બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ 7


બોલીએ ના કંઈ,
આપણું હ્રદય ખોલીએ ના કંઈ,

વેણને રે’વું ચૂપ,
નેણ ભરીને જોઈ લે વીરા;
વેણના પાણી ઝીલનારું
તે સાગર છે વા કૂપ.
બોલીએ ના કંઈ….

વનવેરાને મારગ વીજન
સીમ જ્યાં કેવળ ગૂંજતી સૂની,
આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુ જન,
લખનો મેળો મળિયો રે
ત્યાં કોણને કોની તાન?
વનમાં જાવું એકલ વીરા !
તારલિયો અંધાર કે
ઓઢીને રણનો દારૂણ ધૂપ
બોલીએ ના કંઈ….

આપણી વ્યથા,
અવરને મન રસની કથા,
ઈતરના કંઈ તથા;
જીરવી એને જાણીએ વીરા !
પ્રાણમાં જલન હોય ને તોયે
ધરીએ શીતલ રૂપ
બોલીએ ના કંઈ….

– રાજેન્દ્ર શાહ

પ્રસ્તુત રચનામાં જાણે કવિએ ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથાને મનમાં જ ભંડારી રાખવાની સલાહ હોય, કવિ પ્રસ્તુત રચનામાં જીવનની કેટલીક મહત્વની શીખ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહનું પ્રસ્તુત કાવ્ય એથી જ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ