પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 23


(૧) ડાહ્યો

પાગલખાનાની દીવાલ ઠેકીને એણે દોટ મૂકી. દોડતા દોડતા એ શહેરની વચ્ચે આવેલા ચોક સુધી પહોંચી ગયો. ચોકની વચ્ચે લોભામણા વચનોની લ્હાણી કરી રહેલા નેતાજી અને મુગ્ધ બનીને તેમને સાંભળી રહેલાં ટોળાને એ અવાચક બનીને જોઈ જ રહ્યો. પછી તુર્ત જ એ પાસે ઉભેલી રીક્ષામાં છલાંગ મારી ચડી ગયો અને રીક્ષાચાલકને કહ્યું ….
“પાછી… મેન્ટલ હોસ્પિટલ લઈ લે ભાઈ….!”

(૨) મોતિયો

પોતાની જ જ્ઞાતિની મોટી પુત્રવધૂ પ્રત્યે કુણું વલણ અને પરજ્ઞાતિમાંથી આવેલી નાની પુત્રવધૂ પ્રત્યે અણગમો ધરાવનારા જયશ્રીબેનને મોતિયાના ઓપરેશનમાં કોમ્પ્લીકેશન ઉભું થતાં હોસ્પીટલમાં ત્રણ દિવસ વધુ રોકાવું પડ્યું. આ ત્રણ દિવસો દરમિયાન મોટી પુત્રવધૂ ફોનથી ખબર પૂછતી રહી પણ નાની વહુ ત્રણે દિવસ બાની પડખે જ રહી. ત્રીજે દિવસે ચેકઅપ વખતે જયશ્રીબા ડોક્ટરને કહી રહ્યા હતાં.. “મોતિયો તો બહુ સારો ઉતરી ગયો હોં સાહેબ, હવે બધું દીવા જેવુ ચોખ્ખુ દેખાય છે.”

(૩) લાકડી

“બા આ લાકડી હવે ભંગારવાળાને આપી દઉં …?” ઘરનો કચરો સાફ કરતાં પુત્રવધૂ નિશાએ મૃત સસરાની હાથ લાકડી બતાવતાં સાસુને પૂછ્યું.

“હા બેટા, હવે તો મારાથી પણ ક્યાં ચલાય છે?” પતિની છબી સામે જોઇને નિસાસો નાખતાં વ્હીલચેરવશ કમળાબેન ધીરે રહીને બોલ્યાં.

(૪) ઇન્વેસ્ટમેન્ટ

“અરે અંકલ, આ ‘એફ.ડી’ મુદ્દત પાક્યા પહેલા શું કરવા તોડો છો? આ ઇન્વેસ્ટમેન્ટ તો ઘડપણમાં સહારો બની રહેશે.”

બેન્ક ક્લાર્કને જશુભાઈ કેવી રીતે સમજાવે કે પોતાના ઘડપણના સહારા એવા એકનાં એક દીકરાને ડ્રગ રીહેબીલીટેશનના પ્રોગ્રામમાં દાખલ કરવાની ફી ભરવા માટે આ ‘એફ.ડી’ તોડ્યા વગર છૂટકો જ ન હતો.

(૫) ગુનો

આર્થિક અક્ષમતાને કારણે એબોર્શન ક્લીનીક આવેલું દંપતિ, વેઈટીંગ રૂમની દીવાલ પર લાગેલું ‘ગર્ભપાત કાયદેસર છે.’ નું લખાણ વારંવાર વાંચીને પોતાનો ગુનાહિત ભાવ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને….

પેટમાં પાંગરતું બીજ જાણે જીવનની ભીખ માંગી રહ્યું હતું. દવાખાનાની બહાર રસ્તા પરના બીલબોર્ડ પરનું લખાણ પત્નીની નજરે પડ્યું… “ભારતીય કાનૂન ધારા મુજબ ભીખ માંગવી એ ગુનો બને છે.”

જન્મ ન પામેલા તેના શિશુને સંભવિત ગુનાથી બચાવવા તેણે ડોક્ટરની કેબીન તરફ મંદ ગતિએ પગલાં ભરવાનું શરુ કર્યું.

– હેમલ વૈષ્ણવ

ઉર્દૂ સાહિત્‍યના પ્રખ્‍યાત સર્જક સઆદત હસન મન્ટો (ઈ.સ. ૧૯૧ર – ૧૯પપ)ની કેટલીક વાર્તાઓ ખૂબ જ વિશદ પાર્શ્વભૂમિકામાં લખાયેલી જોવા મળે છે, અને એમાંથી કેટલીક માઈક્રોફિક્શનના મૂળ ફોર્મેટને સ્પર્શતી હોવાનો આભાસ પણ થાય છે. આક્રોશભર્યા પણ મજબૂર પાત્રો, થોડામાં ઘણુંબધું કહી શકવાની ક્ષમતા અને વાર્તાના ખુલ્લા છેડાઓ દ્વારા વાચકને મળતો સર્જનનો આનંદ એ તેમની વિશિષ્ટતાઓ હતી, માઈક્રોફિક્શનના ક્ષેત્રને સ્પર્શતા લેખકે મન્ટોનું સાહિત્ય અવશ્ય વાંચવું જોઈએ એવું મારું માનવું છે. માઈક્રોફિક્શનના અક્ષરનાદ પરના ખેડાણને સતત આગળ ધપાવતા હેમલભાઈ વૈષ્ણવની પાંચ માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત છે. વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ