પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ 4


૧.ચાલાકી

હું મારી જાતને ઘણો હોશિયાર માનતો. ખાસ કરીને પંચાયતથી માંડીને વિધાનસભાની ચૂંટણીઓમાં કેમ બાજી જીતવી, કેવા દાવપેચ રમવા વગેરે મને સારું ફાવતું. આવી ઘણી બાબતોમાં હું નિષ્ણાત હતો અને આખા ગામમાં મારું નામ બોલાતું.

એક દિવસ રાત્રે અંધારામાં મારા ઘરે દરવાજા આગળ એક કદાવર અને બિહામણો માણસ જોયો. તેનો ચહેરો કાળો અને ભરાવદાર હતો. પહેલાં તો હું ગભરાઈ ગયો કે અડધી રાત્રે આ ભયાનક પ્રાણી કોણ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત યમરાજ લાગે છે. ચોક્કસ મને લેવા આવ્યા લાગે છે. મેં કહ્યું ‘પધારો સાહેબ, આજે આ બાજુ ક્યાંથી ભુલા પડ્યા? શું સ્વર્ગમાં સારા હોશિયાર માણસોની ખોટ છે તે મારે ત્યાં દર્શન દીધાં? અત્યારે હું ચૂંટણીની ધમાલમાં ખૂબ વ્યસ્ત છું એટલે અપોઈન્ટમેન્ટ લઈને આવો તો સારું રહેશે.’ પરંતુ મારું કહ્યું કશું કાને ધર્યું નહીં. તેમણે સીધા સોફા પર આસન જમાવી દીધું.

તેમણે પોતાની ઓળખાણ આપતા કહ્યું, -‘હું યમરાજ છું, તમને લેવા આવ્યો છું. તમારો સ્મય પૂરો થયો છે.’ મેં થોડો વેવલો હોવાનો દેખાવ કરતાં કહ્યું – ‘આટલી ઉતાવળ શા માટે? હજુ મારી આગળ ઘણા લોકો બાકી છે. અને મારાં ઘણાં કામ અધૂરાં છે. તમે બીજે તમારાં કામ પતાવી દો પછી ખુશીથી આવો.’

યમરાજે કહ્યું, ‘અમારા કામમાં આવુ ન ચાલે. પૃથ્વીલોક પરથી લઈ જવાની યાદી અમને આપવામાં આવી છે. તેમાં તમારું નામ સૌથી પહેલું છે એટલે કંઈ ફેરફાર ન થઈ શકે. તમારી નોકરશાહીની માફક અમે ફાવે ત્યારે અને ફાવે તેમ આવી ન શકીએ. અમારે આપેલા ટાર્ગેટ અને શીડ્યુલ પ્રમાણે જ બધું કરવાનું હોય છે.’ મેં થોડી ઠાવકાઈથી કહ્યું, ‘ભલે હું તૈયાર છું, પણ તમે ઘણે દૂરથી આવ્યા છો તો આપણે એક કોફી પી લઈએ અને પછી તમારે જે કરવું હોય તે કરો.’ યમરાજે થોડી આનકાની કરી પણ પછી કહેવા લાગ્યા, ‘વત્સ! આમ તો અમારાથી સમય ન ચૂકાય પરંતુ તારા આગ્રહના લીધે કોફી પીને નીકળશું પણ જોજે સમય ઓછો છે એટલે જલદી કરજે.’

આથી મેં ઈન્સટંટ કોફી બનાવી તેમાં ખબર ન પડે તે રીતે ઊંઘની ગોળીઓ નાખી દીધીઅને યમરાજને કોફી પીવા આપી. યમરાજ કોફી પીને ખુશ થઈ ગયા પરંતુ ઘેનની ગોળીઓથી તુરંત નિદ્રામાં પોઢી ગયા. મેં ઝટપટ તેમના હાથમાં રહેલી યાદી જોઈ લીધી. તેમાં મારું નામ પહેલું હતું. એટલે કોઈને ખબર ના પડે તેમ ભૂસી નાખી યાદીમાં છેલ્લે લખી નાખ્યું.

થોડીવારે યમરાજ જાગ્યા. તેમણે કહ્યું, ‘પહેલી વખત પૃથ્વીલોક પર આવી મજાની ઊંઘ માણી. માઅરે સતત આવનજાવન હોય એટલે આવો આરામ મળે જ નહીં. તારી મહેમાનગીરી અને મારા પ્રત્યેના આદરથી હું આજે ખુશ છું. મને લાગે છે કે મારે તને થોડો સમય આપવો જોઈએ. એક કામ કરું છું મારી લાંબી યાદીમાં જે નામો છે તેમાં હું આજે છેલ્લેથી કામ શરૂ કરીશ. હવે તું ખુશ ને?’

હું અચરજ પામી ગયો.

(દુનિયામાં દરેક માણસ એમ માને છે કે પોતે હોશિયાર અને ચાલાક છે પણ નિયતિ આગળ ચાલાકી ચાલતી નથી.)

૨. ફેસબુક ફ્રેન્ડ

પચાસ વર્ષની આસપાસની એક ધનાઢ્ય મહિલા આખો દિવસ સ્માર્ટ ફોન લઈને ફરતી. સહેજ પણ દૂર ન રાખે. ફેસબુકની તે બંધાની થઈ ગયેલ હતી. થોડી થોડી વારે તે ફેસબુક ખોલતી અને જોતી કોઈ નવો ફોટો કે શાયરી કે મિત્ર ફેસબુક પર આવેલ છે કે નહીં. આખો દિવસ તેનું આજ કામ હતું બીજું કરે પણ શું?

વાસ્તવિક દુનિયામાં તેને કોઈ મિત્ર ન હતો. જેની સાથે કોઈ હોટેલ, પાર્ટી કે લગ્નમાં જવાનું થતું. પતિ સાથે પણ તે ભાગ્યે જ બહાર નીકળતી. પરંતુ ફેસબુક પર તેના સેંકડો મિત્રો – બી ફ્રેન્ડ , જી ફ્રેન્ડ હતા જેને તેણે કદાપિ જોયા નથી. તે દૂર છે કે ક્યાં છે તેની પણ મોટેભાગે ખબર પડતી નહીં. પન કેટલાકના ફોતા અને નિયમિત સંદેશા, કાવ્યો અને સુંદર શાયરીઓથી તે ખૂબ પ્રભાવિત થઈ ગયેલ અને રોમાંચ અનુભવતી. તને હ6મેશા આ અજાન્યા મિત્રોને રૂબરૂમાં મળવાની ઈચ્છા રહેતી. તેણે પણ કોપી પેસ્ટ કરીને શાયરી શેર મોકલીને ઘણા લોકોનાં દિલ જીતી લીધેલ. જે વાંચીને કોઈ પણ યુવક પ્રેમમાં પડી જાય તેવું લાગતું. તેના આ ફોટાઓ ઉપર ખૂબ પ્રતિભાવ – કોમેન્ટસ મળતા રહેતા આથી તે આનંદ અનુભવતી અને પોતાની યુવાની અને કોલેજના દિવસો યાદ આવતા.

એકવાર કોઈ પુરુષ મિત્રે તેની સુંદર રચનાઓથી પ્રભાવિત થઈને તેને રૂબરૂ મળવાનો પ્રસ્તાવ કર્યો. તે ખુશ ખુશ થઈ ગઈ કે કોઈ તો એના સર્જનની કદર કરનાર છે અને રૂબરૂમાં મળવાનું સહર્ષ સ્વીકારી લીધું. બન્ને અજાણ્યા જણે એક મોટી હોટલમાં મળવાનું અને સાથે જ ભોજન લેવાનું નક્કી કર્યુ.

બીજે દિવસે તેણે પતિને જણાવ્યું કે આજે સાંજે તે એક જૂના મિત્રને ઘેર જવાની છે. તેની સાથે જમવાનું છે અને પછી ફિલ્મ જોવા જવાનું છે એટલે કદાચ રાત્રે તેને ઘેર જ રોકાઈ જશે. પતિ પણ અકહેવા લાગ્યો કે મારે પણ આજે અગત્યના ક્લાયન્ટ સાથે મુલાકાત છે. તેની સાથે જમવાનો પ્રોગ્રામ છે એટ્લે મારું પાછું ફરવાનું નક્કી નથી અને મોડું પણ થાય.

આમ તે સારો મેકઅપ અને સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ ફૂલનો બુકે લઈ અજાણ્યા મિત્રની કલ્પનાઓ કરતા કરતા નક્કી કરેલ હોટેલ ઉપર પહોંચી ગઈ. ફેસબુકના નવા મિત્રની રાહ જોતી રીસેપ્શન આગળ મોતા સોફામાં બેસી ગઈ. થોડીવારે તપાસ કરીને તેના બુક કરેલા ટેબલ પર મિત્રની આતુરતાપૂર્વક રાહ જોવા લાગી.

થોડા સમયે તેનો ફેસબુકનો મિત્ર પણ ઉતાવળો તેને શોધતો આવી પહોંચ્યો અને થોડૂં મોડું થયેલ છે તેમ દિલગીરી વ્યક્ત કરવા જતો હતો. ત્યાં તો બન્ને ને ખબર પડી કે આ શું? આ તો તેનો પતિ છે. બન્ને જણ અત્યંત ક્ષોભ અનુભવવા લાગ્યા.
પછી શું થયું તેની ખબર નથી. પરંતુ ફેસબુકે બન્નેનો મુખવટો ખુલ્લો કરી દીધો.

ફેસબુકની પેઢીમાં ફેર એટલો પડ્યો છે.
જે આશિકો ગઈકાલે જુદાઈથી મરતા હતા.
તે આશિકો આજે બેવફાઈથી મરી રહ્યા છે.

૩. મારા સમ

મીના મધુભાઈની એકની એક દીકરી હતી. આમ તો મધુભાઈ આખો દિવસ નાનામોટાં કામ કરતા પણ બે છેડા પરાણે ભેગા થતા. જો કે મીનાને તેમણે ખૂબ પ્રેમથી ઉછેરી હતી. તેને કોઈ વાતે ઓછું આવવા દેતા નહીં. દીકરી પણ સમજુ હતી. તે બાપની પરિસ્થિતિ સમજતી હતી.

મીના સારી રીતે ભણીને ગ્રેજ્યુએટ થઈ ગઈ. પછી એક મોટી ખાનગી કંપનીમાં નોકરી પણ કરવા લાગી. મધુભાઈ તેના પગારને અડકતા નહીં. બેંકમાં મીનાના નામનું જુદું ખાતું ખોલેલ તેમાં પગાર જમા થતો જેથી ભવિષ્યમાં મીનાને આ રકમ કામ આવે.

મીનાના લગ્ન માટે જ્ઞાતિમાંથી ઘણા માંગા આવતાં. જ્ઞાતિના એક સુખી સંસ્કારી પરિવારમાંથી મીના માટે માગું આવતાં મધુભાઈએ મીનાને છોકરો બતાવ્યો. મીનાને છોકરો પસંદ પડતા વિવાહ લગ્ન નક્કી થયાં. છોકરાના માબાપને મધુભાઈની સ્થિતિનો ખ્યાલ હતો એટલે એમણે જણાવેલ કે અમારે કંકુ કન્યા સિવાય કંઈ લેવાનું નથી.

મધુભાઈને આમ લગ્નમાં લગભગ બે લાખ જેટલો મોટો ખર્ચ બચ્યો એટલે આ રકમ તેમણે મીનાને આપવાનું નક્કી કર્યું. મીનાને બોલાવીને આ ચેક બાપ તરફથી દીકરીને ભેટ છે તેમ કહી સ્વીકારી લેવા જણાવ્યું.

લગ્ન સારી રીતે લેવાઈ ગયા. કન્યાની વિદાય વેળાએ મીનાને પપ્પાને બે લાખનો ચેક પરત કર્યો. મીના પપ્પાને કહેવા લાગી તમે મને કહ્યું નથી પણ મને ખબર છે કે તમે આ બે લાખ વ્યાજે લાવ્યા છો. મારે માટે દેવું કરવાની જરૂર નથી. એટલે ચેક પાછો લઈ લો. પછી મીનાએ પગારના સેવીંગ ખાતામાંથી છ લાખની એફડી ની રસીદ પપ્પાના હાથમાં પકડાવી દીધી અને કહેવા લાગી, ‘આ રકમ તમારી જ છે, મારી સહેજ પણ ચિંતા કરતા નહીં, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. એટલે તમને ખૂબ આરામની જરૂર છે. જો આ રકમ પાછી આપી તો મારા સમ. મધુભાઈ દીકરીને ભેટી પડ્યા અને તેમની આંખોમાંથી બોર જેવાં આસું સરી પડ્યાં. મનમાં બોલી ઊઠ્યા, ‘નિર્મળ પ્રેમનું બારેમાસ વહેતું ઝરણું એટલે દીકરી.’

વિધાતાએ દીકરી ઘડી, ખૂબ ખંતે,
કસબી હાથેથી તેણે કરી કમાલ !
– મકરન્દ દવે

“તારે સિતારે ભાગ – ૨”પુસ્તકમાંથી સાભાર


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ

  • સુબોધભાઇ

    આશિકો માટે સરસ સરખામણી – અગાઉ જુદાઈ થી મરતા અને હવે બેવફાઈ થી.

  • chintan maru

    ખુબ જ સરસ !!! આજકાલ બસ કાલ્પનીક્તાઓ એટલી વધી ગયી છેને કે આપણને વાસ્તવિકતા દેખાતી જ નથી. એવા માં આવી પ્રસંગ કથાઓ આપણને જિંદગી કોનું નામ છે અએ બતાવે છે.અતિ સુંદર શાહ સાહેબ.