બે પદ્યરચનાઓ – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 1


૧. દોસ્ત …

જીવનની આ જ તો રફતાર છે દોસ્ત
સ્વાર્થ વિના કોણ તરફદાર છે દોસ્ત

પાણીના પરપોટાને પૃથ્વી ના માન
તોયે કહેવું પડે, સમઝદાર છે દોસ્ત

બાંગ ફૂંકી છે, એટલી બંદગી તો કર
નમાઝી નથી ને ખબરદાર છે દોસ્ત

બદલાથી બગલો ભયો રૂપ રંગ ઢંગ
દુશ્મન જ સાચો શિરસ્તેદાર છે દોસ્ત

આકાશનો પનો ટૂંકો નથી માપો નહી
જે મઝાનો છે તે જ મઝેદાર છે દોસ્ત

રસમંજન યુવાની ને પાઘડીમાં રાખો
અમે પણ એ પંથે, દેવાદાર છે દોસ્ત
(૧૬-૩-૧૨)

૨. પોતાનો પવન – પોતાનો પતંગ…!

તું ઉડવા માટે સર્જાયો હું મરવા માટે સર્જાયો
ઉડ પતંગ આકાશમાં, તારો બીજો રંગ નથી

પંજામાં તું ડાહ્યો ડમરો છૂટો પડે ને ભમરો છે
રંગ ભૂલે તું સંગ ભૂલે, તારો બીજો ઢંગ નથી

દોરો મળે -ડોળો ફરે, ફાવટ જોઈને ફેણ ચઢે
પવન મળે ત્યાં ફેલાયો સારો કોઈ સંગ નથી

હસ્તીને મસ્તી હોય, પણ ફાવટે ફેણ ના હોય
ઉડાન ભલે સારી હોય આખરી સત્સંગ નથી

લોભ-માયા-મત્સરની, કન્ના તોડી આવી જા
આભ એ ધરતી નથી ધરતી જેવો સંગ નથી

ધાબે ચઢે ને મસ્ત છે પછી તું અસ્તવ્યસ્ત છે
ભર દોરીથી તૂટ્યા પછી કોઈ રંગતરંગ નથી

પતંગ મારો પવન મારો દોર મારી આવી જા
રસમંજન સત્ય આજ છે બીજામાં તો ઢંગ નથી
(ઉતરાયણ તા, ૧૪-૧-૧૨)

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’

મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક ‘આનંદદ્વાર’ પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો – સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. તેઓ કાવ્ય રચના પણ કરે છે. આજે પ્રસ્તુત છે તેમની જ બે પદ્ય રચનાઓ. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “બે પદ્યરચનાઓ – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’

  • dhaval soni

    વાહ રમેશભાઇ, ખરેખર કાબિલેદાદ રચનાઓ છે….

    દોરો મળે-ડોળો ફરે, ફાવટ જોઇને ફેણ ચઢે.
    પવન મળે ત્યાં ફેલાયો સારો કોઈ સંગ નથી…

    આ શેર વાંચીને એવું નથી લાગતું કે માત્ર પતંગને અનુલક્ષીને લખાયો છે…આપણી આજુબાજુમાં પણ પતંગ જેવા ઘણા માણસો જોવા મળી જ જાય છે ને, જે સમય પારખીને ગરજના પવનમાં પોતાની જ થાળીમાં છેદ કરતા હોય છે…!

    કેટલી સીફતતાથી રમેશભાઈ કેવી સરસ વાત કહી જાય છે કે પંજામાંથી પતંગ છૂટો પડે ને ભમરો બની જાય છે,માણસ પણ પૈસો અને પાવર આવતા જ રંગ અને સંગ બધું ભૂલી જાય છે પણ આખરે એણે આવવું તો ધરતી પર જ પડે છે,ભલે ને એ કેટલો પણ હવામાં કેમ ના ઉડતો હોય-પેલા પતંગની માફક જ !