‘લવની ભવાઈ’ – મજેદાર, સરળ, સબળ ગુજરાતી ફિલ્મ 4 comments


બેટરહાફ, કેવી રીતે જઈશ, બે યાર, મિશન મમ્મી, રોંગ સાઈડ રાજુ, પ્રેમજી જેવી મને ગમેલી ગુજરાતી ફિલ્મોની શ્રેણીમાં ગર્વભેર પ્રવેશ પામતી ફિલ્મ એટલે ‘લવની ભવાઈ’. મારા મતે ગુજરાતી ફિલ્મો માઈલસ્ટોનથી માઈલસ્ટોન ચાલે છે, વચ્ચેનો રસ્તો ભારે ભયાનક છે. બે સરસ મજાની માઈલસ્ટોન ફિલ્મોની વચ્ચે એવી કાટમાળ ફિલ્મો બને કે ગુસ્સો આવે, પૈસા/સમય વેસ્ટ તો જાય જ, પણ સાવ આવી ફિલ્મો કેમ બનાવતા હશે એવો હૈયાબળાપોય થાય. કર્ણાટકમાં થોડાક મહીના હતો ત્યારે દક્ષિણની ઘણી ફિલ્મો જોઈ હતી, એની વાતની નવીનતા, પ્રોડક્શન વેલ્યૂ અને લોકોની પોતાની ભાષામાં ફિલ્મ જોવાની ઘેલછાનો એ પહેલવહેલો પરિચય હતો. આવી જ કંઈક ઘેલછા ‘લવની ભવાઈ’નું ટ્રેલર જોઈને જાગી હતી, દિલ્હીમાં હોઈશ અને ફિલ્મ આવીને જતી રહેશે તો? એવો મોટો પ્રશ્ન હતો પણ વડોદરા પહોંચી શક્યો ખરો..

સોશિયલ મિડીયા ન હોત તો કદાચ ‘લવની ભવાઈ’ રીલીઝ થઈ એ મને ખબર પણ ન પડી હોત. દિલ્હી હતો ત્યારથી ફેસબુક પર અનેક મિત્રોની પોસ્ટ જોઈને ઈંતઝાર વધી ગયેલો. લગ્નતિથિને દિવસે જોવી હતી પણ રાત્રે ફ્લાઈટ લેટ થઈ, એટલે બીજા દિવસે જઈ શકાયું. જોરદાર ‘વર્ડ ઑફ માઉથ’ અને સોશિયલ મિડીયા પર આટલા સુંદર પ્રતિભાવો છતાં પી.વી.આર વિહારમાં ગણીને અઢાર જણ હતાં.

ફિલ્મ પૂરેપૂરી સમજ અને મેચ્યોરિટીથી બનાવાઈ છે, જરાય લાઉડ નહીં, ન તો કોઈ ઓવરએક્ટિંગ કે ન વાર્તાને બળજબરીથી ટ્વિસ્ટ આપવાના કોઈ પ્રયત્ન. જાણે ગુજરાતી ફિલ્મ જોતા જ નથી એવો અનુભવ, ગુજરાતી ફિલ્મ ભાષાથી આગળ વધીને પાત્રો અને વાર્તા સાથે પ્રેક્ષકને ગૂંથી શકે એ અનુભવ, ફિલ્મમેકિંગની આ ક્ષમતા જોઈને બારેય કોઠે દીવા થયા. પાણીના રેલાની જેમ સહજતાથી આખી ફિલ્મ સતત વહેતી ગઈ. શરૂઆતથી જ અમને અંતરાએ બાંધી લીધા, એની સાથે આપણે પણ એક પ્રવાસે ચાલ્યા, એની પ્રેમ વિશેની માન્યતાઓના બદલાવાના પ્રવાસે. મૂળભૂત કથક જુઓ તો કદાચ એ જ છે જે અનેક ફિલ્મોમાં કહેવાઈ ગયું છે, પણ આ પાત્રોની તાજગી અને ફિલ્મની ટ્રીટમેન્ટ એને અલગ જ સ્થાન બક્ષે છે.

પાત્રાલેખન ખરેખર ખૂબ જ સરસ છે, ઝિઁદાદિલ અને પ્રખ્યાત છતાંય એકલી અને પ્રેમથી દૂર ભાગતી એ છોકરી આસપાસની જ કોઈ વ્યક્તિ હોય એમ એની વાતમાં ખોવાતા જઈએ. એ જ્યારે ટ્રાફિક હેન્ડલ કરતી હોય ત્યારે, સિક્યુરીટી ગાર્ડ્સ સાથે ચા પીતી દેખાય ત્યારે, ‘કોફી પીવાની હા એટલે લગ્નની હા નહીં’.. ક્યા બાત.. ફિલ્મમાં આવી નાની નાની ક્ષણો ખૂબ માવજતથી ઉછેરાઈ છે. પ્રતીકભાઈ અને મલ્હારભાઈ જેવા હવે ગુજરાતીમાં (અભિનયને લીધે) સ્ટારવેલ્યૂ ધરાવતા કલાકારો હોય એટલે સહેજેય ફિલ્મ જોવાની ઉત્સુકતા હતી, અને એ બધાએ અપેક્ષાઓને પૂરતો ન્યાય આપ્યો છે. સાગરનું પાત્ર સરસ ઉભર્યું છે, ઍન્ટૅગનિસ્ટ હોવા છતાં મજેદાર પાત્રાલેખનને લીધે સાગર સાથે સતત સહાનુભૂતિ રહી, મલ્હારભાઈ જોરદાર અભિનય કરે છે, અને દરેક ફિલ્મે તેમની વધતી રેન્જ દેખાઈ આવે છે.. પ્રતીકભાઈનો અભિનય અને તેમના પાત્રનું વેઈટેજ પણ બેલેન્સ્ડ છે. આ બંનેને સતત આવી ફિલ્મો મળ્યા કરે અને આપણે એમના અભિનયને વધુ માણી શકીએ એ ઈચ્છા અસ્થાને નહીં જ કહેવાય! અને એ બેયની સાથે અંતરાના પાત્રને બખૂબી નિભાવ્યુ છે આરોહીજીએ.

વાર્તાપ્રવાહ અને પાત્રો સાથે ફિલ્મનું સૌથી વધુ આકર્ષક પાત્ર છે ગીતો..

‘હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું..
તું લઈને આવે લાગણીનો મેળો..
સાથ તું લાંબી મજલનો, સાર તું મારી ગઝલનો,
તું અધૂરી વારતાનો છેડો રે..
વ્હાલમ આવો ને.. આવો ને..’

ફિલ્મ પૂરી થઈ અને ક્રેડિટ્સ આવતી હતી ત્યારે આ સાંભળવા અમે એક તરફ ઉભા રહી ગયેલા. ગીતના શબ્દો સ્પર્શી જાય છે અને જીગરદાન ગઢવીએ શું સરસ ગાયું છે.. ભાઈ ભાઈ.. આ ગીતમાનું ‘તા થૈયા થૈયા’ ફિલ્મના શીર્ષકમાં આવતા ‘ભવાઈ’ને કદાચ અજાણતા જ સાર્થક કરી જાય! ‘લાગી રે લાગી તારી ધૂન લાગી રે..’ પણ સરસ બન્યું છે. ફિલ્મમાં ગીત સહજતાથી આવે અને મનને ઝંકૃત કરી દે છે, શબ્દો ખૂબ જ સરસ છે અને સંગીત એને મઘમઘાવી દે છે. ફિલ્મ પર ગીતનો જરાય ભાર નથી, વાર્તાને સહેજ પણ અટકાવતા નથી.

ફિલ્મની ચર્ચા નીકળે ત્યારે ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મો છે જે હું ગર્વથી મારા પંજાબી કે સાઉથ ઈન્ડિયન મિત્રોને સૂચવું, અને ટી.વી પર આવે ત્યારે સમજાવતો પણ હોઉં છું. ‘લવની ભવાઈ’ ચૂકવા જેવી નથી. આપણે ભાષાને, આપણી ફિલ્મોને આપણે આંખો પર નહીં બેસાડીએ તો કોણ કરશે? આવી સરસ ફિલ્મ બનાવવા બદલ ‘લવની ભવાઈ’ની આખી ટીમનો આભાર, તમારી મહેનતને અને ધગશને ખરેખર દાદ છે.. મોજ પડી ગઈ.. પૈસા વસૂલ ફિલ્મ.. ખૂબ સફળ થાય એવી શુભેચ્છાઓ સહ ઑલ ધ બેસ્ટ..

– જીજ્ઞેશ અધ્યારૂ


4 thoughts on “‘લવની ભવાઈ’ – મજેદાર, સરળ, સબળ ગુજરાતી ફિલ્મ

  • Sagar bhinde

    Thanks for writing the film review. Your writing is as good as I guess the movie. I will surely go to watch this movie in theater.

  • મિતુલ ઠાકર

    હું બહુ કંટાળ્યો હતો આ મુવી માં જીજ્ઞેશભાઈ… આ મારું અંગત મંત્રવ્ય છે, બે ચાર હિન્દી મુવીની સ્ટોરી ની ભેળસેળ એટલે લવની ભવાઈ, આખા મૂવીમાં ફોટોગ્રાફર મિત્રની એક્ટિંગ ગમી, છતાં બે યાર સુધી પહોંચવામાં આ મુવી બહુ પાછળ છે. ફરી એકવાર… આ મારો અંગત રીવ્યુ છે. આભાર

Comments are closed.