અ પ્રિન્સિપલ ટુ ફોલો – જીજ્ઞેશ અધ્યારૂ 11


એન્જીનીયરીંગ કોલેજમાંથી નીકળેલા ત્રણ યુવાન છોકરાઓને એક મલ્ટિનેશનલ કંપનીમાં ધાર્યા કરતા ખૂબ ઊંચા પગારે અને વધુ સગવડો સાથે નોકરી મળી ગઈ. અને એ સૌની ઉપર એક વિદેશી, એક અંગ્રેજ તેમનો સાહેબ, મુખ્ય ઈજનેર. તે ખૂબ હોંશીયાર હતો, ચબરાક અને ચાલાક. નવા છોકરાઓને તેણે છએક મહીનામાં તો ટેકનીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન આપીને એવા તો હોંશીયાર બનાવી દીધા કે એ કોઈ ચાર પાંચ વર્ષના અનુભવી ઈજનેરથી પણ ચાર ચાસણી ચઢે. હવે તેઓ ઈજારાદારની ભૂલો સાવ સાહજીકતાથી શોધી શકતા. સિમેન્ટ ઓછી હોય તો જોતાં વેંત પકડી પાડતા, સળીયા બરાબર ગણીને ચેક કરતા અને બીજી બધી વાતોમાં પણ તેમની ચોકસાઈ એટલી સચોટ થઈ ગઈ હતી કે ઈજારાદારને તકલીફ પડવા માંડી, એ તો બિચારો ભારતીય ઈજારાદાર, તેને ભારતીય માનકો પ્રમાણે પણ કામ કરવાની આદત નહોતી, એટલે જ્યારે ભારતીય માનકોની સીધી અસર તેના કામ પર, નફા પર પડવા લાગી એટલે એ હલી ગયો, કારણકે હવે તેના નફાનો પણ ઘણો ભાગ ગુણવત્તા જાળવવા જતાં વપરાઈ જતો.

એક દિવસની વાત છે, દિવાળીની રજાઓ પછી બધા ઈજનેરો કામ પર પાછા લાગી ગયા છે, સાહેબ પણ પોતાના કામમાં વ્યસ્ત છે. અચાનક કોન્ટ્રાક્ટરે આવીને સાહેબના ઓરડાનો દરવાજો ખખડાવ્યો. અંગ્રેજીમાં થયેલા એ વાર્તાલાપનો સાર કાંઈક આવો હતો.

“ગુડ મોર્નિંગ, અંદર આવું સાહેબ ?”

“ઓહ, મિસ્ટર રાય, આવો આવો”

“તો સર, તમે દિવાળીના દિવસે અહીં જ હતા?”

” હા, અમારા બધાંય ઈજનેરો રજા પર ગયેલા, એટલે કામ જોવા હું અહીં જ હતો….”

“સાહેબ, દિવાળી એ અમારો મુખ્ય ઉત્સવ છે, અમે લોકોને મળીએ છીએ, ભેટસોગાદો આપીએ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ.”

“સરસ”

“સાહેબ, તમારા અને તમારા આખા સ્ટાફ માટે અમારા તરફથી એક નાનકડી ભેટ છે, તમારા બધાંય માટે આ ચાર દિવસ ઉપર જ બહાર પડેલા નવો મોંઘો એક એક મોબાઈલ” એમ કહી તેણે પોતાના પટાવાળાને હાક મારી, પટાવાળો આખાય સ્ટાફ માટે હાથમાં મોબાઈલના તદન નવા, ખોલ્યા વગરના પેકેટ લઈને ઉભો રહ્યો, એમાંથી સૌથી મોંઘો અને લેટેસ્ટ મોબાઈલ લઈ તેણે સાહેબને આપવા હાથ લંબાવ્યો.

“સર, આપના માટે ખાસ” કહી તેણે આંખ મારી….

પેલો અંગ્રેજ બે ઘડી હેબતાઈ ગયો. એ લગભગ ચાલીસેક વર્ષનો હતો, જો કે ભારતમાં આ તેની પ્રથમ નોકરી હતી, પણ અહીં આવા અનુભવ તો સામાન્ય હોય છે, એમાં તો ખુશ થવું જોઈએ, કારણકે આ નવો મોબાઈલ મળ્યો…… નહીં?

મોબાઈલના ખોખા તરફ તેણે બે ઘડી જોયું, અને પછી તેને ઉપાડીને પોતાની કાચની બારીમાંથી બહાર ફેંકી દીધું, અને કદી કોઈને ઉંચા અવાજે પણ ન બોલનાર તે બરાડી ઉઠ્યો, “ગેટ આઊટ  *** ****, ડોન્ટ એવર ટ્રાય સ્પોઈલ માય એન્જીનીયર્સ યૂ ***** ”

કાચના તૂટવાના અવાજે બીજા બધા દોડીને આવ્યા ત્યારે તેમણે પેલા ઈજારાદાર અને તેના પટાવાળાને બહાર જતા જોયા. બીજા બધા પોતપોતાનો મોબાઈલ લેવા ઉતાવળા હતાં, તેવામાં આ જોઈ એ પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા. એ બધાં માટે આ એક સહજ સિસ્ટમ હતી, સિસ્ટમનો એક એવો ભાગ જે અવશ્યંભાવી હતો, વગર માંગ્યે મળી જતો આ હિસ્સો હતો, અને એ બધાંય એ હિસ્સા માટે ઉતાવળા હતાં, એવામાં આ સાહેબ …..??

વાત આવી અને જતી રહી, બધાંયને અફસોસ થયો પણ પાછા પોતપોતાના કામમાં જોતરાઈ પણ ગયા, દરમ્યાનમાં સાહેબ તેમના ઘરે ઈંગ્લેંડ જઈ આવ્યા.

બીજા દિવસે સવારે એક મીટીંગ બોલાવવામાં આવી. એન્જીનીયરો અને સાહેબ બધાંય ખંડમા સાવ ચુપ બેઠાં હતાં. ચા પી રહ્યા એટલે પેલા સાહેબે ઉભા થઈ બધાંયની સામે જોયું…

“તે દિવસે પેલા ઈજારાદાર સાથે જે મેં કર્યું એના પરથી તમને સૌ ને હું ગાંડો કે પાગલ લાગ્યો હોઈશ, તમને થતું હશે કે આની બદલે કોઈક ભારતીય બોસ હોત તો તમને એક નવોનક્કોર મોબાઈલ મળ્યો હોત, ખરુંને?”

બધાની આંખોમાં એ જોઈ રહ્યો, એમાં નફરત નહોતી, રોષ હતો, હાથમાંથી મોં સુધી પહોંચવા આવેલા કોળીયાને ખોવાની વેદના…

“જીજ્ઞેશ, પ્લીઝ પટાવાળાને બોલાવ”, તેણે મને કહ્યું..

મેં પટાવાળાને બૂમ પાડી તો એ મોબાઈલના પાંચ ખોખા સાથે મુલાકાત માટેના ખંડમાં આવ્યો. સાહેબે તે દિવસે અમને બધાંયને એક એક મોબાઈલ આપ્યા, અને હા, એ કહેવાનું તો રહી જ ગયું કે એ મોબાઈલ એ દિવાળીની ભેટ તરીકે અમારા માટે છેક ઈંગ્લેંડથી લઈ આવેલા, જે હજુ ભારતમાં અપ્રાપ્ય હતા. અને સાથે બધાંય મોબાઈલ પર એક ચિઠ્ઠિ ચોંટાડેલી…

“આનો અવાજ ખરેખર દૂર સુધી ગૂંજશે….” “THE SOUND OF THIS WILL REALLY GO PAST WAYS…..”

ઘણાંય કહે છે એમને મેં મદદ કરી, એમના કામને સરળ કરી આપ્યું, અને છતાંય ગુણવત્તામાં કોઈ ફરક આવવા દીધો નથી, તો એ પૈસા કે એ વસ્તુ લેવામાં કાંઈ ખોટું નથી. ઘણાંય દરેક વાત પર પોતાના “પરસન્ટેજ” ફિક્સ કરી રાખે છે. બેશરમીની કોઈ હદ તેઓ રહેવા દેતા નથી અને છતાંય તેમના મનમાં આ વાતનો કોઈ મલાલ હોતો નથી. આપણા દેશમાં આ સામાન્ય છે. કેમ? ઉત્તમ ગુણવત્તા વાળુ સમયસરનું કામ કરાવવા માટે તમે છો કે પોતાના ખિસ્સા ભારી કરી હલકું, કંપનીને કે દેશને નુકશાનકારક કામ કરાવવા માટે? હજી પણ હું ક્યારેક મિત્રોને આ વાત કહું છું તો અમારા એ બોસને અચૂક યાદ કરું છું. કોઈક એને આપણી ગુલામ માનસીકતા કહે તો કોઈક ગોરાઓની ચોવટાઈ, પણ હું કહું છું કે તે “પ્રિન્સિપલ” કે “મોટીવેશન” જેવા શબ્દો વાપર્યા વગર તેના અર્થ સુધી પહોંચેલો માણસ હતો. કંપનીઓમાંથી જેમ બને તેમ વધુ પૈસા ખંખેરવાની, લાંચ લઈને એ માટે ગર્વ અનુભવવાની, જે નથી લેતા તેમને હલકા પાડવાની આપણા લોકોમાં પ્રવેશેલી હીન મનોવૃત્તિ પર તે એક મોટું પ્રશ્નાર્થ મૂકતા ગયા.

તમને ખબર છે, જીવનમાં એક “પ્રિન્સિપલ ટુ ફોલો” હોવો એટલે શું?

પ્રસંગ સાવ સામાન્ય છે, અને મારી સાથે ફક્ત પાંચ વર્ષ ઉપર થયેલો, હું તેનો સાક્ષી છું, પણ એ દિવસે મને મારા જીવનમાં પાળવા માટે એક જરૂરી સિધ્ધાંત આપ્યો, ગમે તેટલી વાતો કહ્યા કરીએ, બગણાં ફૂંકીએ પણ જો વ્યવહારમાં ન ઉતરે તો એ અર્થ વિહીન છે. એ ફક્ત સંજોગો હોઈ શકે કે ત્યારે એ પ્રસંગના હિસ્સા રૂપે એક અંગ્રેજ સાહેબ અને ભારતીય ઈજનેરો – ઈજારાદાર હતા, એનાથી ઉલટું પણ હોઈ શકે, પણ વાત સિધ્ધાંતની છે, વાત છે એક માણસના દ્રઢ નિશ્ચયની.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “અ પ્રિન્સિપલ ટુ ફોલો – જીજ્ઞેશ અધ્યારૂ

 • Rajni Gohil

  પ્રમાણિકતા એ જીવનનો પાયો છે. પ્રાણ જાય પણ વચન ન જાય. આ પુસ્તકોમાં રાખવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. અનુકરણીય અને બોઢદાયક પ્રસંગ માટે આભાર.

 • Hiral Vyas "Vasantiful"

  સાવ સાચી વાત. સાચી વાત ને સિધ્ધાંત બનાવી વળગી રહેવા માં વિચારવા જેવું હોતું નથી…બસ લોકો કંઇ ખોટું ખરું કહે તો સાંભળવા જેટલી હિંમત રાખવી.

 • Ashok Jani

  આ ઉદાહરણ્ ઠેર ઠેર આપવા જેવું છે, નવી પેઢીના દરેકને જે શોર્ટ કટ માં પૈસા બનાવવા મા માને છે, ખૂબ સરસ અને અનુસરવા યોગ્ય્…!!!

 • Lata Hirani

  તે “પ્રિન્સિપલ” કે “મોટીવેશન” જેવા શબ્દો વાપર્યા વગર તેના અર્થ સુધી પહોંચેલો માણસ હતો.

  સલામ્

  લતા