સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સ્નેહલ મુઝુમદાર


સંતૂરવાદન – સ્નેહલ મુઝુમદાર 4

‘સંતૂર’ શબ્દનું સ્મરણ થતાં જ કાશ્મીરનું શાહી સૌંદર્ય આપણા મનમાં ચિનાર વૃક્ષ બનીને ઝૂમી ઊઠે છે અને દાંડી અડક્યાના વહેમથી જન્મેલો રણતઝણતકાર પર્ણપર્ણ બનીને વેરાઈ જાય છે. સંતૂરની બે દાંડીઓ એકબીજાની શોક્ય નહીં પરંતુ સખી બની તાર પર પા પા પગલી પાડે છે ત્યારે હરખપદૂડા તારો એવો થનગનાટ કરે છે કે ન પૂછો વાત. ચિનાર વૃક્ષોની દૂરસુદૂર સુધી ફેલાતી હારમાળા, એ હારમાળામાં સંતાકૂકડી રમતી માર્દવ અને માધુર્ય વડે મત્ત બનેલી પવનલહર, ડાલ સરોવરમાં વિહાર કરતા શિકારાઓમાં વિવિધરંગી ફૂલોની છાબ ગોઠવતી કોઈ મહાશ્વેતા કે કાદંબરી, પેલે પાર ગગન જોડે જુગલબંધી કરવા સાજ મેળવતા નગાધિરાજનાં હિમાચ્છાદિત શૃંગો… નિસર્ગશ્રીનો આ નિનાદ નજાકત બનીને નીતરે છે જ્યારે કોઈ સિદ્ધહસ્ત સંતૂરવાદક છેડે છે સંતૂરનો શતતંત્ર મિજાજ. આજના આ કોલાહલ, કકળાટ અને કાગારોળના કળિયુગ અને કળયુગમાં પણ સંતૂરે પોતાનું, શરમાળ કહી શકાય એટલી હદે સૌમ્ય એવું સ્વરસૌંદર્ય જાળવી રાખ્યું છે.


છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર 8

વ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક ‘છંદ કે સ્વચ્છંદ’ પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો – છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.