હું અંધકાર : એક રહસ્ય – ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5


હા, હું અંધકાર છું. મને સદીઓથી નકારાત્મક ભાવનાઓના પ્રતિરૂપે જ નવાજવામાં આવે છે. શાસ્ત્રોએ મારાથી દૂર ભાગવાની વાત કહી છે, પ્રભુ પાસે પણ એવી જ પ્રાર્થનાઓ કરવામાં આવે છે કે હે પ્રભુ, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. મારી તરફ તો કોઈ જોવા – આવવા જ માંગતુ નથી. જાણે કે હું અનાથ, બધાની અનિચ્છાઓ છતાં કોણ જાણે ક્યાંથી અહીં ટપકી પડ્યો. કોઈ મને અપનાવવા જ નથી માંગતું પણ હું ન અનાથ છું ન ખોટો. હું તો અનાદિકાળ છું, હું કદી જનમ્યો નથી કે કદી મર્યો નથી. જ્યારે કાંઈ નહોતું ત્યારે પણ હું હતો અને જ્યારે કાંઈ નહીં હોય ત્યારે પણ મારૂ અસ્તિત્વ તો હશે જ.

મને જ્ઞાનીઓ નિરાશા, દુઃખ, કષ્ટ અને અજ્ઞાનનું પ્રતીક કહે છે. હું ક્યારેય કોઈના માટે અવરોધ બન્યો, ન મેં જ્ઞાનીઓના જ્ઞાનમાં કોઈ ખલેલ પહોંચાડી. જો મારી હાજરીમાં કોઈને કશું ન દેખાઈ શક્તું હોય તો તેમાં મારો શો વાંક? ભરબપોરે સૂરજના અજવાળામાં પણ સૂરજને કોણ જોઈ શકે છે? મેં કોઈનું શું ખરાબ કર્યું છે કે લોકો મારાથી સદાય દૂર ભાગવાનો પ્રયત્ન કરતા રહે છે? લોકો ભૂલી જાય છે કે અંધકાર અને અજવાળું એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યાં દિવસ છે ત્યાં રાત છે, જ્યાં સવાર છે ત્યાં સાંજ પણ છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન પણ છે.

જે રીતે અંધકારથી પ્રકાશ તરફની યાત્રા હોય છે તે જ રીતે પ્રકાશથી અંધકાર તરફની પણ એક યાત્રા હોય છે. પ્રકાશની હાજરીમાં શ્રમથી હારી થાકીને લોકોને હું જ મારા ખોળામાં પ્રેમથી નિંદ્રાપાન કરાવું છું અને બીજા દિવસે પ્રકાશની દસ્તકથી ફરી પોતપોતાના રોજીંદા કાર્યોમાં મચી પડે છે. જીવનમાં જેટલી શ્રમની જરૂરત છે એટલી જ વિશ્રામની પણ છે. ભલે લોકો કહે કે અંધકાર તેમને નિષ્ક્રિય બનાવી દે છે, પરંતુ મનુષ્ય જ્યારે શ્રમથી નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે તેને નિંદ્રામાં પોઢાડીને હું જ તેને ફરી નવી ઉર્જા ભરી આપું છું, જેથી તે ફરી સક્રિય બને. અજવાળું બધી ઉર્જા પચાવી જાણે છે – લોકોને સક્રિય રાખીને, અને હું નિષ્ક્રિય થયેલાઓમાં નવી ઉર્જાનો સંચાર કરું છું, તેમને ફરી સક્રિય થવામાં મદદ કરું છું. મનુષ્યનું પોતાની મેળે જ ગાઢ અંધકારમાં ઉતરવું અને તેમાં ડૂબવાનું નામ જ નિંદ્રા છે અને આ નિંદ્રાના અંધકારમાં ડૂબ્યા વગરનો મનુષ્ય કઈ રીતે જીવીત રહેશે? જે રોજ રાત્રે નિશ્ચિંત થઈને આ અંધકારમાં ડૂબી જાય ચે તે પૃથ્વી પર સૌથી વધુ સુખી મનાય છે; દરેક પ્રાણીની યાત્રા અજવાળાથી અંધકાર તરફની હોય છે, જ્યાં પહોંચીને આપણને પરમ સુખની પ્રાપ્તિ થાય છે, જે આ અંધકારમાં ડૂબવાના સુખથી વંચિત રહી જાય છે તે માનસિક સંતુલન સુધ્ધાં ખોઈ બેસે એવી સંભાવના હોય છે. પછી ડોક્ટરોએ આપેલી દવાઓ ખાઈ ખાઈને આ અંધકાર તરફની યાત્રાને – નિંદ્રાને પામવાનો યત્ન કર્યા કરે છે.

હંમેશા અંધારાથી ડરવું – એવું આપણને શીખવવામાં આવે છે. બાળકોને અંધારાથી, ભગવાનથી ડરાવવામાં આવે છે અને પછી તેઓ જીવનભર ડર્યા જ કરે છે. ત્યાં સુધી કે મોટેરાંઓ પણ એકલા જંગલ કે ઝાડીઓના અંધકારમાં જતાં ડરે છે.

કુદરતનો વાંક કહું કે રીત – મારો રંગ કાળો છે અને સ્વભાવ તદ્દન શાંત, અજવાળુ રંગથી સફેદ અને સ્વભાવથી તેજ હોય છે. મને તો નામ જ કેવું મળ્યું છે – અંધારુ, અંધકાર જાણે હું દ્રષ્ટિહીન હોઉં, પણ હું જે જોઈ શકું છું તે તો અજવાળું પણ નથી જોઈ શક્તું. અને મારી દ્રષ્ટિ સુધી તો અજવાળાની નજર પણ નથી પહોંચી શક્તી. મારી નજરે સૂરદાસે જે જોયું એ તો અજવાળાની નજર વાળા કોઈ જોઈ શક્યા નહોતા.

દાર્શનિકો – ચિંતકોને હું દેખાયો જ નથી. મારું અસ્તિત્વ જ સ્વીકારવામાં આવ્યું નથી. ન મને સાત કે સોળ પદાર્થોમાં સ્વીકારવામાં આવ્યો, ન પાંચ પચ્ચીસ તત્વોમાં. ક્યાંય મારું નામોનિશાન નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મનની સત્તાઓનો સ્વીકાર કરીને તેના લક્ષણ વર્ણવાયા, પરંતુ કોઈએ સવાલ ન ઉઠાવ્યો કે અંધકારને પણ દસમું દ્રવ્ય માનવું જોઈએ. તેને પણ રંગ રૂપ છે, તેનામાં ગતિ દેખાય છે તો એમ કહીને એ વાતને ઉડાવી દેવાઈ કે મારું અસ્તિત્વ પ્રકાશનો અભાવમાત્ર છે, તેને કોઈ રંગ રૂપ નથી, રંગ રૂપ જોવા માટે તો પ્રકાશની જરૂરત પડે, અને અંધકારને જોવા માટે જેમ પ્રકાશની નજીક લઈ જાવ અતેમ તે ગાયબ થઈ જાય છે, તેનામાં જે ગતિ દેખાય છે તે તો પ્રકાશનું માત્ર અપસરણ છે તેમ કહેવામાઁ આવ્યું.

મને સમજાતું નથી કે જો હું છું જ નહીં – મારું અસ્તિત્વ જ નથી તો મને નામ કેમ આપવામાં આવ્યું? અતિશય વિચિત્ર વાત છે કે જો હું છું જ નહીં તો શાસ્ત્રોમાં લોકો કેમ કાકલૂદીઓ કરે છે કે “હે પ્રભુ, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ” જ્યાં અંધકાર છે ત્યાં સવાર પણ છે જ, અને જ્યાં સવાર છે ત્યાં ફરી અંધકાર થવાનો જ છે. અંધકાર તો વિશ્રામ છે, અજવાળાના શ્રમથી થાકેલો મુસાફર અંધારાના ઘેરાતાં ઘેરાતાં અહીં તહીં ગમે ત્યાં પોતાનો વસવાટ શોધી જ લે છે, રાત્રીનો વિશ્રામ.

મને ચિંતકો અને જ્ઞાનીઓ પર હસવું આવે છે, જે છે જ નહીં તેને આકાશ નામ આપવામાં આવ્યું, તેને શબ્દ ગુણવાળું કહેવામાં આવ્યું, અરે જેને જોઈ શકાતો નથી તેવા આત્માની સત્તાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. જીવાત્મા અને પરમાત્માના ભેદ અને લક્ષણ પણ આપ્યા. કંઈ નહીં તો મને કાળ અને દિશાઓની જેમ વ્યવહારીક જ્ઞાન માટે જ સ્વીકાર કરી લીધું હોત તો તેમનું શું બગડી જવાનું હતું?

બધે અજવાળાની બોલબાલા છે, લોકો ઉગતા સૂર્યને પૂજે છે, અજવાળાની જ પૂજા અર્ચના, કોઈ માને કે ન માને પણ મારી ય સત્તા તો છે જ, મારું પણ સામ્રાજ્ય છે જેના લીધે શું નું શું થઈ શકે છે, દોરીમાં સર્પ, ઝાડ પાન કે અન્ય આકૃતિઓમાં ભૂતપ્રેત પણ દેખાઈ જાય છે અને લોકો ભાગી જાય છે. જો હું હોત જ નહીં તો તેમને જે છે તે જ દેખાયું હોત. માત્ર હું જ નહીં, અજવાળું પણ ભ્રમ અને અજ્ઞાન ઉત્પન્ન કરે છે. ભરબપોરે નદી સમુદ્ર કિનારે સીપમાં ચાંદી દેખાય છે, રસ્તામાં પડેલી પીતળ જેવી ધાતુઓ સોના જેવી દેખાય છે અને કોઈ જોઈ ન જાય એ માટે તેમને ચોરીથી ખિસ્સામાં મૂકી દેવાય છે અને પછી એકલામાં જુએ ત્યારે ખબર પડે છે કે તે સોનું-ચાંદી નહીં, તાંબુ-પીતળ છે.

હા, હું છું, સર્વત્ર છું, જ્યારે અજવાળું આ પાર છે તો હું પેલે પાર છું; અને જ્યારે તે પેલે પાર છે ત્યારે હું આ પાર છું. દીવાની નીચે છુપાઈને જ હું બેસું છું, દીવા તળે અંધારુ કહેવત એમ જ નથી બની, અને એમાં ખરાબ પણ શું છે? દીવા નીચે અજવાળુ કરો તો અંધકાર ઉપર જતો રહેશે. પુસ્તકોના હાંસિયે, ઘર મકાનોના ખૂણાઓમાં, ગલીઓના કિનારે – જ્યાં જગ્યા મળે ત્યાં હું છુપાઈને બેસી જઉં છું. હું કોઈ ચોર નથી પણ મારી નિયતિ જ એ છે કે હું રહસ્ય છું, એકદમ આત્મા પરમાત્માની જેમ. તમે રોશનીને મુઠ્ઠીમાં કેદ કરી શકો છો, મને નહીં, હું તો મારી મરજીનો માલિક.

* * * * *

અંધકારના વસ્ત્રો –

મેં વસ્ત્રોની જેમ અજવાળાને કાતરથી કાપીને તેમાંથી વસ્ત્રો બનાવવા ઈચ્છ્યા. અજવાળું તો આંખો બતાવીને ગુસ્સો કરીને ઉભું રહી ગયું, અકળાઈને, અને ડરના માર્યા મારા તો છક્કા છૂટી ગયા. પછી મે અંધકારને ધીરેથી પકડીને કાતરથી કાપી લીધો, મારા માપના વસ્ત્રો સીવી ને પહેરી લીધા.

હવે એ અંધકારના વસ્ત્રો મને ઢાંકી લે છે – બચાવે છે તડકાથી, ધૂળથી, શરદીથી અને વરસાદથી – અંધકારના વસ્ત્રો.

– ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

શ્રી ગોપાલ સહર ભીલવાડા, રાજસ્થાનના વતની છે, સુખડીયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી એમ.એ અને પીએચ.ડી કર્યા પછી તેઓ કપડવંજની શાહ કે. એસ. આર્ટ્સ અને વી. એમ. પારેખ કોમર્સ કોલેજમાં આચાર્ય છે. રાજસ્થાન સાહિત્ય અકાદમી, ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સંગમ, આંતરરાષ્ટ્રીય હિન્દી સમિતિ ન્યૂયોર્ક વગેરે દ્વારા તેમને અનેક પુરસ્કારો પ્રદાન થાય છે. તેમની કેટલીક વાર્તાઓનો મરાઠીમાં અનુવાદ પણ થયો છે, ઉપરાંત વિકલ્પ (હિન્દી પાક્ષિક), સ્પેક્ટ્રમ (શોધ પત્રિકા) તથા દિવ્યભાસ્કર (ગુજરાતી દૈનિક) વગેરેમાં પત્રકાર તરીકે તેમણે કાર્ય કર્યું છે.

અંધકાર સામાન્ય રીતે પ્રકાશનો વિરોધી લેખાય છે, પરંતુ પ્રકાશને અંધકારનો વિરોધી લેખાવો ન જોઈએ? આમ તો વાત સામાન્ય છે, પરંતુ વિચારમંથનને અંતે ખ્યાલ આવે કે તે દેખાય એટલી સામાન્ય નથી. અસફળતા, નૈરાશ્ય, લક્ષ્યહીનતા, પરાજય, હતાશા કે દીશાહીનતાને અંધકાર લેખવામાં આવે છે, પરંતુ એ અંધકારને અંતે જ પ્રકાશ મળે છે એ અર્થમાં એ હકારાત્મક ઉર્જા છે. સર્જકને પોતાનો અંધકાર હોય છે જેમાં તે કલ્પનાની નૅગેટીવને, તેની ધૂંધળી છબીને આકાર અને નામ આપે છે, કર્તુત્વ આપે છે એ અર્થમાં અંધકાર સર્જનની પ્રેરણા છે, પ્રેરક ઉર્જા છે. છતાં અંધકાર આપણા સૌ માટે નકારાત્મક વિભાવનાનો પરિચાયક છે. એ જ વાતને કેન્દ્રમાં રાખીને અંધકારના પક્ષેથી માનવજાતને વિવિધ વાત કહેવાનો આ સંકલન એક અનોખો અને સબળ પ્રયાસ છે.

જેમ મૃત્યુ જીવનને પ્રતિષ્ઠિત કરે છે તેમ અંધકાર પ્રકાશને – શ્રી ગોપાલ સહર તેમના પુસ્તક “अंधेरे में चुपके से चांद” દ્વારા અંધકારનો પક્ષ મૂકે છે, પરંતુ એ તો ફક્ત પુસ્તકનો બાહ્ય પરિચય છે, આ પુસ્તક દ્વારા તેઓ માનવીય સંવેદના, સ્મૃતિ અને સ્વપ્નોને પ્રતિષ્ઠાપિત કરે છે. સર્જનના ક્ષેત્રમાં અભિવ્યક્તિનું આ અનોખું સ્વરૂપ છે તો એક ગદ્ય કવિતા તરીકે પણ શ્રી ગોપાલ સહરની પ્રસ્તુત રચનાઓનું સ્વાગત થવું જોઈએ. અક્ષરનાદને પ્રસ્તુત પુસ્તક ભેટ આપવા બદલ અને આ રચનાઓનો અનુવાદ કરી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “હું અંધકાર : એક રહસ્ય – ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

 • Heena Parekh

  અંધકારને મોટેભાગે આપણે નકારાત્મકતા સાથે સાંકળતા હોઈએ છીએ. પણ લેખકે અંધકારની બીજી બાજુને ઉજળી કરીને ખૂબ જ સરસ રીતે આપણી સમક્ષ મૂકી છે. અને માત્ર આ એક લેખ જ નહીં પણ આખું પુસ્તક તેમણે આ વિષય પર લખ્યું છે. જિજ્ઞેશભાઈ આપે અનુવાદ ખૂબ જ સુંદર કર્યો છે. આપને અભિનંદન અને “સહર”ને પણ મારા અભિનંદન.

  આ લેખ હિન્દીમાં મારી સાઈટ પર મૂકવામાં આવ્યો છે. જેની લીંક આ મુજબ છે.
  http://heenaparekh.com/2012/03/06/main-andhera/

 • Jagdish Joshi

  મીડીયામાં પણ નકારાત્મકતાને સૌ આવી રીતે સકારાત્મક ભાવથી જોતા હોત અને વર્ણવતા હોત તો ફક્ત અપરાધોની ભરમારના બદલે શાંતિ જોવા મળત. સરસ અનુવાદ, આભિનંદન

 • hardik yagnik

  પપ્પાની ટ્રાન્સફર થવાથી કપડવ્ંજની સાયન્સ કોલેજમાં ભણ્યો હતો.શ્રી ગોપાલ સહરજીની કોલેજ પણ આજ બીલ્ડીગમાં છે તેમને મળવાનુ પણ થયેલ પણ આટલા સરસ લેખક તરીખે તેમની છબી ઉભરી ન હતી. ખરેખર એક લેખક તરીખે મારા ગોપાલ સહરજીને સો સો નમન્…

 • Harshad Dave

  ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા …અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા …સકારાત્મક વિચારો જીવનમાં વિધેયક અભિગમ તરફ લઇ જાય છે.પ્રસ્તુત પુસ્તક પણ તેવું જ છે.
  ‘અક્ષરનાદ’ જેવી હિન્દીમાં કોઈ વેબસાઈટ છે? પ્રસ્તુત પુસ્તક હિન્દીમાં છે કે ગુજરાતીમાં…માત્ર અનુવાદને પ્રાધાન્ય આપતી ગુજરાતી / હિન્દી વેબસાઈટ્સ વિષે માહિતી મળી શકે/કોઈ આપી શકે? આભાર. – હદ.

  • AksharNaad.com Post author

   પ્રિય હર્ષદભાઈ,

   પ્રસ્તુત પુસ્તક હિન્દીમાં છે, એના એક પ્રકરણનો મેં અત્રે અનુવાદ કર્યો છે.

   હિન્દીમાં ગુજરાતીથી ક્યાંય વધુ વિષયવૈવિધ્ય ધરાવતા અને સંખ્યામાં પણ ખૂબ વધારે આ જ પ્રકારના બ્લોગ્સ / વેબસાઈટ છે. હિન્દીના મને ગમતા કેટલાક બ્લોગ્સ / વેબસાઈટ્સનો પરિચય આપવાનો મારો નાનકડો પ્રયત્ન પ્રસ્તુત કડી પર ક્લિક કરીને આપ જોઈ શક્શો. – http://aksharnaad.com/2010/03/06/some-good-hindi-webs

   આભાર.