ચંદનની પાંદડીઓની રતુંબડી છાયા
તારા ચહેરા પરથી હલતી હલતી
માટીમાં છેક પાતાળ લગી ગઈ હશે
હવે સાંજ ઉતરી રહી છે જળમાં
ઝાલરદવનીઓ
ધૂપ લોબાનના સુગંધભર્યા ગોટેગોટામાં
ઓગળી ગયા છે
પહાડના પથ્થરો તળેનું ઝરણું
નળિયામાંથી ગળાતી આવતી
ચાંદનીની જેમ
રાતભર તારી આંખમાં
ઝંકાર કરતું રહ્યું
નદીના સ્થિર સ્વચ્છ જળ તળેની
ગોરમટી માટીની ભીની ઓકળીઓ
જેવો તારો ભીનેરો ને સૌમ્ય ચહેરો
જ હવે મને દેખાય છે
પહાડ ટોચ પરના
નાનકડા દેવળ માંથી
હવે હું ઢાળ ઉતરી રહ્યો છું
– સિલાસ પટેલિયા
( સંદર્ભ : નવનીત સમર્પણ જૂન ૨૦૦૩ )
Are tamari kavita e to purani yaad taji kari
didhi, Aankho mari bhari aavi.
Dhanyawaad aa kavita mokalwa badal