અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી 3


તને ભિખારી શાને આપવું? દાખવી દયા
શાને તારા સમા લાખો તણી આળસ પોષવી?
કોટિ કોટિ મનુષ્યોની કતારો રાંકડી અહીં,
આઠે ફોર બની માત્ર પશુ અંગાંગ તોડતી;
તે છતાં પામતી ખાવા અન્ન ના પેટ પૂરતું;
તેને ઉવેખીને શાને ભિખારીને કશું દઉઁ?

બેસીને બસમાં જાતો હતો ત્યાં દીઠી મેં તને,
ને રહ્યો આમ રોષેથી ભરી મારા હું ચિત્તને.

પણ ત્યાં દીઠું મેં તારી કેડે શિશુ વિરાજતું,
તારા જેવું જ ગંદુ ને ફળ તારી જ વેલનું;
અમારી જ્યાં મળી આંખો, હસી એ સહસા પડ્યું,
ને એ હાસ્ય ઉરે મારા ભાવ ઊંડા જગાડતું,
દૂર દૂર વસ્યાં મારાંનું મને સ્મિત સાંભર્યું,
ને ન’તું આપવું તોયે અપાઈ મુજથી ગયું.

(‘અભિસાર’ કાવ્યસંગ્રહમાંથી સાભાર)

કવિ શ્રી મનસુખલાલ ઝવેરીનો જન્મ જામનગરમાં, પણ કર્મભૂમી મુંબઈ. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. ફૂલદોલ, આરાધના, અભિસાર, અનુભૂતિ, ડૂમો ઓગળ્યો વગેરે કાવ્યસંગ્રહો તેમણે આપણને આપ્યા છે. આ ઉપરાંત વિશાળ માત્રામાં વિવેચનકાર્ય સમાવતા ગ્રંથો, પ્રવાસવર્ણન, ભાષા-વ્યાકરણને લગતા પુસ્તકો, વ્યક્તિચિત્રો તથા સંસ્કૃતમાંથી અનુવાદો પણ તેમણે ગુર્જરીને ભેટ ધર્યા છે.

એક નાનકડી ક્ષણમાંજ કવિહ્રદયને મળેલી અનુભૂતિની સુંદર વાત પ્રસ્તુત સોનેટ બખૂબી વર્ણવે છે. લાખો લોકો મહેનતના જોરે – મજૂરી દ્વારા પોતાના પેટની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરે છે અને ઘણાંય તે છતાં સફળ થતાં નથી, જ્યારે સામે પક્ષે ભિખારીઓ સમાજ માટે ભારરૂપ છે – વગર મહેનતે પ્રાપ્ત કરવાની લાલસા તેમને આવું કાર્ય કરાવે છે. એટલે કવિ ભિખારીની દયા ખાતા નથી, તેના વિકારને – આળસને તેઓ પોષવા માંગતા નથી. પણ ભિખારણની કાંખમાં બેઠેલ પેલા નિર્દોષ અબૂધ બાળકની સામે તેમનાથી જોવાઈ જાય છે ત્યારે એ બાળકે આપેલા નિર્ભેળ સ્મિતે તેઓ પીગળી જાય છે – અને ભીખ ન આપવી હોવા છતાં અપાઈ જાય છે એ અર્થનું સુંદર કાવ્ય કવિએ સર્જ્યું છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી

  • રમેશ સરવૈયા

    સાચી વાત છે. કયારેક બુધ્ધી કાઇક વિચારતી હોય અને અંતર ની લાગણીઓ કંઇ ઓર હોયછે.
    ખુબજ સુંદર રચના માણવા મળી અક્ષરનાદ નો ખુબ ખુબ આભાર
    રમેશ સરવૈયા

  • PRAFUL SHAH

    VERY NICE PROBLEM PREVAILING IN OUR NATION. ONE CAN NOT SURE TO HELP OR NOT? AND WHEN? BUT SMALL SONET IS A WAY OUT, BUT NOT A REPLY TO OUR PROBLEM OF BHIKHARI AND DONATION OR HELP. TO ME HAVE NOTS PROBLEM CAN BE SOLVED BY ONLY PERSONS WITH HAVE , BUT THERE IS NO LIMIT ONE CAN FIX FOR HIS HAVE. SO WAY OUT IS NOT SOLVED. GOVT-RELIGION-SAMAJ CANNOT SOLVE ONLY A MAN AND HIS CONCIOUS WILL WORK, IS MY COMMON UNDERSTANDING, MAN WILL OPEN PURSE WHEN HE HAS SENCE TO HELP OTHERS. PAR HITE RATA..AN IDEA TO HELP OTHERS IF HE HAS ..OR RICH OR POOR. JUST HELP .