તનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 6


પાણીનો ગ્લાસ ભરવા તનુ ડોશી ઉભા થયા. ગ્લાસ ભરીને પાછા એજ જગ્યાએ બેસી ગયા. વળી પાછા વિચારોમાં ડૂબી ગયા. પાણીનો ગ્લાસ હાથમાં જ સ્થિર થઈ ગયો. ઘણા વિચારોને અંતે તેને પાણી માટે હાથ ઉઠાવ્યો કે પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. અરેરે ! આ મારો ચહેરો છે? જેલમાંતો વળી કોણ અરીસો લગાવે? કંઈ કેટલાએ દિવસ પછી પોતાનો ચહેરો જોઈ અચંબો પામી ગઈ. કેવી લાગતી હતી ને અત્યારે પોતે કેવી લાગે છે, ને તે પોતાના ભૂતકાળમાં સરી પડી.

નાની વયમાં લગ્ન થઇ ગયા હતા. લગ્ન કર્યાને માંડ ત્રણ વર્ષ થયા હશે, દેરાણી બહુ જબરી મળેલી. વાત વાતમાં ઝગડી પડતી. વાતવાતમાં અપમાન કરતી. તે એટલું પણ ન સમજતી કે હું એની જેઠાણી છું. પોતાને માન આપવાને બદલે દિયરને તે ચડાવતી, ખોટા ખોટા બહાના બનાવતી. લગ્ન પહેલા દિયર તેની સાથે હસી મજાક કરતો, પણ હવે તો જરૂર પડે જ બોલાવતો. ને ક્યારેક નાની સરખી ભૂલમાં વાતુનું વતેસર કરતાં. સસરાનું પણ સંભાળવું પડતું. માં બાપ હતા નહીં, કાકાએ મોટી કરી લગ્ન કરાવીને સાસરે વળાવી. પિયરમાં ભાઈ હતો પણ હજી એને સંસારની શાન પણ નહોતી આવી, છતાં મન મક્કમ કરીને જીવવા સિવાય આરો નહોતો. પડોશમાં રહેતા જમનાકાકી દયાળુ હતા. જયારે પણ કઈ ખટરાગ થાય એટલે તે આશ્વાસન આપતાં, “તનુ વહુ, નાની નાની વાતને બહુ મગજ પર ન લઈશ. સમય પસાર થઇ જશે, ને પછી કાયમ ક્યાં ભેગું ચાલવાનું છે? એય મજાની રમેશ સાથે રહીને સંસાર ભોગાવજે ને !”

ને જમનાકાકીના શબ્દો અને આશ્વાસન દવા જેવું કામ કરતા. ઘણી વાર તે વિચાર કરતી કે ગામ આખાનું દુખ ભગવાને એકલી એના પર જ ઢોળ્યું છે. પોતાનો પતિ પણ બિચારો અખો દિવસ ખેતી કરી ને સાંજે લોથપોથ થઈને આવતો. ઘણી વાર એને દયા આવતી ત્યારે તે ખેતર જતી ને તેની સાથે વાતોમાં, જે બને તે કામમાં મદદ કરતી. ને તનુ જયારે ખેતર જતી ત્યારે તે ખુશ નજર આવતો. તેનામાં શેર લોહી ચડ્યાનો અહેસાસ અનુભવતી.

“એલી તનુ, સવારમાં કઈ બાજુ ઉપડી?” જમનાકાકીએ સાદ પડતા ઉતાવળે જતી તનુ ઉભી રહી ગઈ.

“આજ ખેતર વાવવાનું છે તો થોડી તમારા ભત્રીજાને મદદ કરાવતી આવું”

“હા, તો જા” કહેતા જમનાકાકી ઘરમાં ગયા ને તનુ પછી ઉતાવળે પગલે શેરી વટાવી ગઈ. બન્ને ખેતરના કામમાં મશગુલ થઇ ગયા. બાજુના ખેતરમાં તેના દિયર પણ ખેતરમાં કામે લાગેલા હતા. બપોરનો સૂરજ ધોમ તપતો હતો. રમેશને ભૂખ લાગી એટલે તનુને કહ્યું કે હવે જમી લઈએ. તનુ બાવળની ડાળે લટકાવેલ ટીફીન લઇ આવી અને બન્ને જમવા બેઠા.

“અલી, તને દેખાતુ નથી?” દેરાણીએ રાડ પાડી કે તનુ સમસમી ગઈ.

“માફ કર મારી બેન” ને તનુ ઝઘડો વધે નહી તે માટે માફી માગવામાં શાણપણ માન્યુ. પણ આજ દેરાણી ને ઝગડો કરવાની હેમ લઈને આવી હોય તેમ વધુ જોરજોર થી બૂમો પાડવા લાગી.

“વાંઝણી જ રહીશ સદા, કુળમાં એક તારી જ કમી હતી તો આવી માથે પડવા” ને કાન ફાટી જાય એટલા જોરથી તે મનફાવે તેમ તનુ ને ભાંડવા લાગી. તનુનો એટલો જ વાંક હતો કે એ દિયરના ખેતર વચ્ચેથી ચાલી હતી, એના ખેતર વચ્ચેથી ચાલે તો વધુ સમય લાગે. જલ્દીથી રમેશને ખાવાનું આપવાની ઉતાવળ હતી. પણ કાશ દેરાણી તેની વાતને સમજી શકે !

“કેમ તું અમારા ખેતર વચ્ચેથી નથી નિકળતી?” તનુએ કહ્યુ એમાં તો તે ઓર જ હણાઈ ગઈ હોય તેમ વધુ તાનમાં આવી ગઈ.

“સાંભળો તમે, આ  તમારી ભાભીનો રુવાબ  કેમ તમે એને કંઈ બોલી જ ના શકો ? “

“એમાં કંઈ બગાડ થયો તમારો?”

“બગાડવાળીની બહુ જોઈ હોય તો, રે ઉભી રે” …ને તનુ ને મારવા દોડી

એક જોરદાર લાત તનુને આપી દીધી. તનુ તો જોતી જ ઉભી રહી ગઈ. પણ આજ તો તનુથી સહન ના થયુ.

હદ ની પણ કોઈ હદ હોય ! તેને પણ વળતા હાથની એક આપી દીધી….પહેલી વાર આજે તનુ એ  કોઈની પર હાથ ઉપાડ્યો હતો. જરા અમથી ધોલધપાટ મોટા સ્વરુપમાં ફેલાઈ ગઈ.

“તમે તો સાવ નમાલ જ રીયા , હાય હાય ..મારુ કોઈ નથી …” ને તે રડવા લાગી.

વાત ત્યાંજ પતી જાત જો રમેશ ના આવ્યો હોત ! શુ ભાભી તમે પણ એના જેવા થઈ જાવશો. રમેશે એટલુ બોલ્યો એમાં તો વળી તે ઓર જોરમાં આવી ગઈ. “તારી જાતની તો.. ઉભી રે તુંય જોઈ લે આજ.” ને હાથ માં કોદાળી લઈને તનુ તરફ ઘસી આવી. અત્યાર સુધી ચુપચાપ ઉભેલા રમેશ થી હવે સહન  થાય તેમ નહોતું, દોડતો આવ્યો ને તનુ તરફ ઉગામેલી કોદાળી ને પકડી લીધી ને તેનામાં વધારે જોમ ચઢ્યું. તે રમેશ ને મારવા દોડી. તનુ પણ આજ જતુ કરવા માંગતી નહોતી. તેણે દેરાણીના હાથમાંથી કોદાળી છોડાવવા તેના તરફ ઘસી પડી.

પછી તો ચારેય વચ્ચે ખૂબ જ ઝપાઝપી થઈ ને ઝપાઝપીનું પરીણામ એ આવ્યુ કે કોદાળી છટકી ને દેરાણીના માથામાં વાગી ગઈ. દેરાણી તો ત્યાંજ ઢગલો થઈને ફસકાઈ પડી. તે જોઈ ને દિયરને તો ચક્કર જ આવી ગયા. ને ત્રીજા દિવસની સવારે તનુ જેલમાં ધકેલાઈ ગઈ. જેલમાં ગયા પછી રમેશ બિચારો એકલો પડી ગયો. ખેતી કરી ને ઘરનું ગુજરાન ચલાવતો હતો. પૈસા કંઈ ક્યાંથી બચે? દુનિયામાં પત્ની સિવાય તો કોઈ હતું નહીં. પોતાની તનુને તે ખુબજ ચાહતો હતો. કોઈ પણ ભોગે તે તેને જેલમાંથી છોડાવવા માંગતો હતો. ઘણા વિચાર પછી એણે ખેતર વેચીને વકીલ રોક્યો. વકીલ જાન રેડી ને પણ તનુને સજા ન થાય તે માટે પ્રયત્નો કર્યા પણ બધા પ્રયત્નો વ્યર્થ ગયા. અને તનુને વીસ વર્ષની સજા થઇ ત્યારે રમેશ એકદમ ભાંગી પડ્યો. ન ખાય કે ન પીવે, બસ અખો દિવસ તનુના વિચાર માં જ જીવ બાળ્યા કરે. તનુની ની યાદ તેને ખૂબ સતાવવા લાગી.

એક દિવસ સવારે રમેશ ન ઉઠયો, તે કાયમને માટે સૂઈ રહ્યો. જયારે જેલમાં દર અઠવાડીયે ખબર પૂછવાના ટાઇમે ના આવ્યો ત્યારે તનુ પહેલી વાર  મોટો નિસાસો નાખી ને હતાશ થઇ બેસી ગઈ. જયારે જેલરે સમાચાર આપ્યા ત્યારે તેમને લાગેલું કે તનુ પોતાની ભાન ન ખોઈ બેસે !

હાય રે! નસીબ, શું નુ શું થઈ ગયુ. કોને જઈને કહેવું? ત્યાં દરવાન આવીને ઊભો કે તેની વિચારધારા અટકી ગઈ.

“તનુ બેન તમને સાહેબ બોલાવે ઓફીસ માં ચાલો.”

ઓફીસમાં ગઈ તો જોશી સાહેબ તેની રાહ જોઇને બેઠા હતા. “આવો, બેસો.” તનુ તો ઉભી જ રહી એટલે જેલર જોશી સાહેબે તેને બેસવા કહ્યુ.

“ના હું અહીં ઉભેલી જ બરાબર છું.” કહીને તનુ અદબ વાળી ને ઉભી રહી. એટલે જોશી સાહેબે હાથ પકડીને તેને ખુરશીમાં બેસાડી. મનમાં થોડી બેચેની થઈ કે કદાચ તે કોઇ વાંકમાં તો નહીં આવી હોય ને? જોશી સાહેબની સામે જોઇને તે બેસી રહી. તેઓ કોઈ ફાઇલની વચ્ચે અટવાયા હોય તેમ  જણાયુ. કશું બોલ્યા વગર આજ પહેલી વાર તે બેસી રહી, સાહેબ બોલે તેની રાહ જોવા લાગી.

“કેમ ઉદાસ થઇ ગયા?”

“ના.. ના.. કંઈ તો નથી.” તે બોલી પણ જોશી સાહેબ તેના ચહેરાના હાવભાવ કળી ગયા. “આમ તો કંઈ નથી, મારું તો કોઈ છે નહિ અને જેલવાસીઓ જ મારા સગા છે ને જેલ જ મારી દુનિયા છે સાહેબ .. મન માં એક જ વિચાર આવે છે કે મારાથી કાંઈ ભૂલ તો નથી થઇ ને?”

“એવું ન વિચારો, મેં તમને એટલા માટે નથી બોલાવ્યા, પણ તમારા માટે સુખ ના સમાચાર છે, સરકારે તમારી સજા ઓછી કરી દીધી છે ને તમને કાલે ઘરે જવા મળશે.”

ઓફીસમાં સન્નાટો છવાઈ ગયો. જોશી સાહેબ તનુની સામે જોઈ રહ્યા ને વિચારોમાં પણ ડૂબી ગયા. લોકો સજા માફ થાય એટલે ખુશ થાય ને ઝૂમી ઉઠે પણ તનુબેન કાં આમ જ બેઠા છે?

“કેમ કશું બોલ્યા નહીં?”

“સાહેબ, વર્ષો પહેલો મને જજ સાહેબે સજા સંભળાવેલી.. વીસ વર્ષની. આજે બીજી સજા તમે સંભળાવી રહ્યા છો.” નીચું જોઈનેજ તનુ બોલી.

“શું વાત કરો છો?” એકદમ ડઘાઈને તેઓ બોલ્યા. તનુ બેન કેવી વાત કરી રહ્યા છે ! અરે પોતે ખુશીના સમાચાર આપે છે ને તેઓ સજાની વાત કરે છે?

“હા સાહેબ, મારા માટે આ બીજી સજા છે. મારું બધું તો લૂંટાઈ ગયું છે, કોઈ તો છે નહીં. પતિ બિચારો મારા વિરહમાં મરી પરવાર્યો. પિયરમાં તો કોઈ હતું જ નહી. બહાર જઈને હું કોની સાથે જિંદગી વિતાવું? જેલમાંથી આવેલી તનુને બહાર કોણ બોલાવશે? કોણ ઈજ્જત કરશે? જેલમાંજ મને ફાવી ગયું છે, તમે પણ સાહેબ મને બેન કે માં નો પ્યાર આપો છો. બધા લોકો પણ મને માનથી તનુ ડોશી કહે છે, હવે તમે જ કહો કે તમે આપેલા સમાચાર સજા છે કે ખુશી?”

જોશી સાહેબ તો દિગ્મૂઢ બની ગયા. શું બોલવું તે પણ ખબર ન પડી. જેલર તરીકે તેઓ ઘણા સમયથી છે પણ આવો કોઈ કિસ્સો કે ઘટના એમના ધ્યાનમાં નહોતી.

“ઠીક છે તમે જાઓ, મેં તો તમને આના માટે જ બોલાવેલા”  જોશી સાહેબ વધારે બોલી ન શકયા. ગળે ડૂમો ભરાઈ ગયો. તનુ પણ ઓફીશની બહાર નીકળીને પોતાના બેરેક તરફ ડગલા માંડવા લાગી. ધીરે પગલે તે જતી હતી ત્યાં એમના પગ થોભી ગયા.

“એક મિનીટ,” જોશી સાહેબનો અવાજ સંભળાયો.

“તનુબેન, બની શકે કે હું તમારા કરતા નાનો છું. પણ એક નાનભાઈની અરજ છે.”

“મને કઈ સમજાયું નહીં.”

“અગર તમને ફાવે તો કાલથી તમે મારા મહેમાન બનશો?”

“સાહેબ, હું પણ તમને એક અરજ કરું? મને મોત મળે ત્યાં સુધી જેલમાં રહેવા દો, હું મરીશ ત્યાં સુધી તમારા ને તમારા પરિવાર માટે રોજ ભગવાનને પ્રાર્થના કરીશ.”

“ઠીક છે, જાવ હવે…” ને જોશી સાહેબ લગભગ રડતા રડતા જ ત્યાંથી પાછા વળ્યા. તનુ તેમને જતા જોઈ રહી. જેલર નહી પણ ભગવાન આજ એમને દેખાયા. અરે, આ શું ! આંસુનાં ટીપા જોઈ લગભગ દોડી ને તે જોશી સાહેબના પગમાં ઢગલો થઇ ને પડી ગઈ.

“મને માફ કરી દો સાહેબ” ને તનુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

“એક જ વાતે તમને માફ કરું, જો તમે તમારા ભત્રીજાની દેખરેખ રાખવા મારા ઘરે રહો”

બીજા દિવસ ની સવાર કંકુવરણી થઇ ને ઉગી. જોશી સાહેબના ઘર પાછળનો ગુલમહોર ખીલી ઉઠ્યો.

– રીતેશ મોકાસણા

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત અને કલમ ચલાવવાનો આનંદ. લખવાનો તેમનો પ્રયત્ન આજે ફરી એક વાર આપણી સાથે તેઓ વહેંચી રહ્યા છે. આ પહેલા અક્ષરનદ પર તેમની એક વાર્તા આવી ચૂકી છે. આજની તેમની કૃતિ વર્ણવે છે એક યુવતીની વાતને, એક ઉંમરલાયક – જેલમાં જ જીવન વીતાવીને વૃદ્ધત્વ પામેલી વૃદ્ધાની લાગણીઓ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.

બિલિપત્ર

શંકા એક જ એવો ભાવ છે જે માણસને નવું શીખવા, નવું જાણવા પ્રેરીત કરે છે. લોકો કહે છે સમય બધું શીખવી દે છે – સમય કશું શીખવતો નથી, સમયની સાથે ચાલવાની લ્હાયમાં આપણે શીખતા જઈએ છીએ. અને એ કદમતાલમાં પાછળ પડી ગયેલાઓને ઘરડાં કહીએ છીએ – ઘરડાપણાંને અને ઉંમરને કોઈ વાસ્તવિક સંબંધ નથી.

વિચાર વસ્તાર…. – જિજ્ઞેશ અધ્યારૂ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 thoughts on “તનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા