૧.
સોંપ્યું તને, હે રામ! હવે થાય તે ખરું,
તારે હજારો કામ, હવે થાય તે ખરું.
જો, દંડ, ભેદ, દામ, બધુંયે હતું છતાં,
અપનાવ્યું મેં તો શામ, હવે થાય તે ખરું.
એકાદ એવી વાત કહેવાઈ ગઈ હશે,
એણે ગજાવ્યું ગામ, હવે થાય તે ખરું.
શરણાઈના સૂરો હવે જ્યાં બંધ થઈ ગયા,
ખખડી શકે છે ઠામ, હવે થાય તે ખરું.
ઓગાળવાને દર્દ, ખુદ ઓગળી ગયો,
બદનામ પેલો જામ, હવે થાય તે ખરું.
સરખામણીમાં શું કરવું પેશ? લ્યો કહો,
મૂક્યું અમે તો નામ, હવે થાય તે ખરું.
૨.
ઈર્શાદ કહે તો બોલવું, એવી પરંપરા છે,
ચાબૂક પડે તો દોડવું, એવી પરંપરા છે.
બોલો તમે તો બોલવાની ના નથી જરાકે,
બોલે એની પર ઢોળવું, એવી પરંપરા છે.
શબ્દો, અરથની એરણે તોલ્યા પછી કહો છો,
અહીં ફેરવી એ તોળવું, એવી પરંપરા છે.
હમણાં જ મારે વાત થઈ ગઝલ પરંપરાની,
પ્રકરણ નવું ના ખોલવું, એવી પરંપરા છે.
વિશ્વાસ અહીંયા કોઈનો ક્યારેય થૈ શક્યો ના,
જાતે જ વિષને ઘોળવું, એવી પરંપરા છે.
૩.
હાથ ઊંચા બે કરી ખંખેરવા જેવા હતા,
એમ મોટા’ભાના મ્હોરા પહેરવા જેવા હતા.
એટલું કાફી નથી કે દિલ દઈ ચાહો તમે,
એમને પણ પ્રેમ કરવા પ્રેરવા જેવા હતાં.
ભર બપોરે છાંયડાની આશ બોલી ઉઠશે,
છોડવા બે-ચાર તો ઉછેરવા જેવા હતાં.
આમ છે નફરત ઘણી જો ‘ઈમીટેશન’થી મને,
પણ ‘ઈમોજી’ આ જુઓને ટેરવા જેવા હતાં.
સાવ ફીકી મહેફિલોમાં એટલે લાગ્યું મને,
શબ્દ આ બે-ચારને ઉશ્કેરવા જેવા હતાં.
– ડૉ. મુકેશ જોષી
સુન્દર ગઝલો….મજા આવી ગઈ……
સરસ ગઝલો. શરણાઈના સૂરો વાળો શેર વાંચી ખલીલ ધનતેજવી યાદ આવી ગયા.
ઢોલ ધબૂક્યો આંગણિયે, ને જાગ્યું આખું ગામ ….
અને એ ગઝલનો છેલ્લો શેર…
એક-મેકના વિશ્વાસોને ઠેસ જરા-શી લાગી;
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.