મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ 11


મા,
તેં તો ઘણું શીખવાડ્યું
ઘણું આપ્યું
છતાં
થોડું સમજવું છે,
થોડી અભ્યર્થના છે મા..

ક્યાંથી લાવી આ અમાપ ધીરજ
સમતા, નિસ્વાર્થતા, વૈરાગ્ય,
અને સમભાવની ભાવના

આ સુકલકડી કાયા
ક્યા પ્રેરકબળથી દોડી રહી છે
મેં જોઇ છે તને, આખી જીંદગી
ઉપવાસ આયંબીલ એકટાણા કરતા
કયા મેણા તને લાગી ગયા મા.

મેં જોઇ છે તને પુત્ર વિરહમાં
આંખનાં ખૂણેથી ચુપચાપ આંસુ સારતા
પણ… બીજા આંસુઓ ક્યાં સંતાડ્યા મા

મા,
મને તારા અંતરના ભીતર પટારામાં
ભારી રાખેલો જે અગ્નિ છે
તે વાચતા શીખવ, મા

મા,
તારા મોટેરા મન કેરા પટારા
તારા મન કેરી વેદના
તારા આંસુઓ,
તારી કાર્યક્ષમતા
અને પ્રેમ કરવાની અગાઘ શક્તિ
તારા નસીબમાં લખેલું અંતહીન કાર્ય..

અપાય તો મા,
આ બધું મને
અત્યારે જ આપી તું હળવી થઈ જા
અથવા
મા,
મને વારસામાં આપી જજે,
સાચવીશ હું જીવથી પણ અદકેરી રીતે
અને પ્રભુ પાસે પ્રાર્થના કે
ભવોભવ તારા ઉદરે સમાઈ
આ દુનિયામાં પદાર્પંણ કરું
એ જ અભ્યર્થના…

– ઉર્વશી પારેખ
(સંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર…’ માંથી)

ઉર્વશીબેન પારેખના સુંદર અને અનુભૂતિસભર કાવ્યસંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. માતાને અભ્યર્થના કરી રહેલ સંતાન તેના ગુણોને, તેની ક્ષમતાઓ, લાગણીઓ અને કપરા સંજોગોમાં પણ મક્કમ રહી સામનો કરવા જેવી વાતને યાદ કરી તેમના જેવા જ ગુણો પોતાનામાં સિંચાય એવું યાચે છે. સુંદર કાવ્યસંગ્રહ અક્ષરનાદને પાઠવવા અને આ કાવ્ય પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ