દીકરા ! – જગદીપ ઉપાધ્યાય 13


મારા અંગ અંગે જળ ઝારીને, ખંડની વચોવચ છાણ-મૂત્રનો ચોકો પૂરેલી જગ્યામાં ઉત્તરમાં માથું રાખીને, મને સૂવડાવવામાં આવ્યો હતો. મારા શ્વાસો પ્રભાતના કિરણોમાં ફેરવાઈ રહ્યા હતાં. મારા પોપચા પર ફૂલોનો ઝાકળભીનો ભાર વર્તાઈ રહ્યો હતો. કોઈ અદ્રશ્ય હૂંફાળા હાથો લીલા રૂમાલથી મારો પડછાયો ભૂંસી રહ્યા હતાં.

વિધિમાં વ્યસ્ત અમૃતફુઆ મારા શરીરે ચંદનનો લેપ લગાડીને બોલ્યા, ‘નવું વસ્ત્ર લાવજો.’ નાનો ઉતાવળે બાજુના ખંડના બારણા પાસે ગયો. નાનાને તેની વહુએ અંબાવેલું નવું વસ્ત્ર અમૃત ફુઆએ મને પહેરાવ્યું. મારા પગના અંગૂઠાને સૂતરથી બાંધ્યા. પછી બે જણના ટેકાથી મને વાંસની અનામી પર મૂક્યો. બાજુમાં લીલો દર્ભ રાખ્યો. ‘હવે પિંડ જોઈશે…’ નાનાને તેની વહુએ રસોડામાંથી પિંડ અંબાવ્યા.

આ બધી ક્રિયા દરમ્યાન ફક્ત નાનો જ દોડા દોડી કરતો હતો. મોટો તો જાણે કાંઈ સ્નાનસૂતક ન હોય તેમ ઘરના એક ખૂણામાં એક પગ લબાવી બીજો વાળી, ઘૂંટણને બે હાથથી પકડીને બેઠો હતો અને અવારનવાર સ્વજનને ‘જયશ્રી કૃષ્ણ’ કહેવાનુંય ટાળતો હતો. તેનું ભીતર સૂકાઈને શુષ્ક ખારોપાટ બની ગયું હતું. એ ઉપર જમીનમાં કાંઈ લીલું હોય તો એ હતી સુગંધ વિહીન એક-બે આવળો. નોખો થયા પછી આજ પહેલી વાર, એય તે આવવું પડ્યું એટલે મારી પાસે આવ્યો હતો.

મને કોરા, ઉજળા સુતરાઉ વસ્ત્રથી ઢાંકવામાં આવ્યો. મને બાંધવા નાનાએ સામગ્રીની થેલીમાંથી રેશમી સૂતરનો દડો કાઢ્યો. ખરેખર ! નાનાએ મને રેશમના તાંતણે બાંધ્યો હતો. કેટકેટલી મારી સેવા કરી ! નાનો તો મારા આયખાને કાંઠે ખળખળ વહેતું ઝરણું હતો. નાનાની વહુ પણ કેવી ? મને દૂધે રાંધીને જમાડ્યો. મને અછો અછો વાના કર્યા. ઉંમરને કારણે મારી કેવી નાની મોટી તકલીફો ? પણ મોઠામાંથી મોળુ વેણ નહીં ! અને મોટાની વહુ ? ઉંહ… ! ક્યાં આ સુગંધિત છાંયડો દેતી બટમોગરાની વેલ ને ક્યાં એ દૂધની વાડકીમાં સદાય વિષ ઘૂંટતી થોરની ડાળી ! ક્યાં આ વાસંતી લહેરખી ને ક્યાં એ વૈશાખી લૂ ! જવા દો વાત !

મારી ઉપર અને આસપાસ સુગંધી ફૂળો મૂકાયા. અત્તર અને ગુલાબજળ છંટાયા. અબીર અને ગુલાલ વેરાયા. મોટા સિવાયના કુટુંબીઓએ મારી પ્રદક્ષિણા કરી, મારા પગ પાસે પુષ્પો મૂકી, મને વંદન કર્યા. ઘરમાં શૂન્યતા ધીમું બોલતી હતી, ખીંટીએ ઉદાસી મૂંગુ લટકતી હતી. બાજુના ખંડમાંથી સ્ત્રીઓના દબાયેલા ડૂસકાંનો અવાજ આવતો હતો. બધી જ તૈયારી થઈ ચૂકી હતી.

બારીમાંથી મંદ મંદ આવતો પવન મને તેડા સંભળાવતો હતો. જાણીતા અને અજાણ્યા સ્વજનો ફળીમાં એકઠાં થયા હતા. આજે માણસો માટીના, અગ્નિના, વાયુના, વ્યોમ કે જળના નહીં પણ ઝાકળના પર્યાય લાગતા હતાં. દીવાલો ઓગળતી જતી હતી અને છત ફેલાતી જતી હતી. આજે કોઈ સાંકળ નહોતી. હું ઘર મટીને શેરી અને નગર બનતો જતો હતો. બાજોઠ પર બળતા ઘીના દીવાનો પ્રકાશ ચાળણીમાંથી નીકળીને અનેક જળમળ દીવાઓમાં ફેરવાઈ જઈ દૂર દૂરના મારગમાં પથરાતો જતો હતો. અજવાળા આઘે નહોતા, રોકાવા કોઈ કારણો નહોતા છતાં મન આખરી પળના દિલાસા સાંભળવા કરતું હતું. મારે જેની સાથે બનતું નહોતું એ ઓધવજી પણ હાથમાં હાથના આંગળા પરોવી વિવેકી થઈને ઉભો હતો. આંગણાની ચમેલીના ફૂળો તો ઠીક, આજે કાગળનાય ફૂલો મહેકતા હતાં.

એકમાત્ર જેની રાહ જોવાઈ રહી હતી તે મારી એકની એક દીકરી દરવાજે આવી પહોંચી. તેણીએ દાબી રાખેલું રુદન ઓસરી આવતા સુધીમાં તો છૂટી ગયું. ‘ઓ.. બાપા!’ કહેતા તેનો સાદ ફાટી ગયો. વજી ફઈએ તેને બાથમાં લીધી. ‘આમ જો… છાની રહી જા બેટા ! કહું છું … છાની રહી જા …’ કહેતા તેઓ ગળગળા થઈ ગયા ને આંસુ ખાળતા બોલ્યા, ‘જો રોવાય નહીં બેટા ! એ… બાપા તો લીલી વાડી મૂકીને ગયા છે. બાપા તનેય કેટલું બધું આપવાનું કહીને ગયા છે.’

‘મારે કંઈ નથી જોઈતું…, બાપા… બાપા… ! તમે મારી રાહ કેમ ન જોઈ ? મારે એક વાર તમારે માથે હાથ ફેરવવો હતો. દીકરીના વેણે કંઈકની છાતીની ભીંતો ભેદી નાંખી. મારી પાસે બેઠેલા અમૃતફુવાએ નરમ અવાજે કહ્યું, ‘આંસુ ન પડાય દીકરી ! બાપાનો આત્મા દુઃખી થાય.’ તેમણે કરેલા સંકેત મુજબ વજી ફઈ દીકરીને મારી પાસે લઈ આવ્યા. અમૃતફુઆ મારા મુખ પરનું વસ્ત્ર હટાવતા બોલ્યા, ‘ફેરવી લે દીકરી ! બાપાને માથે હાથ ફેરવી લે !’ દીકરીએ મારા કપાળે વ્હાલસોયો હાથ મૂક્યો. એક ભીના વાદળાએ પર્વતના નિર્જીવ ખોબામાં ઝરમર ઝરમર ફોરું ભરી દીધું જાણે ! જાણે એક શીતળ ઝાકળના ઝૂમખાંએ સૂક્કા ઠૂઠાંને લીલવી દીધું. દીકરીની આંખનું એક આંસુ મારા ગાલ પર પડ્યું. મને થયું, થોડી ઉતાવળ થઈ ગઈ, નહીં તો ગળે અટકત એ ડૂમાને ખંખેરી, દીકરીના ગદગદ કંઠે થોડું હેતથી બોલાવી લેત હીબકાં લેતી દીકરીને વજી ફઈ બાજુના ઓરડામાં લઈ ગયાં. ધડીભર એ ઓરડાની ભીંતો પરથી રૂદનની સરવાણી ફૂટી નીકળી.

હું છેલ્લી વાર બારી, બાર ને ઓસરી જોતો હતો. થાંભલીઓમાં કોતરાયેલા મારી ઈચ્છાના શિલાલેખ વાંચતો હતો. ને સદગત ઘટનાઓના સંદર્ભમાં મૂલવતો હતો. અમૃતફુઆએ બધા સાંભળે એમ કહ્યું, ‘એ… કોઈ રડતાં નહીં ! બાપા તો પુણ્યશાળી જીવ હતા. ભાગ્યશાળી થઈ ગયા. સૌ કોઈ ધૂન ગાઓ અને ઘરના હો એ કાંધ દેવા આવી જાવ. કાનજી ભગતે, ‘શ્રી રામ જય રામ જય જય રામ… !’ ની ધૂન ઉપાડી. આ દરમ્યાન મોટો સિફતથી ઓરડાની બહાર નીકળી જઈ દરવાજાની બહાર શેરીમાં ઉભેલા છેલ્લા બે ચાર જણના ટોળામાં ભળી ગયો. નાનો અને બે કુટુંબીઓ અંદર આવ્યા. એક જણ ઘટ્યો. અમૃત ફુઆ મોટાને બૂમ પાડવા જાય તે પહેલા મારા જિગરી લંગોટિયા નટાએ મને કાંધે લઈ મારો છેલ્લો પ્રસંગ સાચવી લીધો. આમેય નટાએ મારા જીવનમાં કયા પ્રસંગો નહોતા સાચવ્યા ! એના ઝાડ પાસે નહોતા એવા છાંયડાય મને આપેલા ! મારા અવસર ફિક્કા ન પડે એટલા માટે હંમેશા બે-ચાર પતંગિયા લઈને એ ઉભો રહેતો.

નટાનું હૈયું ધડકતું ખભા સુધી આવી ગયું હતું. મનેય ધડકવાનું મન થઈ આવ્યું. મારી અંતિમયાત્રામાં ભળવા વચ્ચે ઉભી રહેલી સ્ત્રીઓ મને ભાવથી યાદ કરી આંખના આંસુને સુંવાળા પાલવથી લૂછતી હતી. આ જ તો ધરતીનું ગીત હતું. મંડપ લતાના, ક્ષીર ઝરણા, અપ્સરા મોહક – શું શું નથી હોતું સ્વર્ગમાં ? નથી હોતું તો એક આંસુનું ટીપું. ક્યાં એ સ્થિર અને બંધીયાર લાગણીઓના બંધ અને ક્યાં આ વહેતા હૈયાં? ઈન્દ્ર મહારાજ મને ઈન્દ્રપુરીની ગલીઓમાં, સોનાની પાલખીઓમાં ફેરવે અને મારા પર સુંદર દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરે તોય આ રડતી ગલી અને નટા જેવા મિત્રોના સ્કંધ જોઈને એમ થાય કે સ્વર્ગ મારી ધરાની તોલે તો ન જ આવે ! સ્વર્ગમાં ઈષ્ટ ભોગોનો પ્રબંધ જરૂર હશે પણ નયન અને નેહના અનુબંધતો નહીં જ હોય. કદાચ દેવદૂતો મને મંદારના પુષ્પઆચ્છાદિત બગીચામાં લઈ જાય તો હું એને પૂછું, ‘પહેલા વરસાદમાં આવતી ધરતીની માટીની મધુગંધ ક્યાં? સ્વર્ગમાં માં મળે તો એય સુખી હોય, હું માંગું એ આપે, મારે વેન શાના કરવા? એ રાંક ઘરના લાડનો આજે નજરે તરતો સંબંધ સ્વર્ગમાં ક્યાંથી હોય ? અડાબીડ બીડમાં અમરફળથી લચેલા લીલા બાવળની કલ્પનાએ હું એટલો તો રોમાંચિત થઈ ગયો કે ઘડીભર મોટાનું દુઃખ ભૂલી ગયો.

પાછળ આવતી બાયું શેરીના નાકા સુધી આવીને ઉભી રહી ગઈ હતી. બાયુના વૃંદમાં મેં જોયું તો મારી દીકરીની આંખમાંથી ખરતાં હતાં સાચુકલા, પારદર્શક, ભીના ભીના મોતીઓ ! મોટાની વહુની આંખમાંથી તો ખરતી હતી રેતી ! શંખણી…. ! છાતી આડો હાથ રાખીને જોર જોરથી કેવા ધડીંગા લેતી હતી ! ડાકણ….! મારા મોટાને ખાઈ ગઈ ! એણે ઘરમાં પગ મૂક્યો તે દિવસથી છાપાની મરણનોંધમાં હું મારું નામ વાંચતો થઈ ગયેલો, રોજ ઉઠીને મારુ સ્નાન કરતો થઈ ગયેલો. બાગમાં સાંજના ઢળતા મારા પડછાયા પાસે મારો ખરખરો કરતો થઈ ગયેલો. દોણીમાંથી નીકળતો ધુમાડો મારા તરફ આવવા લાગ્યો હતો.

જેના સ્મરણોની ધૂળ આજેય તાજી હતી એ હુંફાળવી શેરીમાંથી હું ભરી ભાદરી એકલતા લઈને પસાર થયો હતો. ત્ર્યંબકેશ્વર મહાદેવનું એ પુરાણુ શિવાલય આવ્યું. પરણ્યા પછી પોતાની માને ડોશી કહીને સંબોધતા થઈ ગયેલા એ મોટાના કરમાઈ જતા નાનપણને ગોદાવરીએ અહીં વ્રત કરીને જીવાડેલું. જીવનની હર એક મુશ્કેલી ગોદાવરીએ હસતે મોઢે વેઠી લીધેલી પણ મને મોળો ન પડવા દીધો. જુઓને મારા પહેલા ચાલી ગઈ. આજેય તે મને હળવો રાખ્યો. મારા વિના એ શું કરત ! હાથ તો થાય પણ કંકણ ઓછા વૃદ્ધ થાય છે ? કેમ કરીને તોડત એ લાલ લીલા રંગના રણકારા ? કોની સાથે કરત બજર રંગના સંવાદો ? ખૂણાનો અંધાર એકલી કેમ કરીને ઓઢત ? દિવાલેથી પડું પડું મારી નોંધારી તસવીરને પોતાના ઓશિયાળા હાથોથી કેમ કરીને ચોડત ? આજે મારે છાતી હોત તો એ નક્કી ભરાઈ આવત.

ઉલટાવીને મારા પગને સ્મશાન બાજુ કરવામાં આવ્યા. એક બે નાળીયેર ફોડીને થોડી શેષના ટુકડા મારી પાસે મૂકવામાં આવ્યા. વધેલા ગૂંદી અને ગાંઠીયા કૂતરાઓને નાખવામાં આવ્યા. છેલ્લાવેલ્લો મને કુટુંબીઓએ ખભે લીધો. પણ હાથ દેવાય આવે તો એ મોટો શાનો ? ચિતાસ્થાનની બાજુમાં મને ઉતારવામાં આવ્યો. અનુભવીઓ સેવાભાવીઓની મદદથી ચિતાના લાકડા સરખા ગોઠવાવા લાગ્યા. મને ડર હતો એમ જ થયું, હું મોટાને ન ઓળખું ? સ્મશાનની પાળી પર એ અવળું મોં રાખીને બેઠો. આખી જિંદગી બેઠો હતો એમ જ – ‘મોટા ! કોબીના દડા પાસે પાંદડા હોય, કાંઈ ગોટલો થોડો હોય?’ મારી નજર સામેના વૃક્ષ પર ગઈ. ઝાડની ઘટાની ડાળીના માળામાં એક સુંદર પંખિણી ઈંડુ સેવતી હતી. મને પંખી બનીન જનમવાની ઈચ્છા થઈ આવી. કિલકિલાટ બસ કિલકિલાટ ! પળ પળ લીલા અવસર ! કોઈ જૂઠા વ્યવહાર નહીં. કોઈ દંભી સંબંધ નહીં, કોઈ બાપ નહીં, કોઈ દીકરો નહીં ! કોઈ તાણ નહીં, કોઈ ખેંચાણ નહીં ! બસ પાંખોની પવપાવડી પર જાતને અસવાર કરી ખુલ્લા ગગનમાં ઊડવાનું !

મને અનામી પરથી છોડીને ચિતા પર, ફરીથી ઉત્તરમાં માથું રાખીને સૂવડાવવામાં આવ્યો. મારી પડખે તથા ઉપર પિંડાદિક મૂકાયા. શમીની ચમચીથી પાણી છંટાયુ. દાહ માટે યજ્ઞના ઘાસ અને દહીં – ઘી લાવવામાં આવ્યા. વેદોક્ત શ્લોકો બોલાયા. નાનાએ ડાબુ અંગ મારા તરફ રાખી ત્રણ વાર પરિક્રમા કરી, ઘેરથી દોણીમા સાથે લાવેલા ગૃહાગ્નિથી મને દાહ દીધો. આ તો માત્ર ઔપચારિકતા હતી. બાકી મોટાએ તો મારી સાથેના સંબંધની ક્યારનીયે અંત્યેષ્ઠિ કરી નાખી હતી ! પાસે સૌ કોઈ જળવશ ઊભા હતા. સંબંધવટો ભોગવતા એક મોટા સિવાય ! ચિતામાં અગ્નિ પ્રગટ્યો હતો.

કોઈ પાસે તો કોઈ દૂર જગા મળે ત્યાં ગોઠવાતા જતા હતા. ધીમી ધીમી વાતોની શરૂઆત થઈ હતી. એક નજીકનો કુટુંબી આવીને મોટા પાસે પાળી પર બેઠો. આમ તેમ જોઈ હળવેથી વાતની શરૂઆત કરી. ‘મોટા ! કાંઈ ભાગ-બાગ લેવાનો વિચાર તો નથી ને ?’

‘કાં…! કેમ ન હોય?’

‘હવે જવા દે ને ! ભાગમાં આવી આવીને શું આવવાનું હતું ?’

‘આપણે તો ભાગમાં ગોદડાનો ગાભો આવે તોય મૂકવો નથી શું સમજ્યા, વડીલ ?’

મોટાએ આંખોમાં નફટાઈ લાવીને ધીમા પણ ઉંચા સ્વરે કહ્યું. ચિતાની આગ બરાબર મારા જમણા પગના અંગૂઠે લાગી હતી.

બાજુમાં જ ધના શેઠની ચિતા એના દિકરાઓ ! દૂધ અને પાણીથી ટાઢી પાડતા હતા. ધનો અમારો સમોવડિયો. મારી અને નટાની હારે ભણેલો. નાનપણથી જ ઉતાવળિયો. એની માના પેટે સવા મહિનો વહેલો અવતરી ગયેલો. બાપાની શિખામણ ઉતાવળે સાંભળતો. લગન પણ એવાં ઘડિયાં લેવાયેલા કે એના માટે કન્યા જોવા ગયેલા કાકી વળતા એની જાનમા પાછા આવેલા. તેના ઘેર છોકરાઓય ફટાફટ જન્મી ગયેલા, મોટા થઈ ગયેલા ને ભણ્યાં ન ભણ્યાં ધનાની સાથે ધંધામાં જોડાઈ ગયેલા. વળી ઉતાવળે પૈસાટકા, ધંધો, કારોબાર વગેરે છોકરાઓને નામે કરી દીધેલા તે વૃદ્ધાશ્રમમાં જવાનો વારોય વહેલો આવી ગયેલો. ગામમાં મરવાની મમતે પખવાડિયાં સારું પાછો આવ્યો. ઉતાવળતો મરતા મરતાંય ન ગઈ. મારી માફક કૈલાસધામ સુધીય ન આવ્યો. શેરીમાં દૂધ દેવા આવતી, પૂરે મહિને જતી ગરીબ ભરવાડણને પેટે જન્મી પણ ગયો. જો કે આ વખતે એનો વિચાર સાવ ખોટો પણ નહોતો. ભલેને છાશ અને રોટલો ખાવા મળે, ભલેને ટંક છાંડી જઈએ પણ છોકરાઓ વૃદ્ધાશ્રમમાં તો ન મૂકી આવે ! થોડું મૂકીને જતા બાપના દીકરાને જે ખુશી હોય તેવી ખુશી મારા મોટાનેય આજે ભીતરમાં હતી. આગે જોર પકડ્યું હતું. તિખારા ઉડતા હતાં. લોહી બળતુ હતું, પવનનું જોર વધતું હતું.

સામેના ઝાડને છાંયે નાનો ગમગીન ચહેરે નજીકના સંબંધીઓથી ઘેરાઈને બેઠો હતો. કેવો નિર્દોષ ! કેવો પ્રેમાળ ! મારા માયાળુ દિકરે મને ઢાંકી દીધો. બધા વાતોએ વળગ્યા હતા. કોઈક મારા તો કોઈક મને સારી રીતે સાચવવા બદલ નાનાના ગુનગાન કરતા હતા. કોઈ વળી અવરની માંદગીની, પીડાની, મરણની, કર્મોની કે ભળતી ભૂતપ્રેતની વાતોએ ચડ્યા હતા. નાનાને મારી ઉત્તરક્રિયા વિશે કે બીજુ કાંઈ પૂછવું હશે તે ઊઠીને પાળીએ બેઠેલા મોટા તરફ વળ્યો. એ નજીક આવે તે પહેલા તો તીવ્ર અણગમો બતાવી, મોટો ઉભો થઈને બીજે ચાલી ગયો. મોટાની જગ્યાએ જ પેલા કુટુંબીની પાસે નાનો બેસી ગયો. કુટુંબીએ એક-બે ઔપચારિક વાતો પછી આસ્તેથી મૂળ વાત ઉખેળી, ‘જો જો હો નાના ! મોટો નક્કી ભાગ માગવાનો છે.’ જેને હું જિંદગીભર સાવ સોજો માનતો આવ્યો એ નાનો મારા આસ્ચર્ય વચ્ચે સખ્તાઈથી દાબેલા અવાજે બોલ્યો, ‘ભાગ માગવા ડેલીમાં ગરે તો ખરો, ટાંટિયા ભાંગી નાંખું. આખી જિંદગી બાપાનું વૈતરું અમથું નથી કર્યું ! હું ને મારી ઘરવાળી ઢસરડા કરી કરીને થાકી ગયા ! બાપા મર્યાય મોડા !’ ચિતાના લાકડા સંકોરવામાં આવતા હતાં. આગ મારી કેડ વટાવી તનબદનને બાળી રહી હતી. મારો ભ્રમ દીવાની શગની જેમ સડ સડ બળતો હતો. મારા આયખાને કાંઠે વહેતું હતું એ ખળખળતું ઝરણું નહીં પણ બળબળતું છળ હતું. ચિતાની આગ કરતાંય આ આગ વસમી હતી.

નાનાએ આગળ ચલાવ્યું, ‘આમ તો બાપાને અગાઉ એની મોટી વહુને ઘરની ચાવી સોંપવી હતી, પણ બાપાના મનમાં મેં એવી તો નફરત ઊભી કરી દીધીને કે ‘મોટી વહુ’ એને માટે મોટી વહુ મટીને ગાળ બની ગઈ. જલ્દી નોખો થઈને મોટોય થાપ ખાઈ ગયો. ‘એમ પૂંજી વહેલી ન આપી દેવાય’ એવું બાપાને સમજાવીને મોટાને કંઈ આપવા જ ન દીધું. એક બીજાને ભેગાય ન થવા દીધાં.’ લાકડા ફાટતા હતાં, મારામાં ચીરા પડતાં હતાં.

નાનો બોલતો હતો, ‘બાપાને સમજાવી પટાવીને ઘરને મારે નામે કરી લીધું છે. વીમાની પોલીસી તો બાપાની બનાવટી સહીઓ ઠોકીને ક્યારનીય વટાવી નાંખી છે. અમને ત્રણેય સંતાનને વારસ રાખીને સરખે ભાગે મૂકેલી રકમની મ ઉદ્દત વધારવા માટે બાપાએ મને ત્રણેય કોરા ફોર્મમાં સહી કરી આપેલી તે ત્રણેય ફિક્સના વારસ તરીકે ધબેડી દીધું છે મારું નામ ! મૂરખ હોય તે ભૂલે. ડૉક્ટરે બાપાની સેવા કરવાનું કહી દીધું તેના બે જ દિવસમાં બા ના ઘરેણા વેહીને મળેલા રૂપિયા મારી ઘરવાળીના ખાતામાં મૂકી દીધા છે. બાપા તો છેક સુધી કહેતા રહ્યાં કે ‘મોટાને આટલું દેજે ને નાનકીને આટલું દેજે.’ હવે કોઈને પણ કાંઈ દેવું નથી. સંબંધ રાખવો હોય તો રાખે, બાકી જાય બાપા પાસે ! આપણે શીખી ગયાં. બાપાને નામે કાંઈ રહેવા દઈએ તો કોઈ કાંઈ માગેને ! આ તો તમારા પર વિશ્વાસ એટલે તમને કહેવાય. છેલ્લા બાપાના ચાલુ ખાતામાં કાંઈક પચીસ – ત્રીસ હજાર રૂપિયા પડ્યા છે, જેમાંય મારી સહી ચાલે છે. આજે બપોરે જરાક માણસ હળવું થાય, ને થોડો સમય કોઈ ખરખરે આવનારને તમે સાચવી લો તો રકમ બેંકમાંથી ઉપાડીને તમને આપી દઉં. બાપાના કારજનું કામ તમારે સંભાળવાનું છે. આપણે બહુ લાંબુ નથી કરવુ. કોઈને કહેવાપણું ન રહેવું જોઈએ. જે કાંઈ રૂપિયા વધે એ તમારા પણ જટાકાકા ! રહેવાનું આમ જ અમારી પડખે ! કારજ પતે કે બાપાની છબીને સુખડનો હાર પહેરાવીને ટાંગી દઈએ ભીંતે કે વાત થાય પૂરી.’ આગ બરાબર મારી છાતીએ લાગી હતી અને બાકીનું કામ પૂરું કરી રહી હતી. ‘નાના … નાના, હું મર્યો એ પહેલા તું આ બોલ્યો હોત તો થોડાકેય અફસોસ વગર મરી તો શકાત. સારું છે કે આ આગ મારી સાથે છે નહીંતર તને સદાય ટગર ટગર જોવા ટેવાયેલી મારી બે આંખો તને આવો જોઈને કેવી ફાટી જાત ?

નાનો એ કુટુંબીને સાથે રાખીને બે હાથ જોડીને ઉભો હતો. કેટલાક લોકોને જવાની ઉતાવળ હતી. કેટલાક શરમથી તો કેટલાક લાગણીથી થોડું રોકાઈને ધીરે ધીરે નીકળતા હતાં. વ્યવહાર સાચવીને એ લોકોની સાથે જતાં મેં પણ નાનાની વિદાય લીધી. સામે નદીમાં સ્વજનો નહાતા હતા અને પંચિયા નિચોવત હતા. આજે મારે કાયા હોત તો હુંય આ સંબંધની નદીમાં સ્નાન કરત અને ભીનું પંચિયું નિચોવીને હવામાં ખંખેરત. તો એમાંથી ખરત તે જલબિંદુઓ ન હોત, પણ એ હોત મારી એકની એક દીકરીની આંખમાંથી ખરતા; સાચુંકલા, પારદર્શક, ભીના ભીના મોતીઓ.

– જગદીપ ઉપાધ્યાય

( નર્મદ સાહિત્યસભા સૂરત અંતર્ગત આયોજિત કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૨ સને ૨૦૦૯ – ૧૦ માં કુલ ૩૧૭ વાર્તાઓ આવી હતી. અહીં ગુજરાત, ગુજરાત બહાર અને વિદેશથી પણ વાર્તાકારોએ ઉમળકાથી ભાગ લીધો હતો. આ વાર્તા સ્પર્ધાના નિર્ણાયકો હતા ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને પ્રા. સતીશ ડણાક. આ સ્પર્ધા અંતર્ગત પ્રાપ્ત થયેલી કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન કરીને એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થનાર છે. આ જ વાર્તાઓમાંથી શ્રી જગદીપ ઉપાધ્યાયની ‘દીકરા !’ આજે સાભાર અહીં પ્રસ્તુત કરી છે. આ વાર્તા ‘છાલક’ સામયિક – કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૨ ના વિશેષાંકમાંથી લેવામાં આવી છે. આ સુંદર વાર્તા પ્રસિદ્ધ કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી જગદીપ ઉપાધ્યાયનો ખૂબ ખૂબ આભાર.

કવિતા, વાર્તા અને ચિત્રકળાને સ્પર્શતું છાલક ત્રિમાસિક છે, જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની ૨૦ તારીખે પ્રગટ થતું, સત્વશીલ વાંચન પીરસતું આ સામયિક ફક્ત ચાર અંકની વયનું છે, અને એ છતાં વાર્તાઓ, કવિતાઓ વગેરેનું ચયન નોંધનીય રીતે નમૂનેદાર છે, સંપૂર્ણ છે અને રસાળ છે. છાલક સામયિક ઉત્તરોતર ખૂબ પ્રગતિ કરતું રહે અને સમૃદ્ધ સાહિત્યનું આકંઠ પાન કરાવતું રહે તેવી શુભેચ્છાઓ.

‘દીકરા !’ એક અનોખી આભા સર્જતી વાર્તા છે, વાર્તાની બાંધણી જેટલી ચોક્કસ છે એટલો જ વાર્તાપ્રવાહ સતત છે. વાર્તાના ઉઘાડ વખતે વાચકના મનમાં સર્જાયેલા દ્રશ્ય ચિત્રના અંત સુધી પહોંચતા ભૂક્કા થઈ જાય એવી સજ્જડ કારીગરી લેખકે કરી છે. વાર્તાનો અંત ફૂલગુલાબી નથી, પણ જિંદગીની વાર્તાઓમાં ખાધું, પીધું અને રાજ કર્યું જેવા સુખદ અંત દરેક વખતે હોતા નથી. કથાવસ્તુ સત્યની લગભગ અડીને ચાલે છે, અને વાંચકને તેના પ્રભાવમાં અંત સુધી જકડી રાખે છે. છાલકના આ વિશેષાંકની બધી જ વાર્તાઓ આવી જ નમૂનેદાર છે. )


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

13 thoughts on “દીકરા ! – જગદીપ ઉપાધ્યાય

 • jadeja kedarsinhji m

  હરિના કપટ

  કપટ કેવાં હરિ કરતો, બહાના દઇ ને લીલા ના
  કરાવે કર્મ સૌ પોતે, વળી હિસાબ દેવા ના…

  સભામાં જઇ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
  છુપાઇ ને લત્તાઓ માં, છે ચોર્યા ચિર ગોપી ના…

  અધીક આપે તું પાપી ને, મહેલો માન મોટર ના
  ભગત જન ભ્રમીત થઇ ભટકે, નથી કોઇ સ્થાન રહેવા ના…

  મહા કાયોને પણ મળતાં, ઉદર ભરવાને આહારો
  નથી મળતાં કંઇક જન ને, ભરીને પેટ ખાવા ના…

  વિછણ ને વ્હાલ ઉપજાવ્યું, ખપાવે ખૂદને વંશજ પર
  પ્રસુતા સ્વાન ને ભાળ્યું, ભરખતાં બાળ પોતાના…

  રંજાડે રંક જનને કાં, બતાવી બીક કર્મો ની
  નથી હલતાં કોઇ પત્તાં, જો તારી મરજી વિનાના..

  દયા “કેદાર” પર રાખી, ના કરજો કૂડ મારામાં
  ગુજારૂં હું જીવન મારૂં, પ્રભુ તુજ ગાન કરવામાં…

  –સાખી–

  ઘણાં કળીયુગ ના કાન્હા, કરેછે કામ ચોરી ના
  મોહનજી ચોરતાં માખણ, હવેના દાણ ચોરે છે..

  ઘણા કળીયુગ ના કાન્હા, કરેછે કામ રમણગર નૂં
  રમાડ્યા રાસ છે કાન્હે, હવે નટીઓ નચાવેછે..

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  kedarsinhjim@gmail.com

 • Vimal Pandya (Vadodara)

  માતાજી નુ બે વરસ પહેલાઅવસાન થયુ હતુ…. છેલ્લા બે વરસ થી માન્ડ મન ને મનાવ્યુ હતુ ,ત્યા તો અચાનક થોડા દિવસ પહેલા મારા પિતા નુ અવસાન થયુ ……… મા અને બાપ ના ગયા બાદ માત્ર ૩૫ નિ ઉમર મા તેમનો ઝુરાપો શહન નથિ થતો …………. માત પિતાની સેવા ના ઑરતા અધુરા રહિ ગયા આંસુ રોકયા રોકાતા નથિ……..કરુણા થિ ભરેલુ નીરુપણ…… હુ મારા મા અને બાપ નો પુત્ર છુ…….આ વારર્તા ના પુત્ર થિ આખિ વિરુદ્ધ ભાવના મા અને બાપ વિષે મન મા છે…………

 • Rana Babu

  મને એમ થાય છે…કે વાંચતા ..વાંચતા આટલુ Pain થાય છે…તો ..આ લેખકો..ને આટલી ..આટલી..વેદના ઘુટિ..ઘુટી ..ને લખતા …કૈ થતુ નહિ હોય….
  આ લેખ ત્રણ ..ચાર વાર વાંચી ગયો છુ…હજુ વારંવાર વાંચવા નુ મન થાય છે.દુનિયા ખુબ નિઃશ્થુર છે..ભગવાન ને ખબર છે ..કે પોતાનો બનવેલો માણસ કેવો છે…માટે મુત્યુ પછી કશુ યાદ નથિ રેહતુ…કોઇ સંવેદના નથિ રેહતી…..જો આ વારતા ની જેમ મેહ્સુશ કરી શકતુ હોત તો આપને કયારેય માણસ તરીકે જન્મ્વા નુ પસન્ન્દ ના કરત….

 • Kedarsinhji M Jadeja

  હા ભાઇ, આ જગત માં મોટા ભાગે આમજ ચાલે છે, વાંચ્યા પછી મારી એક રચના રજુ કરવા પ્રેરાયો છું.
  સ્વાર્થ ની સગાઇ

  સ્વાર્થ તણી છે સગાઇ, જગત માં બધી…..
  સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઇ માઇ….

  પુત્ર કમાણી કરી ઘર લાવે તો, દીપક કૂળ ગણાઇ
  શરીર ઘટે કે રોગ સતાવે તો, બોજ બને ઘર માંઇ……

  માત પિતાની સેવા કરતો-કેમકે-, થઇ નથી ભાગ બટાઇ
  વારસો મળતા વસમા લાગે, હવે ડોસો ને ડોશી છે ગંધાઇ…

  હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઇ
  ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ…

  પુત્રી કેરા પાય પખાળે તો, વ્હાલો લાગે જમાઇ
  જો સૂત નારી સંગે હંસે તો, લાજ કુટુંબ ની લુંટાઇ…

  દીન “કેદાર”પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઇ
  સ્વાર્થ સઘળાં મારા મનથી મટાવી, પ્રેમ થી લાગું હરિ પાઇ….

  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com

 • Sima

  વાહ , શું સુંદર શબ્દ દેહ મળ્યો ,
  અનાયાશે શબ્દો સરી પડે છે વાહ …
  જે દીકરા ને આજ સુધી મારો સમજી જીવ્યો,
  એ તો મારી મિલકત નો જ સગો નીકળ્યો,
  આ વાર્તા વાંચી ને મને વીતેલા એક સબંધ ની –
  યાદ આવે છે, ૬ દીકરાના બાપને નાના –
  દીકરા એ મિલકત માટે આમજ દુર કર્યાં હતાં,
  વાહ મિલકત નો મોહ સબંધ સળગાવે છે.
  સીમા દવે

 • mahesh patel

  દિક્રરાઓ સાથે ભેદ રાખનાર દરેક મા બાપે આ વાર્તા વાચવા જેવિ તો ચ્હે તેમજ જાગ્યા ત્યાથિ સવાર સમજિ ને દિકરાઓને તેમજ સગાઓને ગામનાઓને સારિ રિતે પારખિ લેવા નહિતો તમારાથિ થયેલો અન્યાય તમો ને બિજા ભવે ચુકવવાનો રહેશે તે ગિતા નો કર્મ નો સિધાન્ત ચ્હે

 • સુભાષ પટેલ

  વાર્તાએ છેલ્લે સુધી જકડી રાખ્યો. શરુઆતમાં લાગતું હતું કે ખોળિયામાં પાછો જીવ આવશે નહિં તો આ વાત પહોંચે કેવી રીતે? પણ અંત અકલ્પ્ય જ આવ્યો. નાનાએ બાપાને છેલ્લે સુધી કળવા ન દીધું તે અશક્ય જેવું લાગે. પણ છણાવટ એકદમ સરસ છે.

 • hardik

  જગદિપભાઇ ને નતમસ્તક્..
  ઍક ઉચ્ચ કક્ષાના લેખકનેય લજાવે તેવુ અદભુત પ્રસંગ નીરુપણ્…
  વાંચતા વાંચતા “વાહ” સીવાય ઍકે શબ્દ યાદ ન આવે..
  પણ અંતમા ખબર નહી કેમ આ નાના દિકરા માંટે કઇ જુદોજ રણકો થઇ શક્યો હોત્.. ઍવુ મનમા થાય છે. પણા આવા અદભત લેખકને કેમ કરી કહેવાય? જીવનમા કોઇ દિવસ મળવાનો મોકો મળ્યો તો વાર્તા અંગેના કેટલાક પ્રશ્નો જગદિપ સાહેબ ને પુછવાની ઇચ્છા છે..
  સાભાર .. અદભુત … મઝાનુ નીરુપણ્..
  હર્દિક