રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ 3


આપણે, ભારતીયો, આપણા સંગ્રહાલયો અને ઐતિહાસિક ધરોહર પ્રત્યે કેટલી કાળજી લઈએ છીએ કે રસ ધરાવીએ છીએ? મારો અનુભવ કહે છે કે ખૂબ ઓછી ચિંતા છે આપણને આપણી આ ઓળખને જાણવાની, સમજવાની, સાચવવાની કે એના પર ગર્વ લેવાની..

તમે દિલ્હીમાં પ્રવાસ – પર્યટનની અનેક મહત્વની જગ્યાઓ જોઈ હોય, છતાંય કશુંક નવીન, કંઈક અદ્રુત જોવાની ઈચ્છા હોય, ખૂબ ધીરજ અને શાંતિથી વાંચવા – સમજવા જેટલો સમય હોય, લોકોના આ જંગલમાં શાંતિ જોઈતી હોય અને ઈતિહાસમાં રસ હોય તો અહીં એવા અનેક સ્થળો છે જેમાં આખો દિવસ પણ ઓછો પડે, સામાન્ય પર્યટકોના નકશા પર એ નથી આવતા. દિલ્હીના આવા અનોખા સ્થળોની એક પછી એક હું અને મિત્ર ગોપાલ ખેતાણી રવિવારે મુલાકાત લઈએ છીએ, અને એવા જ એક અનોખા સમૃદ્ધ અને ઐતિહાસિક સ્થળ રાષ્ટ્રીય સંગ્રહાલયની વાત આજે કરવી છે. દિલ્હીમાં અનેક જાહેર અને ખાનગી સંગ્રહાલયો છે, ઢિંગલીઓથી લઈને વિજ્ઞાન, ચિત્રોથી લઈને રેલ્વેના સંગ્રહાલય સુધી, પણ આજે મુલાકાત લઈએ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય એટલે કે નેશનલ મ્યૂઝિયમની.

નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.

સંગ્રહાલયનું વિશાળ પ્રવેશદ્વાર આકર્ષક છે, સવારના દસથી સાંજના છ સુધી સંગ્રહાલય ખુલ્લું હોય છે. સિક્યોરિટી તપાસ પૂરી કરી અંદર પ્રવેશ કરો એટલે વિશાળ શિલ્પ આપનું સ્વાગત કરવા ઉભું જોવા મળશે. પાસેની ટિકિટબારી પરથી ભારતીય નાગરિકો ૨૦ રૂપિયાની ટિકિટ લઈને પ્રવેશ કરી શકે છે. ટિકિટ કાઉન્ટરની સાથે જ ઑડિયો ટૂરની વ્યવસ્થા પણ છે. એક વૉકમેન અને હેડફોન આપને આપવામાં આવે છે, જેના માટે જરૂરી ટિકિટ અને ડિપોઝિટનું મૂલ્ય આપીને આ ઑડિયો ટૂરનો લાભ લઈ શકાય છે. ઉપરાંત અમુક નિશ્ચિત સમયે નિઃશુલ્ક ગાઈડ સાથે સંગ્રહાલયની ટૂર પણ થાય છે. ગાઈડ સાથેની ટૂરનો સમય પાંચ મિનિટમાં જ હતો, અને એ માટે લોકો રિસેપ્શન પાસે ભેગા જ થઈ રહ્યા હતાં, એટલે અમે ગાઈડની સાથે જવું વધુ યોગ્ય માન્યું.

સંગ્રહાલય કુલ ત્રણ માળમાં અને અનેક વિભાગોમાં વહેંચાયેલુ છે. ભોંયતળીયાના વિભાગમાં 2500 BC સમયની વસ્તુઓ, મૌર્ય વંશ, શૃંગ વંશ અને સાતવાહન રાજાઓના સમયની કળા, ગાંધાર – મથુરા અને ઈક્ષ્વાકુ કળા, ગુપ્તા વંશ – પૂર્વ મધ્યકાલીન અને ટેરાકોટા સમયની કળા, મધ્યકાલીન સમય અને તે પછીની કળા, તામ્રયુગની કળા, બુદ્ધના સમયની કળા, વિવિધ સમયની ભારતીય લિપીઓની ટ્રાન્સપરન્સિ અને ચલણી સિક્કાઓ, ભારતીય લઘુચિત્રો તથા ડેકોરેટિવ આર્ટ્સ જેમ કે હડપ્પા સંસ્કૃતિની વસ્તુઓ, તાંજોર અને મૈસૂર ચિત્રકળા વગેરે સમાવિષ્ટ છે. અહીં નટરાજની મૂર્તિ, બુદ્ધની અને મહાવીર સ્વામીની અનેક મૂર્તિઓ ખૂબ સુંદર રીતે મૂકાઈ છે, ૧૯મી સદીનું હિમાચલપ્રદેશમાંથી મળેલું પંચમુખી શિવલિંગ, પાર્શ્વનાથની ૧૦૬૨ ઈ.સની કાંસાની સુંદર મૂર્તિ, ૧૪મી સદીની ગણેશની કર્ણાટકથી મળેલી ચતુર્ભુજ મૂર્તિ, સ્વચ્છંદ ભૈરવીની દસમી સદીની હિમાચલમાંથી મળેલી મૂર્તિ, વાંસમાંથી બનેલી વીણાવાદિની સરસ્વતીની આકૃતિ વગેરે જોવાનો આનંદ અનેરો છે. ઉપરાંત આ માળના મુખ્ય આકર્ષણોમાં હડપ્પા સમયની વસ્તુઓ જેવી કે ડાન્સિઁગ ગર્લ, હડપ્પા સભ્યતાની મુદ્રાઓ, રમકડાં, ઘરવપરાશની વસ્તુઓ, અસ્થિકળશ, આભૂષણો અને એક અસ્થિપિઁજર પણ છે. હડપ્પા સમયની વસ્તુઓ લોકોને ખૂબ આકર્ષે છે. આ મુદ્રાઓ વિશે અને વસ્તુઓ વિશે દરેક સાથે વિગતે લખાણ પણ મૂકેલા છે જેથી તેને સમજવી સરળ રહે. ઑડિયો ટૂરના વ્યક્તિઓ તેમના ઑડિયોમાં આવતા ક્રમાંક પ્રદર્શનની વસ્તુઓ સાથે લગાડેલ ક્રમ મુજબ વિગતો સાંભળી શકે છે. ઉપરાંત આ જ માળ પર પુસ્તકાલય અને સંગ્રહાલયના પ્રકાશન, ટી-શર્ટ અને ભેટસોગાદની વસ્તુઓ વગેરેના વેચાણ માટે નાનકડી દુકાન પણ છે.

સંગ્રહાલયના પહેલા માળના પ્રદર્શનોમાં આકર્ષક છે ભારતનો ચલણનો ઈતિહાસ, વસ્તુ વિનિમયની પદ્ધતિથી લઈને આજના ક્રેડિટકાર્ડ અને ઑનલાઈન ચલણ સુધીની આખીય પ્રદર્શની મજેદાર અને ખૂબ માહિતિપ્રદ છે. મધ્યયુગથી લઈને વિવિધ રાજ્યોના સિક્કાઓ, તેમનો ઈતિહાસ, વિશેષતાઓ અને એની સાથે સંકળાયેલી રસપ્રદ માહિતી ખૂબ સરસ રીતે પ્રદર્શનમાં મૂકાઈ છે. ઉપરાત અજંતાના ચિત્રોની પ્રતિકૃતિઓ, મધ્ય એશિયાની અનેકવિધ અદ્વિતિય એન્ટિક વસ્તુઓ અહીં બખૂબી સચવાઈ અને દર્શાવાઈ છે. પ્રથમ જૈન તીર્થંકર આદિનાથની પશ્ચિમિ ચાલુક્ય રાજ્યની દસમી સદીની અલભ્ય મૂર્તિ ખૂબ ભવ્ય છે, તો હિરણ્યગર્ભ સૂક્ત અને પુરુષ સૂક્ત સાથે મૂકાયેલી વિષ્ણુની અનેક પૌરાણિક મૂર્તિઓ અને એ સાથે અવતારોની વિગતે સમજ, બારમી સદીની ચોલ સામ્રાજ્ય દરમ્યાનની શિવ નારાયણની મૂર્તિ ખૂબ સુંદર રીતે પ્રદર્શનમાં મૂકાઈ છે. આ માળ પરની આકર્ષક વિશેષતાઓમાં ગંગા વિશેનું એક ખૂબ રોચક અને વિગતે પ્રસ્તુત કરાયેલું પ્રદર્શન પણ છે. અહીં ગંગા આરતીમાં ઉપયોગમાં લેવાયેલા પ્રાચીન સમયના આરતી માટેના દીવાઓ સાથે ગંગા સાથેનો નાગાબાવાઓ અને હિમાલયના યોગીઓનો સંબંધ ચિત્રોના માધ્યમથી દર્શાવાયો છે. ગંગાની ઉપયોગીતા અને તેના પ્રદૂષણ વિશે પણ માર્મિક રીતે વાત મૂકાઈ છે. તો ગંગા નામને લઈને બનેલી ફિલ્મોના પોસ્ટરોની પણ એક પ્રદર્શની અહીં છે.

પ્રદર્શનનો બીજો માળ અનેક પ્રાચીન રાજ્યો અને ભારતીય પરંપરાના વૈવિધ્યને દર્શાવે છે, અનેકવિધ સંસ્કૃતિઓ અને રાજ્યોનો પહેરવેશ, પશ્ચિમી કળા, આદિવાસી અને અન્ય ભટકતી પ્રજાતીઓની વિશેષતાઓ અને જીવનપદ્ધતિ, અનેકવિધ પ્રાચીન અર્વાચીન રાજ્યોના વડાઓ અને સૈનિકોનો પહેરવેશ, હથિયારો વગેરેનું ખૂબ મોટું સંકલન અહીં છે. બખ્તર, ટોપા અને સૈનિકોનો પહેરવેશ તથા સાથે તીરકમાન, ગદા, તલવારો, ભાલા, બરછી, ગુપ્તી અને જાતભાતના હથિયાર અહીં પ્રદર્શનમાં છે. ઉપરાંત સંગીતના લગભગ બધા જ વાજિંત્રો અહીં પ્રદર્શનમાં છે, જે ખૂબ મોટા વિસ્તારમાં સુંદર રીતે ગોઠવાયેલા છે. લાકડાની અનેકવિધ જાણીતી કલાકૃતિઓ પણ અહીં સંગ્રહાઈ છે. ઉપરાંત અનેક પ્રાચીન હસ્તપ્રતો, અનેકવિધ પ્રકારના ઘરેણા પણ અહીં છે. ઉપરાંત મેક્સિકો, પેરુ, કોસ્ટારિકા, આર્જેન્ટિના જેવા દક્ષિણ અમેરિકાના દેશોની કેટલીક કલાકૃતિઓ પણ અહીં પ્રદર્શનમાં મૂકાઈ છે. બુદ્ધના અવશેષો આ માળનું મુખ્ય આકર્ષણ છે.

અઠવાડીયાના રજા સિવાયના દિવસો આ સંગ્રહાલય જોવાનો શ્રેષ્ઠ સમય છે, જો કે અમે તો રવિવારે જ ગયા હતાં, પણ અહીં જૂજ વ્યક્તિઓ જ અહીં આવે છે. બાળકોની સાથે આવેલા લોકો તેમને અનેકવિધ વસ્તુઓની વિશેષતા સમજાવતા અને વિદેશીઓ ઑડિયો ટૂર સાથે ઈતિહાસને અને ભારતીય સભ્યતાને માણતા જોવા મળે છે. સંગ્રહાલયના ભોંયતળીયે પાછળની તરફ અલ્પાહાર માટે નાનકડી કેન્ટિન છે, સમગ્ર પ્રદર્શન એરકન્ડિશન્ડ છે. અહીં કેટલીક વસ્તુઓ પાસે આર્ટ્સના વિદ્યાર્થીઓ એ વસ્તુઓના સુંદર ચિત્રો દોરતા જોવા મળે છે. રિસર્ચ માટે પણ અનેક વિદ્યાર્થીઓ અહીં આવે છે.

દિલ્હીના અનેક અગત્યના સ્થળ જેવા કે સંસદ ભવન, ઈન્ડિયા ગેટ વગેરે પ્રવાસીઓથી ધમધમતા વિસ્તારમાં જ હોવા છતાં આ સંગ્રહાલય કોલાહલ કે શોરબકોર વગર ખૂબ જ જૂજ પણ રસ ધરાવતા લોકોથી છલોછલ હોય છે. અહીં આપણા પોતાના ઈતિહાસમાં ડોકીયું કરવાની સોનેરી તક મળે છે. આવા સ્થળો આપણા પ્રવાસન નકશા પર સૌથી પહેલા અંકાવા જોઈએ.

(દિવ્યભાસ્કર વેબસાઈટના એક્સપર્ટબ્લોગ્સ વિભાગમાં પ્રસ્તુત થયેલો મારો લેખ.. મૂળ લેખની કડી છે, https://www.divyabhaskar.co.in/news/GUJ-TSB-writer-jignesh-adhyaru-blog-on-delhi-national-exhibition-gujarati-news-5680501-NOR.html)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ

  • ગોપાલ ખેતાણી

    પરમ મિત્ર જિગ્નેશભાઈ, આપના લીધે જ આ સુવર્ણ ધરોહરની પ્રત્યક્ષ મુલાકાત લેવાનું શક્ય બન્યું. અને આ સંગ્રહાલયની ખરેખર વારંવાર મુલાકાત લઈ શકાય એવું છે. ખૂબ સરસ માહિતી સભર લેખ લખ્યો.

  • Anila Patel

    Adabhoot. Motabhagana loko aa jantaj nathi hota. Ame Dilhi darshan mate gaya tyarey koie aa sthal jova jevu chhe evu nohatu kahyu. Haveto pagma takat nathi pan aapani aa mahitithi pan ghanu janva malyu. Have internet par khankha khola karava padashe.