આપણું હોવુ હેંગઓવર જેવુ – અદમ ટંકારવી


આપણું હોવુ હેંગઓવર જેવુ

શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ.

આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ.

એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું.

પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું.

કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું.

– અદમ ટંકારવી

 

આધુનિક ગુજરાતી ગઝલ તબક્કાના આરંભે અદમે(૧૯૬૦) માં એક સિન્થેટિક ગઝલ લખી જેનો મત્લા છે

યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપનાં આવે છે.

ગુજરાતી ગઝલમાં અંગ્રેજી મિશ્રિત ભાષાના પ્રયોગ નો ધ્યાન ખેંચનારો આ નમૂનો, પ્રયોગમાં સમતોલપણું સાચવીને ગઝલકર્મ કરનાર અદમને ગઝલસાધના બરાબર ફળી, કદીક સાવ સરળ ભાષા કર્મથી તો કદીક પ્રયોગની ફૂંકથી તેઓ ભાવકના ચિત્તને વિચારવા માટે વિહ્વળ કરી મૂકે છે.

વસ દુનિયાની વચ્ચોવચ, ને દુનિયાથી છેડો ફાડ

તો એક શે’રમાં અખાની જેમ સીધું નિશાન તાકતા કહે છે,

કેમ કે તું નથી તારી મિલ્કત, દોસ્ત તારામાં ગોલમાલ ના કર

ગોલમાલ, દરજીવેડા, વાસફુસી, તાણીતૂસી, હક્કોબક્કો જેવા અનેક વ્યવહારૂ તથા તળપદા શબ્દપ્રયોગ ગઝલમાં આ રીતે પ્રયોજીને અદમે ગજબનું ભાષાકર્મ પાર પાડ્યું છે.

ભૌતિક સુખ સંપતિ પાછળ આંધળી દોટ દેનારો આજનો માનવી શ્વાસોશ્વાસ પણ કઈ રીતે લઈ રહ્યો છે? જાણે ખુદ પોતાની હયાતિ ઢાંકી રહ્યો હોય. એવી હાલતને લઈને એને અન્યથી સહેજમાં વાંકુ પડી જાય છે. કવિ એ પરિસ્થિતિને ક્ષણે ક્ષણે પલટાતા ઈંગ્લેન્ડના વેધર સાથે સરખાવી છે.

એવા માણસો થી ખીચોખીચ ભરેલુ આ વિશ્વ બારૂદના ઢગલા પર બેઠું છે, ગ્લોબલ વિલેજના હરખથી ફાટફાટ થતા માનવીએ પોતાને કેવી દયનિય પરિસ્થિતિમાં મૂકી દીધો છે તેનો અહેસાસ કરાવે છે.

એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું

લાભ શુભના પલ્લા પર નજર રાખીને ઈંચ દોકડામાં સ્મિત અને રૂસણું લેવાનું આપણે કોઠે પડી ગયુ છે. એટલે તો એના આશ્વાસનને અદમે ક્રોકોડાઈલ ટીયર- મગરના આંસુ કહ્યા છે.

આમ ગઝલ ગુજલીસ હોવા છતાં સીધી અસર કરે છે, માનવીની ઓળખ આપતા અન્ય એક શેરમાં અદમે કહ્યું છે

ટગ ઓફ વોર જેવી હયાતિ આપણી, આપણું હોવુ એય ટિટ ફોર ટેટ છે.

અન્ય બે શે’ર ટાંકવાની લાલચ રોકી શકાતી નથી

વ્હેર ધ શુઝ પિન્ચીઝ ખબર પડતી નથી, બ્લડ સ્ટીમમાં પીડા જેવુ થાય છે.

અને

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ, વેબસાઈટ ઉપર મલે છે સનમ

આવા ઉમદા પ્રયોગથી ગુજરાતી ગઝલ માતબર બનતી હોય તો એવા પ્રયોગને બહુત અચ્છે, દોબારા કહ્યે જ છૂટકો !

અઝીઝ ટંકારવી ( તાદર્થ્ય મેગેઝીન, વર્ષ ૧૭, અંક ૫, ડીસેમ્બર ૨૦૦૨ માં થી સાભાર )

The Below Details are taken from Readgujarati

નામ : તાદર્થ્ય મેગેઝીન

તંત્રી : સવિતા ઓઝા

પ્રકાર : માસિક મેગેઝીન

લવાજમ : ભારતમાં વાર્ષિક રૂ. 70, આજીવન રૂ. 700 (ભારતમાં), શુભેચ્છક સભ્ય રૂ. 1000

સરનામું : ‘તાદર્થ્ય’ સવિતા ઓઝા, એમ-29/249 વિદ્યાનગર, આંબાવાડી, અમદાવાદ-15, ગુજરાત.
ફોન : 91 – 79 –26745193


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “આપણું હોવુ હેંગઓવર જેવુ – અદમ ટંકારવી

  • સુરેશ જાની

    મેં પણ તેમને અહીં ડલાસમાં સાંભળ્યા હતા. બહુ જ જીંદાદીલ આદમી છે – ખરા અર્થમાં આદમ છે.
    લોકો વડે બોલાતી ભાશામાં જે દમ હોય છે – તે પંડીતોની ભાશામાં ક્યાં ? આવી જ ‘ગુજલીશો’ આપતા રહેજો.

  • Kartik Mistry

    હેંગઓવર. ઓહ. મને એમ કે ગુજરાતમાં ક્યાં સગવડ છે તેની વિસ્તૃત માહિતી વાળો લેખ હશે 🙁

  • Niraj

    અદમ ટંકારવી સાહેબે ગુજરાતીને નવા રંગે રંગી ગુજલીશ ગઝલો લખી છે.. અને આ પ્રયાસમાં તેઓ ખૂબ સફળ થયા છે. તેમની ગઝલો વાસ્તવિક જિંદગી સાથે તાદમ્ય સાધે છે.. અહીં લેસ્ટરમાં તેમની સાથેની મુલાકાતમાં આ ગઝલ તેમના પોતાના સ્વરમાં સાંભળવાનો લ્હાવો મળેલ..