ જ પ્રાર્થના કે આવુ સામાજીક અધ પતન થતા રોકે ….


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “આરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …