ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”


1. કોણ માનશે?

આશાનો એ મીનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અંધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એની આંખમાં પૂર હતા “વફા”
ને એજ મારનાર હતો કોણ માનશે?

2. તૃષા

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા,
કંઇ ઘૂંટડા એ વેદના પીજાય છે તૃષા,

તૃષિત હ્રદયની આંખમાં છંટયછે તૃષા.
રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા.

એહો હરણના કંઠમાં ,ચાતક તણી આંખે,
અંગાર થઇને બેઉ માઁ વેરાય છે તૃષા.

પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાં,
મોતી મહેકના શોધતી પડઘાય છે તૃષા,

આ વિરહ રાતે, મુજ ખૂનના કાંઠે વહી જઇને ,
હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે તૃષા.

વરસે સતત મેહૂલ થઇ મારા’વફા’ દ્વારે,
બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાય છે તૃષા.

3. બીમારી

એ તડપ હૈયા તણી છે,કોઈ બીમારી નથી.
એ અલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી.

આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી,
હા હવે તો છૂટવાની કોઇપણ બારી નથી.

જીઁદગીના કાફલા લૂંટાયા તારા ગામમા,
તે છતાઁ કહેછે બધાં વાત અણધારી નથી.

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના,
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી.
હું ઈશ્કનો બીમાર છુઁ , બીજી કઁઈ બીમારી નથી

 – મોહમ્મદ અલી ”વફા”


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”