શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ 16


શ્રી અખંડભાઈ વ્યાસના બે સુંદર પુસ્તકો ‘છાંયડી’ તથા ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’નું વિમોચન રવિવાર તા. ૨૬ ડિસેમ્બરે સાંજે  અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. શ્રી ચિનુભાઈ મોદી, શ્રી એન. આર. દવે તથા ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના ડાયરેક્ટર શ્રી વસંતભાઈ ભટ્ટ ના હસ્તે પુસ્તકનું વિમોચન થયું. આ પ્રસંગે ત્રણેય મહાનુભાવોએ ભાવકોને પુસ્તકનો રસાસ્વાદ તથા તેના વિવિધ પાસાઓનું સુંદર આલેખન કર્યું. આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ તથા ભેટ પુસ્તકો બદલ શ્રી અખંડ વ્યાસ અને શ્રીમતિ બિનીતા વ્યાસનો ખૂબ ખૂબ આભાર. અક્ષરનાદ તરફથી કલાકૃતિઓ જેવા સાદ્યાંત સુંદર એવા આ બંને પુસ્તકોની અપાર સફળતા માટે ખૂબ શુભકામનાઓ.

આ પુસ્તકો વિશે શ્રી અખંડ વ્યાસ કહે છે,

“આપણે સૌ એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા જુદી જુદી ભૂમિકા સાથે કોઈ પ્રક્રિયા કરી રહ્યાં છીએ. છતાં આપણી દિશા એક જ છે. આપણે કશું આયોજન કરી રહ્યાં છીએ, કોઈ ડીઝાઈનને રચી રહ્યાં છીએ, આપણા કલા – કૌશલ્ય દ્વારા તેનું સંચાલન કરી માનવીય ફલકને જ વિહસાવી રહ્યાં છીએ, અને આ ધ્યેય નિરાળું છે.

એક ઈન્ટિરિયર ડિઝાઈનરની ભૂમિકા સાથે હું પણ માણસ અને માણસ સાથે જોડાયેલી સ્પેસને વિચારું છું, કંડારું છું. પરંતુ એ તો નાનકડા જ સમુદાયને સ્પર્શતી પ્રક્રિયા બને છે. એટલે જ મારી નિસ્બત સાથે શબ્દના માધ્યમ દ્વારા વ્યક્ત થઈ વિશાળ સમુદાય સુધી પહોંચવા દ્રઢ બન્યો છું.

‘છાંયડી’ માણસની માણસ વિશે માનવીય અને કલાત્મક પ્રક્રિયા આલેખતું ફિક્શન છે, તો ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’ આક્રોશ અને વ્યંગ્ય સાથેનું એક ગદ્યચિત્ર છે. જે નગરરચના વિશે આપણી કટિબદ્ધતા જન્માવતી અભિવ્યક્તિ છે. આ કૃતિમાં સ્વરચિત ચિત્રો પણ સમાવ્યા છે.”

આજે માણીએ આમાંથી એક પુસ્તક ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’ માંથી થોડાક રેખાંકનો અને થોડાક શબ્દચિત્રો. આ પુસ્તકના ડાબી તરફના પૃષ્ઠો પર અખંડભાઈએ દોરેલા રેખાચિત્રો છે, અને જમણી તરફના પૃષ્ઠો પર સુસંગત વિચારમાળા છે. એક સુંદર અછાંદસની પ્રતીતિ કરાવતું આખુંય પુસ્તક એક શહેરમાં બંધિયાર થઈને રહી ગયેલા માણસ વિશેના કટાક્ષ છે તો સાથે માણસની અંદર વસતા આદર્શ નગરની વિભાવનાઓનો ચિતાર પણ આપે છે.

– જીજ્ઞેશ અધ્યારૂ

* * * * * * * *

એક માણસ ત્યારે મળ્યો હતો
આ ધરાએ જ તેને જણ્યો’તો,
તેણે ક્યાં કોઈ વિકસિત રાષ્ટ્રની પાંખો સ્વીકારી ?
તે તો દ્રષ્ટા હતો.
તેણે નિરખ્યા હતાં એ ભિન્નતાઓના સૌંદર્યો.
અને એ જ રીતે આપણી ધરાનાં સૌંદર્યોને પણ તેણે મનોમન નવાજ્યાં હતાં.

તે સ્વધરાની પાંખે ઉડ્યો
તે જ્ઞાત હતો પોતાની ભોમકાથી
એ કલા કસબ અને પુરુષાર્થી પ્રજાથી.
તેણે ક્યાં કોઈ અણુબોંબની વાત આદરી?
તેણે પ્રેમ ઉછેર્યો
તેણે અહિંસા આદરી.
તેણે સત્ય પ્રયોજ્યું.

* * * * * * *

જુઓ
એક શિક્ષક કણસે છે અહીં,
બિચારો બની બેઠો છે તમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સના ખાલીખમ્મ ખોખાઓમાં.
જે સમાજનું માન સન્માન હતો,
પોતાની આસપાસ અને ગલી મહોલ્લાઓમાં પણ
એ કશુંક ઘડી રહ્યો હતો.
અને એ નિષ્ઠા ફરજના પ્રતિભાવો મેળવતો તે ધરાઈ જતો.
અને તમે તેને ક્યાં હડસેલી નાંખ્યો?
પૈસા – સંપત્તિનો ગુલામ કરી નાંખ્યો તેને.
અને હવે કઈ ક્ષિતિજો, કેવી ક્ષિતિજો આંબવી છે તમારે?
અરે !
ગુરૂદક્ષિણા એક ભાવ હતો.
એ ‘ભાવ’ શબ્દનો મર્મ સમજાયને
તો આ ભૂમિનો બીજો એક મહાગ્રંથ રચાઈ બેસે.

પુસ્તક પ્રાપ્તિની વિગતો :-

લેખક – અખંડ વ્યાસ, પ્રકાશક – દૂર્વા પ્રકાશન, કિંમત રૂ. 495/-, પ્રાપ્તિસ્થાન – AG-5, પંચદીપ એપાર્ટમેન્ટ, નહેરૂપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ. ફોન – 079 26740921

પુસ્તક વિમોચન પ્રસંગના ફોટોગ્રાફ્સ…


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ