જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૦) 1


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો હેમલ મૌલેશ દવે લિખિત ભાગ દસ.

“સીટ નંબર એક ક્યાં હશે?” ઓહ! આ અવાજ સાથે વીંટળાયેલી આ સુગંધને હું કેમ ભૂલી શકું ?

“હે ભગવાન મારી સાથે આ શું થવા માંડ્યુ છે?”

આ થોડા દિવસોમાં તો જાણે આખી પૃથ્વીનો આંટો મારી લીધો હોય એવા એવા બનાવો મારી જિંદગીમાં સ્થાન લઈ રહ્યા છે ! આ બધુ અત્યારે જ કેમ? અત્યાર સુધી ક્યાં હતો મંદાર અને ક્યાં હતો નિલય? ક્યાં હતા મને નકામી સાબિત કરનાર ડોકટર અને ક્યાં હતા મને નવું જીવન આપનાર ડોક્ટર?

વિચારોના આ લાંબા યુધ્ધમાં મારે કોનો પક્ષ લેવો? કે પાછું કુદરત પર બધુ છોડીને નિરાંતે જે થાય એ જોયા કરું? શું કરું હું ?

નિલયની સાથે સ્નેહના તાંતણા બંધાયા ન બંધાયા ત્યાં તો મારા સ્ત્રીત્વ પર ઘા માર્યો !! એમાંથી થોડી ઘણી કળ વળી ત્યાં તો ડોક્ટરે મને ‘અડધી’માંથી ‘આખી’ સાબિત કરી. આ બધાથી ભાગવા મથું છું ત્યાં ભંડારેલા ભૂતકાળની સુગંધ આજે રસ્તામાં મળી છે. શું કરું બોલાવું મંદારને ?

ના ના, કેવું અપમાન સહન કરી એના ઘરમાંથી નીકળી હતી. એ શબ્દોએ તો મને દિવસોના દિવસો સુધી સુવા નહોતી દીધી. આપઘાતના વિચારો સુધ્ધાં એ સમય દરમ્યાન આવી ગયા હતા. હવે એ ભૂતકાળનો પટારો બંધ રહેવા દેવામાં જ ભલાઈ છે. વિચારોના ઘમસાણ વચ્ચે એ ખોવાતી જતી હતી. ક્યારેક વર્તમાન તો ક્યારેક ભૂતકાળ અને ધૂંધળો ભવિષ્યકાળ સામે આવતા જ જાણે એ ભંવરમાં ખેંચાતી જતી હતી.

ને ત્યાં જ ઘૂંટાયેલો ઘેઘૂર કંઠ સંભળાયો!

“અનુ? તું? સોરી અનુષા, તમે અહિયાં? આટલા વખતે? ક્યાં જાઓ છો? કેમ એકલા?

ઓહ! કેટલા પ્રશ્નો એકસામટા? જે મને, મારા જીવનને પ્રશ્નચિન્હ લગાવીને ગયો હતો એ જ વ્યક્તિ આજે સામે ચાલીને, સામે આવીને આટલા બધા પ્રશ્નો પૂછવાની હિંમત ધરાવે છે!

ને તરત જ અનુની જગ્યા અનુષાએ લઈ લીધી!

“કોણ છો આપ? ને મને કેમ બોલાવો છો? આપણે એક બીજાને ઓળખીએ છીએ ખરા?”

“અરે! અનુ, તું મને નથી ઓળખતી? દાઢી વધારી છે એટલે? નો શેવ ઇન નવેમ્બર, તને તો ખબર છે.”

“ના, નથી ખબર. વળી હું તમને ઓળખતી નથી અને મારી યાદદાસ્તને જોર આપીને ઓળખવા પણ માગતી નથી ને હું અનુષા છું,” કહીં અનુ બારીની બહાર જોવા લાગી!
આસપાસ તમાશો ઊભો ન કરાય કે ન થવા દેવાય એટલી સીધી સાદી સમજ આ સમાજમાં ઉછરેલા બંને જણામાં હતી.

નજર બંનેની બારીની બહાર હતી, પરંતુ એ આંખો ઝડપથી પસાર થતાં દ્રશ્યોની આરપાર એકસરખા જ ભૂતકાળને જોઈ રહી હતી.

ક્યારેક તો આ રસ્તો ખસતો ખસતો એક જ બિંદુ પર આવશે ત્યારે શું થશે? અનુષાના મગજમાં આજ વિચારો રમતા હતા ને એ સ્ટોપ આવ્યું. બંનેને સાથે જ ઉતરવાનું થયું! આ કુદરત આજે કેવા ખેલ ખેલી રહી છે એ બંને જણા સમજવા માગતા હતા ને બસમાંથી ઉતરતી વખતે અનુષાનો પગ લથડ્યો ને એ ધડામ કરતી રસ્તા પર પટકાઈ. રસ્તાની ધાર એના પગમાં ખૂંચી અને લોહીની ધાર ફૂટી. એ લાલ લોહીની ધારમાં વર્ષોના અબોલા વહેતા ગયા.

મંદારે એની અનુને પૂછ્યા વગર ફૂલની જેમ પોતાની બાંહોમાં ઉઠાવી લીધી. બસમાંથી સામાન ઉતારી ટેક્સી બોલાવીને તેમાં બેસાડી ટેક્સીને સીધી હોસ્પિટલ તરફ દોડાવી.

અનુષા કંઈ સમજે ન સમજે ત્યાં તો એ મંદારના બે હાથ વચ્ચે ફૂલની જેમ ઊંચકાઈ હતી ને પીડાના અનુભવ સાથે પછી આ આખી વાત ભુલાઈ હતી, કે એ ક્યાં હતી ને સાથે કોણ હતું!
પછી આંખ બંધ થઇ અને જયારે ખુલી ત્યારે પીડાના સણકા અને ધૂંધળી નજરે સૌ પ્રથમ મંદાર જ દેખાયો હતો. પછી દેખાયો સફેદ પાટામાં ટીંગાઈ રહેલો પગ.

શું કહેવું? શું વાત કરવી? આ મંદાર સાથે? આભાર માનું, કે પછી?

ને પાછી આંખ ભારે થઇ સાથે ભીની પણ થઇ. મંદાર નજીક આવ્યો, બોલ્યો, “અનુ! મને માફ કરી શકે તો કરી દે! મારી પર ગુસ્સો કરવો હોય તો પણ છૂટ છે. પણ જ્યાં સુધી તું હોસ્પિટલમાં છે ત્યાં સુધી હું તારી સાથે જ રહેવાનો છું. તું એમ ન માનતી કે, હું તારા પ્રેમમાં છું એટલે આ બધું કરું છું. આપણે પ્રેમી હતા તે પહેલા દોસ્ત હતા. એ દોસ્તીને ખાતર પણ આજે તારી સાથે રહેવાનો મને હક છે. એટલે ભલાઈ એમાં જ રહેશે કે, તું મારા પ્રત્યે એકદમ પોઝીટીવ થઇ જા, તો જ તારી તબિયતમાં જલ્દીથી રીકવરી આવશે. આ જ્યુસનો ગ્લાસ રેડી રાખ્યો છે. જરા મારા હાથનો ટેકો લઇ ઉભી થવાનો પ્રયત્ન કર, એટલે હું તને જ્યુસ પીવડાવી શકું.”

જરા અટકી વળી બોલ્યો, “ને હા! તારી મોટી આંખોને કહી દે કે વરસવાનું બંધ કરે. તારી આંખનો કલર બદલી નાખ્યો છે. હવે સ્માઈલ કર, બેઠી થા અને આ પી લે.”
ને જીવનભર સાથ આપવાનો વાયદો કરીને ચાલી જનાર મંદારના હાથે જ તેણે ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ખતમ કર્યો. એ બહાર ગયો તે સાથે જ સફેદ બારણાંને ધક્કો મારીને લીલા પડદાને હટાવીને ગુલાબી ડ્રેસમાં સજ્જ મીઠડી નર્સ મલકાતી મલકાતી અંદર આવી, “તમારા બંનેનો પ્રેમ કેવો છે! તમે ભાનમાં નહોતા ત્યારે એક સેકન્ડ માટે પણ અહીંથી ખસ્યા નથી. બસ તમને જોયા જ કર્યું છે. ડોકટરને તમારી તબિયત અંગે પૂછી પૂછીને બધી જ ફી વસૂલ કરી છે ને આજે પણ જુવો, જ્યુસ પીવડાવવાની મારી ડ્યૂટી પણ એમણે નિભાવી દીધી. યૂ આર સો લકી કે તમને આવો હસબન્ડ મળ્યો છે!”

આંખોના પૂરને ખાળતી એ બારીની બહાર જોઈ રહી. બારીમાંથી ડોકીયા કરતો ગુલમહોર જે પાંચ દિવસની તેની હોસ્પિટલ યાત્રામાં સાથીદાર રહ્યો એ આજે વધુ હસતો લાગ્યો. એણે આંખ બંધ કરીને કલ્પના કરી જોઈ કે આવું જ સપનું ક્યારેક તેણે પણ જોયેલું. ક્યાંક એ સપનાને હકીકતમાં બદલવા માટે જ તો સૃષ્ટિએ મંદાર સાથે આમ ભેટો કરાવ્યો નથી ને?
કદાચ એટલે જ મંદારની સાથે અહિયાં રહેવાના નિર્ણય વખતે ન કંઈ બોલી શકાયું ન કંઈ વિરોધ થયો કે, ન કોઈ ગીલા શિકવાની વાર્તા થઇ. જાણે એ પહેલાની અનુ હતી અને એ એનો મંદાર, બસ!

પાંચ દિવસમાં સંબંધના સમીકરણો બદલી ગયા હતા. ફરિયાદ, ગુસ્સો, નારાજગી, હાર, સંબંધ તુટવાથી ખુંચેલી કરચો, બધું જ જાણે હોસ્પિટલની હવામાં ઓગળી ગયું હતું.

આજે હવે એ ઘેર જવાની હતી. મંદાર પુનામાં જોબ કરતો હતો. મમ્મી- પપ્પાને હજુ આ બનાવની જાણ થવા દીધી નહોતી અને હવે એ પણ મને ‘આખી’ જાણીને જેમ કરવું હોય તેમ કરવા દેવાની તરફેણમાં હતા. મારો વિરોધ આ ક્ષણે તેમને પાલવે તેમ નહોતો. સુજય એમની નજરમાં હતો ને એટલે જ હવે એ એના ઘેર જ લઈ જવાના મંદારના આગ્રહને ટાળી ન શકી કે પછી કદાચ ટાળવા માગતી નહોતી. તેની સાથે જિંદગીએ કરેલા છળને એ ભૂતકાળના સંબંધના સહારે જાણે ભૂલી જવા માગતી હોય! મનોમન એ વિચારો પણ ચાલતા હતા કે જયારે મંદારને ખબર પડશે કે , ‘હું અધૂરી નથી, તો શું થશે? મારી અધૂરપના કારણે મને ખોઈ બેસવાનો ગમ મનાવશે કે પછી નવા સંબંધના દ્વાર ખોલશે?

કેવી છે મારી જિંદગી! નહોતું ત્યારે કોઈ નહોતું! જાણે જિંદગી એકલતામાં જ પસાર થશે એવું લાગતું હતું ત્યાં નસીબે પલટો માર્યો અને આજે એ ત્રિકોણને જેમ મધ્યબિંદુ ન હોય એમ આ ખૂણેથી ઓલે ખૂણે ફંગોળાઈ રહી છે. મમ્મી- પપ્પા સુજયને મારી સાથે બાંધવાની પળોજણમાં છે. નિલયની લાગણીનો નશો હજુ ઉતાર્યો નથી ને ત્યાં આ મંદાર નામની મજબૂરી સામે ચાલીને આવી છે.

ખબર નહીં જિંદગી કેવા ખેલ ખેલી રહી છે! શું થશે આગળ?

– હેમલ મૌલેશ દવે


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૦)