વિજેતાઓની માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) – ભારતી ગોહિલ, મિત્તલ પટેલ


આજે પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધા ૪ (૨૦૧૮)ના પ્રથમ અને દ્વિતિય વિજેતાઓની કૃતિઓ. પ્રસ્તુત છે દ્વિતિય ઈનામ વિજેતા મિત્તલબેન પટેલની ત્રણ માઈક્રોફિક્શન અને પ્રથમ ઈનામ વિજેતા ભારતીબેન ગોહિલની પાંચ માઈક્રોફિક્શન. બંને વિજેતાઓનો ખૂબ આભાર, તેમની કલમને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. સમગ્ર સ્પર્ધાની સફળતા માટે મહેનત કરનાર વોલન્ટિયર મિત્રો, ઉત્સાહભેર આટલી મોટી સંખ્યામાં ભાગ લેનાર સર્વે સ્પર્ધકો અને સમયાવધિમાં નિર્ણય આપનાર આદરણીય નિર્ણાયકો સહ સંકળાયેલા સૌનો ખૂબ આભાર.

૧. કચરાપેટી

મે મહિનાની બળબળતી બપોર અને ઉપરથી તન તોડતી રેલવે ટ્રેકના સમારકામની મજૂરી. પસાર થતી દરેક ટ્રેનને નજરથી ઓઝલ થાય ત્યાં સુધી રવજી અકલ્ય આશાથી નિહાળતો. પરંતુ જાણે એનું અસ્તિત્વ જ કચરાપેટી હોય એમ ટ્રેનમાંથી ફેંકાતો કચરો ઊડીને એને વીંટળાઈ વળતો.

દૂરથી આવતા એન્જિનના અવાજ સાથે સાપની જેમ લસરતી આવતી ટ્રેનમાંથી ફેંકાઈને સૂમસામ ઝાડીઓમાં સંતાઈ જતી એક ગઠડીને જોઈને રવજી એ તરફ ભાગ્યો. મેલીઘેલી ગઠડી પર લાલ ધબ્બા હતા. ધ્રૂજતા હાથે ગઠડી ખોલી તો; ‘એક લોહીલુહાણ નવજાત બાળદેહ.’

બાપુની ટ્રેક પરની મજૂરીના કારણે બાળપણથી જ ક્ષતવિક્ષત માનવ અંગોને જોતો હોવા છતાં એ ક્ષણિક હચમચી ગયો. ગભરાઈને એણે એના શ્વાસોચ્છ્વાસ તપાસ્યા. પછી ભાગીને એને સીતા પાસે લઈ ગયો.

આવી જ એક બળબળતી બપોરે એણે સીતાને આત્મહત્યા કરતા બચાવી હતી. ખોડપણ અને કુરૂપતાના બેવડા ભારને હિંમતથી વેંઢારતી સીતા સ્વજનોની ઉપેક્ષાઓનો ભાર ન જીરવાતા અનાયાસે જ રવજીનું નસીબ બની ગઈ હતી. આજે રવજી-સીતાનો એ સંસાર પૂર્ણ થઈ ગયો.

“બાપુ, તું ને મા ઊજળા, તો હું કેમ કાળો?” આજીવન રવજીને પોતાના પ્રશ્નનો બાપુ પાસે ક્યારેય સંતોષકારક ઉત્તર નહોતો મળ્યો. પરંતુ રવજી પાસે પોતાના રાજકુમાર માટે જવાબ હતો..

“તું તારા બા-દાદા જેવો છે.”

૨. મને અહીંથી બહાર કાઢો..

સોળ વર્ષ બાદ એક ચહેરાને કેદી રઘલાના ચહેરામાં નિહાળીને જેલર રામસિંહ સમક્ષ ઓગસ્ટની એ મેઘલી રાત તરવરી.

સૂમસામ સડક પર ઘાયલ, બેહોશ પત્ની, પુત્રને નિ:સહાય નિહાળતાં, પલટી ખાઈ ગયેલી જીપ નીચે દબાયેલા રામસિંહ માટે એ રાત કાળ સમી વીતતી હતી. અચાનક દૂરથી આવતા એક પડછાયાને જોઈને રામસિંહની ડૂબતી આંખો પહોળી થઈ. પડછાયાનો મોટો પંજો રોહનની ગરદન સુધી લંબાયો અને સોનાની ચેન ખેંચીને ગજવામાં સરકી ગયો. સીમાના ઘરેણાંઓ પણ ખિસ્સામાં મૂક્યાં પછી એ જવા લાગ્યો.

“પ્લીઝ! મને અહીંથી બહાર કાઢો!” કણસતા અવાજમાં આજીજી સાંભળીને એણે મનોમંથનની થોડી ક્ષણો વિતાવી. ત્યારબાદ જીપને ઊંચકીને, રામસિંહને બહાર કાઢીને વાયરલેસ પાસે બેસાડીને અચાનક જ એ ગાયબ થઈ ગયો.

પાંચ વર્ષની બાળકીની હત્યા બદલ મળેલ ફાંસીની રાહ જોતાં એ રઘલાનો પંજો આજે જેલના સળિયા ઠોકતો હતો.

“મને માફ કરી દો. હું એને મારવા નહોતો માંગતો. એ ભૂલથી મરી ગઈ.. પ્લીઝ! મને અહીંથી બહાર કાઢો..” મોટા અવાજે રઘલો આજીજી કરતો.

પોતાના સમસ્ત પરિવારનું જીવન બચાવનારનો આભાર વ્યક્ત કરીને રામસિંહે મનોમંથનની થોડી ક્ષણો પસાર કરી. પછી ભારી પગલે કૅબિન તરફ વળી ગયા.

૩. ધાબળો

પત્ની આજ્ઞાથી ધાબળો આપવા જઈ રહેલા સુમનરાયના પગ દીકરીના વીડિયો કૉલની વાત સાંભળીને અટકી ગયા.

“પછી… મારા કેરિયરનું શું? પુરુષોની દુનિયામાં ભદ્દી કમેન્ટ્સ અને મોલેસ્ટેશનને સંઘર્ષ તરીકે વેઠ્યો જ છે. કોઈના વાહિયાત વિચારના કારણે હું મારા સ્વપ્ન, મહેનતનું બલિદાન આપવા લગીરેય તૈયાર નથી.”

“પણ તારી સાથે…!”

“શું થયું છે! આબરૂ લૂંટાઈ… એટલે કંઈ જીવન નથી લૂંટાયું, કે નથી અટક્યું. શરીરને ચૂંથીને મારા આત્મા, હિંમત કે આત્મવિશ્વાસને ચૂંથ્યું એમ સમજવું એમની ભૂલ છે. મારી પ્રતિભાની બરાબરી ના થઈ તો આ રીતે તોડવાની કોશિશ કરી! પ્રોજેક્ટ તો મેં મેળવી લીધો છે. હવે તું જો.”

“તને ડર નથી લાગતો?”

“ડરવું તો હવે એમને પડશે. મને ક્યાંય મોઢું દેખાડવા લાયક નહિ છોડવાની વાત કરનારને ક્યાંય જીવવા લાયક નહિ છોડું. આ મારો સંઘર્ષ છે. મને થયેલા અન્યાયનો ન્યાય કરવાનો હક હું કોઈને નહિ આપું.”

પરત ફરીને ધાબળો સુધાને પાછો આપતા સુમનરાયે કહ્યું,

“આટલી સામાન્ય ઠંડીમાં આપણી દીકરીને આની જરૂરત નથી. જોઈશે ત્યારે સામેથી માંગશે અને જો ઠંડી હદથી વધશે તો આપણે જાતે જઈને ઓઢાડી આવશું.”

– મિત્તલ પટેલ

૧. નિર્ધાર

ઘમ્મર ઘાઘરો ને ઉપર લીલીચતાક ચૂંદડી ઓઢી તેજલ તૈયાર થઈ. હાથ સામે જોયું. ખામી હતી તો બસ ખણખણતા કંગનની.

કબાટમાં સંભાળીને મૂકેલી દાબડી કાઢી, ખોલીને જુએ તો આશ્ચર્ય, કંગન ગુમ!

દોડીને બહાર આવી, “સંજય.. સંજય મારા કંગન?”

“અ… અ… આ..” કરતો સંજય હાથના ઈશારાથી પોતે કંઈ જાણતો નથી એમ કહેવા મથી રહ્યો. તેજલે હળવેથી સંજયનો હાથ માથાપર મૂક્યો. સંજયની જીભ તો ચૂપ હતી પણ આંખના આંસુએ જવાબ દઈ દીધો.

બસ, બહુ થયું – કાળઝાળ થયેલ તેજલે ઘાઘરાનો કછોટો વાળ્યો, સ્કૂટર કાઢ્યું ને સંજયને પાછળ બેસાડીને મારી મૂક્યું. પાકી સડક, કાચી સડક, કેડી ને ત્યાંથી ઝાડીઝાંખરા વીંધતું સ્કૂટર અવાવરું હવેલી પાસે અટક્યું.

જોરદાર પાટું મારી તેજલ અંદર ગઈ. એક દાઢીવાળો માણસ દોડી આવ્યો. તેને જોતા જ સંજય ચીસ પાડવા ગયો પણ ચીસ મોંમાં જ સમાઈ ગઈ. તેજલ ઓળખી ગઈ. ને એક લાકડું હાથમાં આવી જતાં તૂટી જ પડી, પેલાને અધમૂવો કરી નાખ્યો.

કંગન લીધા વગર નહીં જ જાય એમ વિચારતો એ માણસ અંદર ગયો, પાછળ તેજલ.. અંદરનું દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પતિની કપાયેલ જીભનું રહસ્ય તેને સમજાઈ ગયું. કંગન લીધા, પણ નક્કી કર્યું કે પહેલા ગુનેગારના હાથમાં હથકડી પછી જ મારા હાથમાં કંગન.

વળી એક નવા નિર્ધાર સાથે સ્કૂટર ઝાડીઝાંખરા, કેડી, કાચી સડક ને પછી પાકી સડક પર દોડવા લાગ્યું.

૨. દાહ

ખાલી ખખડતાં વાસણ અને ભાગ્યે જ પરિવારના પેટની આગ ઠારતો ચૂલો જોઈને થાકેલી દેવલ જગા પાસે ગઈ..

“સાંભળોને, થોડા રૂપિયા હોય તો…”

કાળઝાળ જગાએ મણ એકની ગાળ દીધી ને દેવલનો હાથ બંગડી ચામડીમામ ખૂંચી ગઈ ગ્યાં સુધી મરડ્યો. લોહી અને આંસુની ધાર ચૂપચાપ વહેતી રહી.
‘ભૂંડું થાજો પેલા વાડાવાળાનું, પાઈપાઈને જિંદગી બરબાદ કરાવી નાખી..’ દેવલ મનોમન બોલી.

એ જાણતી હતી કે માણસ સાજુંનરવું પાછું ફરે એ સીમાડાય જગો વટાવી ગયેલો.

દેવલ નાછુટકે મરચાં સૂકવવા, ડીટિયાં તોડવા, ખાંડવા અને ભૂકી તૈયાર કરવાનાં કામમાં અન્ય બૈરાં સાથે જોડાઈ ગઈ. કામ તો એવું કે દેહને દઝાડે પણ પરિવારનું પેટ તો ઠારે!

પછી થયું એવું, ધીમેધીમે તે દાહના દાવાનળમાં ફસાતી ગઈ. દિવસે મરચાનો દાહ ને રાત્રે કાયા થાકીને લોથપોથ થઈ જાય ત્યાં સુધી જગાની આગનો! પેલું લાકડું ચૂલામાં સંકોરાતું જાય ને બળવા માટે એમ જ!

પણ એક સમય એવો આવ્યો કે દેવલની દાહ હદ વટાવી ગઈ. બસ બહુ થયું.

એક રાત્રે ન્હાયા વગર જ બળતી કાયા જગાને સોંપી દીધી. હંમેશ મુજબ જગો તૂટી પડ્યો. એ સાથે જ દેવલની દાહ જાણે જગાના દેહને વળગી પડી.

દેવલ આજે ન થાકી, ન લોથ થઈ.

ને આજનો દાહ અને દાવ આખરી હોય એમ તે બબડી, ‘બસ હવે કાં તો આ પાર.. કાં તો પેલે પાર..”

૩. મેં ખરું જ કીધું ને?

“બા, વીસ વીસ દિવસ કેમ ગયા ખબર છે તને? પહેલા તો તું બહાર જતી ને અમે ડેલીએ ડોકાં કાઢતા. ‘કેમ ન આવી હજુ?’ તું આવે પછી જ ઘરમાં રોનક લાગતી. અમારા માટે તું હરતીફરતી વસંત હતી. પણ હવે વસંત સ્વર્ગવાસી થઈ, ગમે એટલા ડોકાં કાઢીએ, ક્યાં ભાળવાના?

તું જાણે છે? તારી દેવપૂજાની ફૂલછાબડી, ટિનટિન થતી ટકોરી, પોલકામાં સચવાઈ રહેતો નાનકડો બટવો, કપડાંની પેટી – આ બધું જ બાપુના હાથમાં સરળતાથી ન આવે તેમ મૂકી દેવાનું છે. નહીંતર એ સંભારણાં બાપુના શેષ શ્વાસ આકરા કરી મૂકશે.

તું હજુય મીઠો ઠપકો આપે છે, કહે છે, ‘લૂછી નાખ તારા આંસુ, મક્કમ થા, તારે જ તારા બાપુની લાકડી ને એનો જીવનભરનો સંગાથ થવાનું છે.’

ઓહ મારી માવડી, હું જરૂર થઈશ. પણ તને ખરું કહું! બાપુને ખવડાવવું, પીવડાવવું, આંગળી પકડી ચલાવવું, માથું ઓળવું, રોજિંદી કસરત.. આ બધું કરતા કરતા હું એમની દીકરીમાંથી ધીરેધીરે મા થતી જતી હોઉં એવું લાગે છે.

આજે જ તારા જમાઈનો સંદેશો આવ્યો, ‘ક્યારે આવે છે તું?’

મેં એટલે જ કીધું, ‘તમને વાંધો ન હોય તો થોડા દિવસ મા તરીકે જીવી લઉં? ક્યારેય અનુભવ્યો નથી એવો અહેસાસ માણી લઉં! પછી આ મોકો ક્યાં મળવાનો?

બા હવે તું જ નિર્ણય કર.. મેં ખરું કીધું ને?

૪. ‘તારે શું વળી?’

ઈયરફોન લગાવી ઋજુલે મંથનનો વીડિયો પ્લે કર્યો.

“દોસ્ત, ફટાફટ વાત કરવી છે. નાનપણમાં મારી મા બોલતી કે, ‘આ હેર-પિન, કંગન, લિપસ્ટિક બધું જ બેન રુદ્રા માટે.'”

“તો મારા માટે?” માએ કહેલું, “તું છોકરો છો, તારે શું વળી?”

‘છોકરો’ અને ‘તારે શું વળી?’ ત્યારથી પજવે છે.

કોલેજના અમારા વર્ગમાં પારેખ અટકવાળાં બે. હું ને બીજી છોકરી. પ્યુનના કહેવાથી ઑફિસમાં ગયાં. આચાર્ય છોકરીને કહે, “તારી ફી તો સરકાર…” અને મને રાડ પાડીને કહે, “ફી ભરવામાં જોર પડે છે કાંઈ?”

યાદ આવ્યું.. પેલી છોકરી રોજ નવી ગાડી લઈને આવે… ને મારા બાપુ અનાજની ગૂણો ઉપાડીને વાંકા થઈ ગયા.. જોર તો… પણ… હું છોકરો એ ગુનો? પછી પણ અસંખ્ય ઈન્ટરવ્યુ દઈ આવ્યો… દરેક વખતે પાછળ રહેલી છોકરી ઓવર ટેક કરી જાય! આમ જ છોકરીઓથી નફરત થઈ ગઈ… પછી શરૂ થયો આક્ષેપોનો દોર. ત્યાં સુધી કે, “છોકરીઓમાં નહિ તો છોકરામાં હશે રસ..” ને પછી ખી..ખી..

છેલ્લે બાકી રહ્યું તે બીમારી, વ્યથા, પીડા, ચિત્કાર, દર્દ, અન્યાય, ને લાચારીનો નગ્ન નાચ.. રીતસર બળાત્કારની પીડામાંથી પસાર થઈ રહ્યો છું. દોસ્ત.. કોઈકે કહ્યું છે સ્ત્રીની જેમ શણગાર સાથે મરીશ તો આવતા જન્મે સ્ત્રી થઈશ! એમ હશે?

મારી અંતિમ ઈચ્છા પૂરી કર.. જલ્દી હેર-પિન, લિપસ્ટિક.. કંગન.. લઈને આવને!”

તરત વીડિયો કટ…

ઓહ..

ઋજુલે જીગરજાન દોસ્તને બચાવવા ગાડી ભયંકર રીતે ભગાવી.

૫. મારી ચાર કબૂલાત!

પહેલી – “મારો શું વાંક મા?” એમ પૂછનાર સુંદરજીનો વાંક એટલો કે એ મારો પુત્ર ખરો પણ મારા પેટે જન્મ લીધો નથી. એટલે હું ક્યારેય એવું ઈચ્છતી ન હતી કે મિલકતમાંથી એને કોઈ હિસ્સો મળે.”

બીજી – “મેં એને પરિવાર, સમાજ અરે! દુનિયામાંથી પણ દૂર કરી દેવા અનેક ષડયંત્રો રચ્યા પણ હંમેશાં મારી બાજી ઊંઘી પડી.. તે આબાદ છટકતો રહ્યો. ને એટલે તેના ગૃહત્યાગ વખતે હું શાંત અને મૌન!”

ત્રીજી – “જેના મોહ, હિત, મમતા, પ્રેમ મને આ બધું કરાવતા હતા એ મારી કાયાનો અંશ.. જેણે મારા પેટે જન્મ લીધો એ તો સાથ છોડી ગયો.. સુંદરજીના અસ્તિત્વનો પ્રથમવાર અહેસાસ કરાવતો ગયો!”

ચોથી – “માણસ કોઈ સાથે ખોટું કરે.. અન્યાય કરે એ જે-તે વ્યક્તિ કરતા કરનારને જ પીડે છે. એક એવી અવસ્થાએ જ્યારે એ સંસારની ખોટી પળોજણ છોડી પરમ શાંતિના માર્ગે પગલાં માંડવા ઈચ્છે! કદાચ સાચા દિલનો પસ્તાવો એનો એકમાત્ર ઉકેલ છે!”

મારાથી કેમ ભુલાય? એ જ આંખો.. એ જ ભાવ.. એ જ અદા.. પણ સમજાતું નથી. સુંદરજી અને સાધુ?

હું મક્કમ છું. બધાં ભલે તેના ચરણોમાં ઝૂકે. હું એવી વ્યક્તિને સત્સંગમાં લઈશ જઈશ કે સુંદરજી દોડીને તેના ચરણોમાં માથું ટેકવશે જ! બસ.. પછી મને મોકો મળી જશે.. ભૂલ કબૂલ કરવાનો, માફી માગવાનો.. ને પછી હૈયું હળવું કરવાનો!

જોઉં… શું થાય છે!

– ભારતીબેન ગોહિલ

આપનો પ્રતિભાવ આપો....