મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (2) – જીગ્નેશ અધ્યારૂ 10


…… ભાગ ૧ થી ચાલુ ….

હું બિયર બાર પછીના ભાગે જહાજના અંતિમ પર ઉભો છું, ક્યારેક આ સ્વપ્ન જોયું હશે, સમુદ્રની વચ્ચે સાવ એકલા, અન્યમનસ્ક ઉભા રહેવાનું અને એ લાગણીને અનુભવવાનું, આમેય છેલ્લા પાંચેક વર્ષથી દરીયા સાથે કામ રોજનું જ છે, પણ એ કિનારાની વાત છે, અને કિનારા અને મઝધારમાં ખૂબ તફાવત છે, કદાચ કોઈ સરખામણી જ નથી. જહાજના પંખા પાણીમાં ફરવાથી ફીણા ઉત્પન્ન થાય છે, અને પાછળ જેમ કેડો થાય તેમ આવા ફીણા વાળા પાણીના લીધે લાંબો લસરકો દેખાય છે… પાણીનો અવાજ ખરેખર ભવ્ય લાગે છે, ખૂબ અદભુત. ચારે તરફની અફાટ જળરાશિ અનુભવવી, જોવી એ લાગણી કાંઈક અનોખી છે. દરીયાના પાણીથી લગભગ ચારથી પાંચ માળ જેટલે ઉંચે ઉભો છું.

જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સમુદ્ર છે, અંધકારથી ઘેરાયેલો, ઘૂઘવતો, અફાટ સમુદ્ર છે. ક્યાંક કોઈક કિનારે જે મોજા અફળાય છે એ જ પાણી અહીં ક્યાંક વહેતુ હશે, દૂર ઉંચે કોઈક પર્વતની ટોચથી જન્મેલી નદી તેના જીવનમાર્ગને પસાર કરીને આ જ સમુદ્રમાં ભળવા તલસતી હશે. આ જ સમુદ્ર જે પૃથ્વી પરની જમીનના કુલ હિસ્સાથી ત્રણ ગણો છે. મારી ચારેય તરફ ફેલાયેલો છે, રણની વચ્ચે ઉભેલા કોઈક માણસને કેવી લાગણી થતી હશે? કદાચ આવી જ ….. આવી લાગણી મને ગીરમાં, જંગલમાં ઘણી વખત થાય છે. લગભગ દરેક વખતે, પણ દરીયાનો અનુભવ નવો છે, અફાટ છે, ઉંડો છે, અનંત છે. બીજા બધા ટેબલ પર કિંગફિશરની અને મેકડોવેલ્સની બોટલ ખૂલે છે, મારા અને પેલા વૃધ્ધના ટેબલ પર ડાયરી ખૂલે છે, આ લખું છું ત્યારે થાય છે માણસની પ્રકૃતિ સ્થળ સાથે બદલાતી નથી. તેનો સ્વભાવ કદાચ જન્મથી મૃત્યુ સુધી મૂળભૂત એક જ રહે છે. વાત શરાબની નથી, વાત છે દ્રષ્ટિકોણની, નવી વસ્તુને માણવાની. તમે પ્રથમ વખત દરીયાની વચ્ચે હોવ, તમારી ચારે તરફ પાણી જ પાણી હોય અને તમે બિયરની બોટલ માટે ભાવતાલ કર્યા કરો કે બાઈટીંગ માટે ઝઘડો ! કેટલું એબ્સર્બ્ડ ! કદાચ આને જ કહેતા હશે તુંડે તુંડે મતિર્ભિન્ના. મને તો દરીયાને જોતા જોતા ખોવાઈ જવાનું, આ લખવાનું ખૂબ ગમે છે. રાજકોટથી આવેલા એક ભાઈને બિયરનો ઓવરડોઝ થઈ ગયો છે. બીજા એક ભાઈને બોલ-વા ચઢ્યો. આ લોકો કુદરતની મજા ક્યારે માણી શક્તા હશે? માણી શક્તા પણ હશે કે કેમ એ સવાલ છે, તેમની મજા બિયરથી શરૂ થઈ કોકટેઈલ પર પૂરી થઈ જાય છે. અરે તેમને નથી પીવાનું કોઈ ભાન કે નથી તમીઝ.

ક્રૂ ના એક સભ્યે આવીને મને અને પેલા વૃધ્ધને ડ્રિંક વગરના જોઈને જમવા માટે આવવા સૂચન કર્યું. અમે તેને અનુસર્યા અને અમને એક્ઝેક્યુટીવ ડાઈનીંગ હોલમાં લઈ જવાયા, ઓછા મુસાફરોને લીધે જહાજના કપ્તાને બધાને જમવાનું કોમ્પ્લિમેન્ટરી જાહેર કર્યું. જમવાનું સાદુ, શાકાહારી અને સરસ હતું. પનીરનું શાક અને મિઠાઈમાં સેવઈયાં. ખૂબ ભાવ્યું. જમીને અમે પાછા વાતાનુકૂલિત બેઠક વાળા ખંડમાં આવ્યા. ઘણાં ટી.વી. જોતા હતા, મને જાણવા મળ્યું કે ઘણાં લોકો તેમની ટિકીટ અપગ્રેડ કરાવીને કેબિન લઈ તેમાં સૂવા જતા રહ્યાં. હું ડાયરી લઈને ડેક પર બેસી રહ્યો, અને થોડીક વાર પછી, લગભગ રાત્રે બે વાગ્યે બાર બંધ થયો ત્યારે સ્ટુઅર્ટે મને જગાડી હોલમાં જવા કહ્યું. હું અંદર આવી મારી સીટ પર સૂઈ ગયો.

આંખ ખુલી ત્યારે કાંઈ ખાસ ફેરફાર નહોતો, ફક્ત એરકંડિશનરથી કંટાળી ઘણાં કેબિન લઈને સૂવા જતા રહ્યાં હતાં. ખંડમાં હવે ગણ્યાગાંઠ્યા લોકો જ રહ્યા હતાં, સવારના સાડા પાંચ થયા હતાં. વોશરૂમમાં જઈ, બ્રશ કરી, હાથ પગ ધોઈ હું પાછો તૈયાર થઈ ગયો. ટોપ ડેક હવે જવા માટે ખુલ્લો હતો. ઉપર આવીને જોયું, હજી અંધકાર હતો, સમુદ્રનો એ જ ઘૂઘવાટ, ફીણાનો એ જ અવાજ સત્તત સંભળાયા કર્યો. હું બેસી રહ્યો, મારે સૂર્યોદય જોવો હતો, ક્ષિતિજ પરનો સૂર્યોદય…. અહીં આડા કોઈ અંતરાય નથી, બહુમાળી મકાનો નથી, પહાડો નથી, પ્રદૂષણ કે ફેક્ટરીઓનો ધુમાડો નથી, અહીં છે નર્યું નિરભ્ર આકાશ, ભૂરું આકાશ, ભૂરું પાણી અને એ બે ને અલગ પાડવાનો અસફળ પ્રયત્ન કરતી ક્ષિતિજની પાતળી રેખા.

લગભગ પોણા સાત વાગ્યે આકાશમાંથી પ્રકાશના કિરણો છૂટ્યાં, ઉપરના વાદળો જાણે રંગાઈ ગયાં, અને થોડીક જ વારમાં ક્ષિતિજ પરથી ઉપર આવતા સૂર્ય દેવતાના દર્શન થયાં. વાહ્ શબ્દો જડતા નથી તેનું વર્ણન કરવા, અને ડેક પર આ જોવા અમે ફક્ત ચાર જણાં…. કે ચાર જણ હતાં તે જ બહુ હતું? પેલા વૃધ્ધ ભાઈ સૂર્યોપાસનામાં લાગી ગયા, અને હું પણ કાંઈક એવું જ્… એક ભાઈ બાર વાળા સ્ટૂઅર્ટને શોધવા નિકળ્યા હતાં, મને જોઈ મારી પાસે બેસી ગયા, રાત્રે તેમણે પીધેલી વ્હીસ્કીની વાસ હજુ પણ તેમના કપડાંમાંથી આવતી હતી. મને કહે, “રાત્રે પીધી હોય ને તો સવારે એક પેગ ન મારું ત્યાં સુધી મને ઉતરે નહીં, મારે રોજની ટેવ છે.” મેં પૂછ્યું, “ક્યાંના” તો કહે “રાજકોટનો” પછી આંખ મીંચકારીને કહે, “ક્યાં નથી મળતી? ” તેમની શોધ આગળ વધી અને તે પણ બાર ખોલાવવા ગયા. બે ત્રણ મિત્રો રાત્રે કેસિનોમાં બે એક હજાર હારી ગયેલા, તેમાંથી એક પાસે તો ટેક્સી કરવા જેટલા પણ પૈસા નહોતા બચ્યાં, કે ન મળે ફોનમાં બેલેન્સ. લોકો હદ કેમ વટાવી જતા હશે? કદી જોયું નહીં હોય?

તે પછી પણ હ્ં ત્યાં ડેક પર જ બેઠો રહ્યો. આસપાસથી પસાર થતી બીજી શિપ અને મછવાઓ જોતો રહ્યો. મધદરિયે પાણી એકદમ ચોખ્ખું ભૂરું છે, જરાય કચરો નહીં, પારદર્શક… નિર્મળ, ડોલ્ફિન પણ ક્યાંક કૂદતી દેખાઈ જાય્ કાર્ગો શિપ આવે અને જતા રહે, એકાદ બે બાર્જ પણ જોઈ. બારેક વાગ્યાની આસપાસ પાણીમાં કચરો અને માટી આવવા લાગ્યા, ક્રૂના એક સભ્યે કહ્યું, “અબ મુંબઈ નઝદીક હૈ… એક ઘંટા ઔર્… ” વાત સાચી હતી, માછલી પકડવા નીકળેલા મછવા પણ દેખાવા લાગ્યા, દરિયાની નજીક લાંગરેલી શિપની સંખ્યા વધતી રહી…. ઘણા બધા બોય (દરીયામાં દિશા સૂચક ચિન્હો) જોયા, અને કોસ્ટગાર્ડની એક બોટ આવી ને અમારી શિપના કેપ્ટન સાથે કાંઈક વાત કરી જતી રહી. અમારી શિપ પણ લંગર નાખીને ઉભી રહી ગઈ. થોડી વાર પછી એક ફેરી આવી, અમે તેમાં ગોઠવાયા અને તે અમને ભાઊ ચા ધક્કા નામે ઓળખાતી જગ્યા પર પહોંચાડી ઉભી રહી.

આ યાત્રા માટે ખૂબ ઉત્સાહ હતો, અને એ ઉત્સાહ એક તસું પણ ઓછો પડ્યો નથી, જો કે યાત્રા દરમ્યાન ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા કે આ તો કંટાળાજનક છે, પણ એ તો તમારી દ્રષ્ટિ છે, નહીંતો દરીયાની વચ્ચે કંટાળો આવે તો ક્યાંથી?


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (2) – જીગ્નેશ અધ્યારૂ