ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા 2


સંતો અને સંતવાણી આપણા દેશ અને રાષ્ટ્રપ્રણાલીના જ્યોતિર્ધરો છે. ભજનવાણીમાં કોઇ પ્રાદેશિકવાદ, નાતજાત કે ધર્મ-સંપ્રદાયની વાડાબંઘી છે જ નહીં. સંતઆરાધનાનું કેન્દ્રબિંદુ રહ્યું છે ભક્તિ. ભક્તિનું બાણ જેને વાગે તેને કેવું લાગે છે તે રવિસાહેબે બતાવ્યું છે –

બાણ તો લાગ્યાં જેને, પ્રાણ રે વિંધાણા એના,
નેણાંમા ધુરે રે નિશાણ, જીવો જેને લાગ્યાં શબદુંના બાણ.

માનવ તરીકેની મહત્તા, દેહનું અમુલાપણું, આત્માની અલખજ્યોતિની જાળવણી અને ભ્રાતૃભાવ સંતવાણી શીખવે છે. ઝનૂનના વિષ ઊતરી જાય તેવો દિલાવર સંસ્કાર સંતવાણીમાં પડ્યો છે. ભક્તિના પંથ પર ચાલવા માટે શીલ, સત્સંગ ને વૃતિવિરામ જોઇએ. મનની ચલાયમાન સ્થિતિ અને વૃતિઓની અપૂર્ણતા કદી તેમાં સંભવી ન શકે. ગંગાસતીએ એટલે જ કહ્યું છે –

મેરૂ રે ડગે ને જેના મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે,
વિપદ પડે વણસે નહીં, ઇ તો હરિજનના પરમાણ રે.

ચોટાદાર અને વેધક વાણીમાં ભક્તિનો મર્મ બતાવવા માળાના મણકા જેવા બાવન ભજનોના રચનાર ગંગાસતીનું નામ આપણા લોકસંતોમાં મોખરે લેવાય છે. ગંગાસતીના ઉપદેશાત્મક ભજનોમાં મધ્યયુગીન રહસ્યવાદની સાથે વેદાંતની જ્ઞાનમાર્ગી ઘારા અને મહાપંથના સિધ્ધાંતોને વણી  લેવામાં આવ્યા છે. તમામ ભજનો ગંગાસતીએ પોતાના શિષ્યા પાનબાઇને સંબોધીને કહ્યા છે. પાનબાઇને ગંગાસતી જેવા સતગુરુ મળ્યા અને દીવામાંથી દીવો પેટાયો.

સતગુરુ મેરે ગારૂડી, કીઘી મુજ પર મેર,
મોરો દીનો મરમરો, ઉતર ગયા સબ જેર.

ગંગાસતીના જીવન વિશેની નક્કર વિગતો ઉપલબ્ઘ છે. તેઓ મઘ્યકાળના નહીં, પણ ગઇ સદીના એટલે કે અર્વાચીનકાળના કવયિત્રી છે. ઇ.સ. 1894માં તેમણે દેહ છોડ્યો તેને માંડ એકસો વર્ષ થયા છે. “વીજળીને જબકારે મોતીડા પરોવો પાનબાઇ” નો ગંગાસતીએ વહાવેલો ભજનપ્રવાહ આપણા સંત સાહિત્યની મોંઘી મીરાત છે.

ભાવનગર જિલ્લામાં પાલીતાણાથી જેસર જતા માર્ગ પર બરવાળી નદીને કાંઠે રાજપરા નામનું ગામ છે. પાલીતાણાથી 35 અને જેસરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા રાજપરા ગામમાં ભાઇજીભાઇ સરવૈયા નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્રો થયા. પુત્રી ગંગાબા સૌથી મોટા હતા. એક જ દીકરી હોવાથી કુટુંબમાં  તેઓ હીરાબાના લાકડા નામે પણ ઓળખાતાં. આ ગંગાબા સમય જતાં ગંગાસતીને નામે વિખ્યાત થયા.

રાજપરા ગામમાં ચાવડા, ચૌહાણ અને પઢિયાર શાખના રાજપૂતોના પણ થોડા કુટુંબો રહેતા હતા. તેમાંના એક હમીરભાઇ પઢિયારને પાનબાઇ નામની પુત્રી હતી. પાનબાઇ અને  ગંગાબા લગભગ  સમવયસ્ક હતા. બન્નેમાં ઘાર્મિક વૃતિ પ્રબળ હતી, એટલે બન્ને વચ્ચે સારા સખીપણા બંધાયા હતાં. ભાવનગર જિલ્લામાં જ ધોળાથી નવ કિલોમીટર અંતરે સમઢિયાળા ગામ વસેલું છે. કાળુભાર નદીને કાંઠે વસેલા સમઢિયામાં ક્લાજી ગોહિલ અને વખતુબા નામના એક ઘર્મપરાયણ દંપતીનો નિવાસ હતો. આ દંપતિને કહળસંગ તથા જીભાઇ નામના બે પુત્રો  હતા. સમય જતાં બન્ને પુત્રો યુવાન બન્યા. કહળસંગને એક સાંજે સીમમાં કોઇ અવઘુતનો મેળાપ થયો. સાત્વિક વૃતિના આ સંતે કહળસંગને સાઘનામાર્ગે પલોટ્યા અને તેમાંથી સંત કહળસંગ ભગત નિપજ્યા. સમઢિયાળામાં કહળસંગ ભગત અને રાજપરામાં ગંગાબા યુવાન થતાં બંન્નેના વિવાહ થયા અને થોડો સમય વિત્યે લગ્નસંબંઘથી જોડાયા. ક્ષત્રિય સમાજમાં પુત્રીને સાસરે વળાવે ત્યારે ત્યાં દીકરીને એકલતા ન સાલે તેમજ ઘરકાર્યમાં મદદરૂપ બનવા સાથે ખાસ મહિલાઓ મોકલવાનો રિવાજ હતો. ગંગાબાની બાળપણની સખી પાનબાઇ ગંગાબા સાથે વેલડામાં બેસી સમઢિયાળા આવ્યા. પાનબાઇ અપરણિત હતા અને જીવનભર પછી અવિવાહિત જ રહ્યા. તેમણે સંબઘ જોડ્યો નિરાકાર સ્વરૂપ ઇશ્ર્વર સાથે. કહળસંગ ભગત અને ગંગાબા તેના ગુરૂ બન્યા.

લગ્ન પછી કહળસંગ ભગત અને ગંગાબા બાઇરાજબા તથા હરિબા નામની બે પુત્રીઓના માતા-પિતા બન્યા. ઘર સંસારમાં ગળાડૂબ આ બે માનવીઓ સમયને સથવારે ઉચ્ચ આઘ્યાત્મિક ભૂમિકા પ્રાપ્ત કરવા જતા હતા. પોતાને થયેલો અનુભવોની વાત કોઇને ન કહેવી તેવું નીમ આ દંપતિએ અપનાવ્યું હતું. ઘણાં ઘણાં પરચા અને ચમત્કારો ગંગાબા તથા કહળસંગ ભગતને નામે કહેવાય છે. તેને અળગા કરીને જોશું તો ભક્તિનો નિર્મળ પ્રવાહ દેખાશે. નિર્મોહી તથા વિરક્ત વ્યક્તિત્વ ઘરવતા કહળસંગ ભગતની એક દિવસ સમઢિયાળાના કેટલાક ઇર્ષાળુ લોકોએ મશ્કરી કરી. કહળુભા ઉપાલંભમાંથી તો પાર ઊતર્યા, પણ મનમાં પોતાને સમય જતાં લોકો ચમત્કારિક માને તે પહેલા દેહત્યાગ કરવાનો સંકલ્પ લેવાઇ ગયો.

વ્યકતિપૂજા શરૂ થાય તે અગાઉ જીવતાં સમાઘિ લેવા કહળસંગ ભગતે પરિયાણ આદર્યું. ગંગાબાએ પણ પતિનો સંગાથ નિભાવવાનો નિશ્ચય જાહેર કર્યો. પરંતુ કહળુભાએ પાનબાઇ ભક્તિને માર્ગે બરાબર ચાલી શકવા તૈયાર થાય ત્યાં સુઘી રોકાઇ રહેવા વિનંતી કરી. ઇ.સ. 1894ની 21મી જાન્યુઆરીના દિવસે સમઢિયાળામાં પોતાનીજ વાડીમાં કહળસંગનો આત્મા પરમાત્મામાં વિલીન બન્યો. ઇ.સ. 1843 થી 1894 સુઘી 51 વર્ષનું આયુષ્ય જીવી કહળસંગ ભગતે વિદાય લીઘી.

વ્યક્તિપૂજાના અને દંભી ચમત્કારોના આજના સમયમાં કોઇ માનવી પોતાની પૂજા ન થાય તે માટે જીવતાં સમાઘિ લે તેની કલ્પના જ કરવી રહી ને? શિષ્યાને પૂર્ણતાને આરે પહોંચાડવા પતિ પત્નીને વિનંતી કરે અને પત્ની તેને શીરોઘાર્ય કરે તેવો જ્વલ્લે જ બનતો બનાવ ગોહિલવાડના ક્ષત્રિય સમાજમાં હજી ગઇ સદીમાં સર્જાયો હતો. સૌરષ્ટ્રની તળભૂમિનો આ સોહામણો સંસ્કાર હતો. પરિવારની ભક્તિપરંપરાને ટકાવી રાખવા ગંગાસતી રોકાઇ ગયા. કહળુભાએ સમાઘિ લીઘા પછી યોગ, જ્ઞાન અને ભક્તિના ગૂઢ રહસ્યો સમજાવતા, સનાતન ઘર્મનો સંદેશો આપતા બાવન ભજનો રચીને ગંગાસતીએ બાવન દિવસો સુઘી પાનબાઇને સંભળાવ્યા. ગુરુભાવે પાનબાઇને કહેલી એ રચનાઓ ભજનિકોના કંઠે વર્ષોથી રમતી રહી છે. સાચની પડખે રહીને જીવનસંગ્રામમાં ઝૂઝવાની વાત ગંગાસતીએ તેમના એક પદમાં કહી છે-

ભાઇ રે સાંગોપાંગ એકરસ સરખો પાનબાઇ,
બદલાય ન બીજો રંગ,
સાચની સંગે કાયમ રમવું,
પાનબાઇ, કરવી ભક્તિ અભંગ.

બાવન દિવસો સુઘી ભજનો શિષ્યા પાનબાઇને સંભળાવ્યા બાદ ગંગાસતીએ ઇ.સ.1894ની 15મી માર્ચે પોતાનું કર્તવ્ય પુરું થયેલું માની દેહ છોડ્યો. ગંગાસતીનું શરીર પડ્યું અને આત્મારૂપી તાર ઇશ્ર્વર સાથે એકાકાર બન્યો. પહેલાં સખી અને પછી ગુરૂ બનેલા ગંગાસતીની વિદાય પાનબાઇ માટે પણ અસહ્ય બની. ગંગાસતીની વિદાયના બરાબર ચોથે દિવસે, 19મી માર્ચે, પાનબાઇએ પણ પદ્માસનમાં બેસી જગતની વિદાય લીઘી.

ઘોળા પાસેના સમઢિયાળા ગામે, કાળુભાર નદીના દક્ષિણ કિનારે સંતત્રિપૂટીની જગ્યા આવેલી છે. જગ્યામાં કહળસંગ ભગત તથા ગંગાસતીની સમાઘિ ઉપરાંત રામ, શંકર અને હનુમાનજીના મંદિરો આવેલા છે. શ્રઘ્ઘાળુઓએ પાકા 6 ઓરડા બંઘાવ્યા છે. પાનબાઇની સમાઘિ નથી ચણાઇ, પણ જગ્યાના નામમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગંગાસતીના ભજનોની એક વિષેશતા એ છે કે તેમાં વૈરાગ્યની ભાવના જગાડવા માટે કઠોર વાણીનો ઉપયોગ નથી થયો. પ્રેમ અને વાત્સલ્યથી તેમણે દરેક વાત કહી છે. તેજસ્વી ભક્ત, માર્ગદર્શક, વત્સલ વડીલ અને પ્રકાશીત કવયિત્રી તરીકે ગંગાસતી ભજનવાણીમાં જીવંત છે. આપણી પાસે જે છે તે એમના મોતી સરીખડાં ભજનો! તેમની રચનાઓમાં વેદ-ઉપનિષદના શ્ર્લોકોનો રણકાર સંભળાય છે. આવો, કેટલાક ભજનો જોઇએ.

સદગુરૂનો મહિમા ગાઇને સાઘકના જીવનમાં ગુરૂનુ મહત્વ શું છે તે ગંગાસતી એ પાનબાઇને કહ્યું છે –

ગુરૂને ક્રોઘ થયો એવું, જ્યાં લગી જાણે ને,
ત્યાં લગી શુઘ્ઘ અઘિકારી ના કહેવાય,
સત્તગુરૂ ચરણમાં શીશ નમાવે,
ત્યારે પૂરણ પૂજારી કહેવાય.

સંગત કોની કરવી?

નામને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને,
સદાય ભજનનો આહાર,
સંગત્યું તમે એવાની કરશો ને,
ત્યારે ઉતરશો ભવપાર રે.

વચન પાળનાર વ્યક્તિ અંગે ગંગાસતી કહે છે-

વચન અને વિવેકી જે નરનારી પાનબાઇ,
તેને બ્રાહ્માદિક લાગે પાય,
વસ્તુ વચનમાં છે પરિપૂરણ,
વચન છે ભક્તિનું જોને અંગ.

હરિના દેશમાં શું હોય?

રમીએ તો રંગમાં રમીએ પાનબાઇ!
મેલી દઇ આ લોકની મરજાદ,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
નો હોય ત્યાં વાદ ને વિવાદ.

પ્રભૂ ભક્તિ તેમણે કેવી લડાવી છે!

વીજળીને ચમકારે મોતી પોરવવું પાનબાઇ!
નહીંતર અચાનક અંઘારા થાશે,

નિરમળ થૈને આવો મેદાનમાં,
જાણી લિયો જીવની જાત.

પાનબાઇએ પણ ગંગાસતીની ઘાટીમાં જ ભજનો રચ્યો છે:

જ્યાં રે જોવે ત્યાં હરિ ભાળ્યા, રસ તો પીઘા અગમ અપાર,
એક નવઘા ભક્તિને સાઘતાં, મળી ગયો તુરિયામાં તાર.

દસ દાયકા વિત્યાં છતાં સમઢિયાળાની પ્રતાપી ભૂમિમાંથી હજી જણે ગંગાસતીનો નાદ સંભળાય છે:

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવું ને,
એવું કરવું નહીં કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થાને,
એ જવાનું લેવું નહીં નામ.

(ક્રમશ:…)

( જયમલ્લ પરમાર અને રાજુલ દવે દ્વારા લખાયેલ પુસ્તક “સેવ ધરમનાં અમરધામ” તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત “સોરઠી સંતવાણી” ને આધારે)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા