સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સિલાસ પટેલિયા


ફરી આવીશ – સિલાસ પટેલિયા

પરોઢના ઝાકળ બાઝ્યાં ઘાસ પરથી ચાલતાં ચાલતાં ઝાકળ ઝીલી લે છે તારાં આંસુઓ ઝાકળ તો ઉડી જશે કળ નહીં વળે તારા આંસુઓને લીલીઘટાનાં ઝુમ્મરોમાં સૂર્યકિરણો સળીઓ ગોઠવે છે એ સોનેરી માળામાં ફરફર ઉડતાં આવે પંખીઓ જેને રાતભર તેં તારા સ્વપ્નની કથા કહી છે. એ માળામાં ઝળહળતી તારી સ્વપ્નકથા જોવા ને એ ઘાસમાં ફરી તારી સાથે ચાલવા આવીશ.  – સિલાસ પટેલિયા ( નવનીત સમર્પણ જૂન ૨૦૦૩માં થી સાભાર…)


તું – સિલાસ પટેલિયા

ચંદનની પાંદડીઓની રતુંબડી છાયા તારા ચહેરા પરથી હલતી હલતી માટીમાં છેક પાતાળ લગી ગઈ હશે હવે સાંજ ઉતરી રહી છે જળમાં ઝાલરદવનીઓ ધૂપ લોબાનના સુગંધભર્યા ગોટેગોટામાં ઓગળી ગયા છે પહાડના પથ્થરો તળેનું ઝરણું નળિયામાંથી ગળાતી આવતી ચાંદનીની જેમ રાતભર તારી આંખમાં ઝંકાર કરતું રહ્યું નદીના સ્થિર સ્વચ્છ જળ તળેની ગોરમટી માટીની ભીની ઓકળીઓ જેવો તારો ભીનેરો ને સૌમ્ય ચહેરો જ હવે મને દેખાય છે પહાડ ટોચ પરના નાનકડા દેવળ માંથી હવે હું ઢાળ ઉતરી રહ્યો છું  – સિલાસ પટેલિયા ( સંદર્ભ : નવનીત સમર્પણ જૂન ૨૦૦૩ )