અલબેલો અંધાર હતો – વેણીભાઈ પુરોહિત 2 comments


એ રાત હતી ખામોશ અષાઢી, અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમ ત્રમ વાણીમાં કાંઈ પાયલનો ઝંકાર હતો

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું, નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

– વેણીભાઈ પુરોહિત (‘સહવાસ’ પુસ્તકમાંથી સાભાર)

પ્રસ્તુત નાનકડા કાવ્યમાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિત વરસાદ પછીના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરે છે. વરસાદ પડી ચૂક્યો છે, ધરતી પર અંધકાર ઉતરી ગયો છે. આવા સમયે એક અજબની અકળાવનારી ખામોશી ઇશે તેઓ વાત કરે છે. ગગન તેમને જળ વરસાવવાના કાર્યના પરિણામે સુસ્ત થઈ ગયેલું લાગે છે, તમરાંની વાણી પાયલના ઝંકાર સમી ભાસે છે તો હવાના મિસરાઓમાં તેમને ઉદાસીની એંધાણી વર્તાય છે. છેલ્લી કડીમાં તેઓ ઉર્મિના કબૂતરની આંખોમાં સ્વપ્ન અને પાંખોમાં ભાર દર્શાવીને કમાલ કરી દે છે. અંતિમ પંક્તિઓમાં આખીય કવિતાનું હાર્દ છતું થાય છે.


2 thoughts on “અલબેલો અંધાર હતો – વેણીભાઈ પુરોહિત

 • $u$hma Mevacha

  “e jhadhadta diwa niche, kajad samo andharo haro,
  Jyoti na prakash ma to, e kajal no pan chamkaro haro…”

  • $u$hma Mevacha

   “e jhadhadta diwa niche, kajad samo andharo hato,
   Jyoti na prakash ma to, e kajal no pan chamkaro hato…”

Comments are closed.