જીવનની વાસ્તવિક્તા – જીગ્નેશ અધ્યારૂ 5


{ એક વાર્તા અંગ્રેજી માં વાંચી….આમ તો અનુવાદ છે પણ આ અનુવાદ ફક્ત એક અનુવાદ ન રહેતા મનની વાત થઈ ગઈ છે… }

 

એક રાજાને ચાર રાણીઓ હતી.

રાજા તેની ચોથી રાણીને સૌથી વધારે પ્રેમ કરતો. તે રાણી માટે રાજા જાત જાતના વસ્ત્રો અને અલંકારો મંગાવતો, તેના બધા શોખ રાજા પૂરા કરતો અને તેને સૌથી ઊતમ વસ્તુઓ તે આપતો, તેનું સૌથી વધારે ધ્યાન રાખતો.

 

ત્રીજી રાણી પર રાજાને બહુ વિશ્વાસ નહોતો. રાજા જો કે તેને પણ સદા ખુશ રાખતો, તેને આજુ બાજુના રાજ્યો વિષે માહિતિ આપતો, અને સદા તેને તંદુરસ્ત રહેવા માટે બધી સગવડ કરી આપી હતી. જો કે તેને મનમાં એમ થતુ કે આ રાણી એક દીવસ તેને છોડી ને જ જવાની છે.

તે તેની બીજી પત્ની ને પણ પ્રેમ કરતો. તે રાજા માટે સદા વિશ્વાસુ, મિત્ર અને સહ્રદયી હતી. તે રાજાનું ઘણું ધ્યાન રાખતી. ઘણી વાર રાજા તેને અપમાનિત કરતો, અવગણતો પણ તે સદા રાજાની સાથે હતી. તે રાજા ને મુશ્કેલી ના સમયમાં સદા સાથ આપતી.

રાજા ની પહેલી પત્ની ખૂબ સરળ અને સુંદર હતી. તેણે રાજાને તેની કીર્તી અને પ્રસિધ્ધી અપાવી હતી. રાજાના શાસનમાં તે અસંખ્યવાર તેને મદદરૂપ થતી. રાજા તેને જરાય પ્રેમ ન કરતો, કે કહો તે છે જ નહીં તેમ જ વર્તતો…પણ આ રાણી તેની સાથે ને સાથે જ રહેતી.

 

એકવાર રાજા ખૂબ જ બીમાર પડ્યો. તેને ખબર પડી ગઈ હતી કે તેનો અંતિમ સમય નજીક છે. તેને થયું કે લાવ બધી રાણીઓને બોલાવી પૂછી જોઊં કે કોને મારી કેટલી ચિંતા છે…

તેણે તેની ચોથી રાણીને બોલાવી, પાસે બેસાડી અને તેને પૂછ્યું

મેં તને સૌથી વધારે પ્રેમ કર્યો છે, તને સારી રીતે રાખી છે, તને કપડા, ઝવેરાત અને જે જોઈએ તે આપ્યું છે. હવે મારા મરવાનો વખત આવ્યો છે. શું તું મારા પછી, મારા દુઃખ માં પોતાનો જીવ આપી શકીશ?

“ના રે ના, હું શું કામ એમ કરૂ?” એમ કહી રાણી રાજા ને તરછોડી જતી રહી.

તેણે તેની ત્રીજી રાણીને બોલાવી, અને તેને પૂછ્યું

મેં તને પ્રેમ કર્યો છે, તને સારી રીતે રાખી છે, હવે મારા મરવાનો વખત આવ્યો છે. શું તું મારા પછી, મારા દુઃખ માં પોતાનો જીવ આપી શકીશ?

“ના, હું શું કામ મારો જીવ આપું? તમારા મરી ગયા પછી હું બીજા કોઈ સાથે જતી રહીશ…” એમ કહી તે રાણી પણ ત્યાં થી જતી રહી.

દુઃખી થઈ ને રાજા એ તેની બીજી રાણી ને બોલાવી, તેને પણ રાજાએ એ જ પ્રશ્ન પૂછ્યો…

“ના, હું તમારી પાછળ મરી ના શકું, હા મને દુઃખ અવશ્ય થશે, બહુ બહુ તો હું તમને કબર સુધી પહોંચાડીશ, થોડાક દીવસ શોક પણ કરીશ, પણ જીવન તો ચાલતુ જ રહેશે…” બીજી રાણી આમ કહી ગઈ.

“હું કાયમ તમારી સાથે છું, ભલે ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી હદે જીંદગી લઈ જાય, કે પછી મોત આવે, હું ચિતામાં પણ તમારી સાથે રહીશ….બસ એ જ વાતનું દુઃખ છે કે જો તમે મને ક્યારેક જરીક પણ સમજી શક્યા હોત તો તમને અત્યારે મરવાનો જે શોક થાય છે તે ના થાત, તમારો આ અંતિમ સમય શાંતિ થી વીત્યો હોત…”

રાજાએ માથુ ઉંચુ કરીને જોયું તો તે તેની પહેલી રાણી હતી જેને રાજાએ સદા તરછોડી હતી અને જેના અસ્તિત્વને પણ રાજા નકારતો હતો….

શું તમે આ વાત પરથી કાંઈ બોધપાઠ લઈ શકો??

આપણે બધા આ રાજા જેવા – ચાર રાણી વાળા, અદલ રાજા જેવી જ મનોવૃતિ વાળા…
આપણી ચોથી રાણી આપણું શરીર….એને આપણે બધા લાલન પાલન, નાઝ-નખરા અને માવજત કરીએ….તેની કહી વાત સાંભળીએ….પણ શું તે અંતિમ સમયે આપણી સાથે આવશે??

આપણી ત્રીજી રાણી તે આપણી સંપતિ….આપણને ય ખબર છે કે તે કાયમ આપણી નથી, આપણા જતા જ તે કોઈ બીજાની થઈ જવાની છે….તોય તેની પાછળ કેટલી માથાકુટ કરીએ છીએ….બીજાની સંપતિ સાથે કાયમ આપણી સંપતિ સરખાવીએ છીએ….તે પણ શું દગો નહીં આપે ????

આપણી બીજી રાણી તે આપણા ભાઈ ભાંડુ, મિત્રો, સગા વહાલા, સગા જે વહાલા નથી અને વહાલા જે સગા નથી…..તે તમને કબર સુધી છોડવા આવશે પણ અંતિમ યાત્રા પછીની યાત્રામાં કોણ સાથ આપશે??

અને ચોથી, સૌથી તરછોડેલી રાણી તે આપણી આત્મા, સંસ્કાર….વેદો કહે છે કે આ જન્મના સંસ્કાર આવતા જન્મમાં તેની અસર દેખાડે જ છે….શું આપણે આપણી આત્માના અવાજને કોઈ દિવસ આપણી પહેલી ત્રણ રાણીઓના અવાજની ઊપર આવવા દીધો છે ??

તમારૂ શું કહેવુ છે ? તમારી સૌથી પ્રિય રાણી કઈ ?

 – જીગ્નેશ અધ્યારૂ

 


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “જીવનની વાસ્તવિક્તા – જીગ્નેશ અધ્યારૂ