ખાડાવિરહ
સોળ વર્ષની વયે કયો કવિ યુવાન નથી હોતો અને કયો યુવાન કવિ નથી હોતો? સોળ વર્ષની વયે મેં પણ એક કાવ્ય લખ્યું હતું જેનું શીર્ષક હતું ‘બગાસું ખાતી પ્રિયાને’ એ કાવ્ય જેને સંભળાવી શકાય એવી પ્રિયાને મળતાં એટલા બધાં વર્ષો થયાં કે મને પોતાને એક દાયકા જેટલું લાંબુ બગાસું આવી ગયું. બાકી હું કવિ નથી, ભૂલેચૂકે પણ કવિ નથી, મને કફની ચૂડીદારમાં જોઈને મારા નવા પાડોશીએ ઊગતા રવિની સાક્ષીએ પૂછેલું, ‘તમે કવિ છો?’ મેં એમને તત્ક્ષણ આશ્વાસન આપતા કહ્યું હતું, ‘બિલકુલ નહીં, હું તો સજ્જન છું.’ પરંતુ આ જીવનની ઘટમાળમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે સ્વયંભૂ કાવ્યરસનું ઝરણું સ્ફૂરે. વાલ્મિકીનું પણ ક્યાં એવું નહોતું થયું? ક્રૌંચ યુગલને તરફડતા જોઈ એ શોક તત્ક્ષણ શ્લોકમાં નહોતો પરિણમ્યો? આ મારું પણ કંઈક એવું જ થયું. મુંબઈ હાઈકોર્ટે મહિનાની આખર સુધીમાં રસ્તા પરના બધા જ ખાડાઓ પૂરી દેવાનો આદેશ આપ્યો એ વાંચી મારું કુમળું હ્રદય દ્રવી ઊઠ્યું અને ખાડા પૂરાયેલા અખંડ રસ્તાઓ જોઈ ખંડકાવ્ય રચાયું. એ કાવ્ય મારે તમને વંચાવવું રહ્યું. તમારે માત્ર મનોમન વાંચવુ જ નહીં પરંતુ રૂપાળો રાગ તાણી ગાવું રહ્યું.
શિખરિણી
અમારા એ ખાડા સળક પરના કાળ સરખા
વિશાળી કાયાએ સકલ પથને બાથ ભરતા
મહામોટા ઊંડા યુગયુગ સુધી વાસ કરતા
વધો એ ખાડાઓ અમર થઈને રાજ કરવા
અનુષ્ટુપ
ખાડા ડુંગરના જેવા પાતાળમાં બિરાજતા
ધડામ ઊછળે જે સૌ વાહનોને નિહાળતા
મંદાક્રાંતા
રે ખાડાઓ સુખથી પડજો સ્નેહથી સંચરીને
જ્યાં ત્યાં કાપો કરવટ વડે ડામરી વીથિકાઓ
ચોમાસામાં અધિક જઈને માર્ગમાં ખૂબ નીચે
ને ફેલાવો સકલ કદને ભૂ મહીં ચો દિશાએ
વસંતતિલિકા
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે
ખાડા મહીં થથરતી તુજ કાર આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને
તે કારને કુતૂહલે સહુ બાલ જોતા
શાર્દૂલવિક્રીડિત
શા માટે પથને સપાટ કરવા, ખાડા બધા પૂરવા
ખાડાઓ શણગાર શાન સરખા એવી ધરા છે અહીં
કાળા ડામરના સપાટ પથના શૃંગાર ખાડા તણા
ઊંડા, ગોળ અને વિશાલ કદના, ખાડા ભલે શોભતા
શિખરિણી
ઊછાળે, હંફાવે, પરિવહનના સર્વ રથશા
હતા કેવા ઊંડા અમ વતનની શાન સરખા
હવે સૂના ભાસે બજત ભણકારા પથ તણા
ગયા ખાડા વ્હાલા, સહિયર સમા રાહબરના
શાર્દૂલવિક્રીડિત
ખાડા ખોડ નથી કદી સડકના, હોનારતો ટાળતાં
ગાંડાતૂર બની ધમાલ કરતા, સૌ લોકને વારતાં
રાજા રંક બધાં જ ધ્યાન ધરતાં, બેફામ ના હાંકતા
ખાડાના પરતાપ આ સમજજો, વીમા અને આપણા
અનુષ્ટુપ
ખાડાનાં સ્મરણો આવાં ખૂટાડ્યાં ખૂટતાં નથી
માર્ગમાં જો નથી ખાડા, માર્ગ તો સૂઝતા નથી
શાર્દુલવિક્રીડિત
આ ચાર પંક્તિઓ મંગલાષ્ટકના રાગમાં ગાવી
ખાડા શોભત ગાલ રાહ ઉભયે વૃદ્ધિ કરે રૂપની
ખાડાથી જ સલામતી વહનની, ઓછી કરે છે ગતિ
ખાડા જીવનનો નિચોડ વદતા, લીસી નથી જિંદગી
ખાડા હીન કદી નથી મલકતી, સિદ્ધિ તણી સુંદરી.
* * *
મંદીનો મંદાક્રાંતા
મંદીનું ગાણું કયા છંદમાં શોભે? વિલાપી બની કલાપીના પ્રિય એવા મંદાક્રાંતામાં? ઈજાજત હોય તો આપની ખિદમતમાં મંદીનો મંદાક્રાંતા પેશ કરું. ઉમ્મીદ છે એ આ ગુસ્તાખી આપને માટે કાબિલે બરદાસ્ત થશે. અલબત્ત, આજનું ગાણું તો આવાઝે બુલંદ ગાવા કરતાં કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી ગણગણવું જ યોગ્ય રહેશે.
મંદાક્રાંતા
આજે આવે ગત સમયની મસ્તમાસૂમ યાદો
સોદા કેવા સફળ કરતા પાડતા કૈં તડાકો
જેના ફોને સતત રણકે બ્રોક્રરો ને દલાલો
ક્યારે જોશો ઈસ જનમમાં એ ફરી શેર ભાવો.
રોતા આવે નવયુવકને વૃદ્ધ રોકાણકારો
દીસા ના કાં ભવિત સમયે કોઈ મોટો સુધારો
બેન્કો ડૂબી થઈ અસફળ ને આવતાં ના ધિરાણો
સૂના ભાસે નવ રણકતા ફેક્સ ને ટેલિફોનો
નાણાં કેરાં સરિતઝરણાં સાવ આજે સુકાણાં
માગે સૌ આ સમય કપરા લાવ પાછાં જ નાણાં
મૂડી પાછી પરત મળતાં વ્યાજ કાંઈ ન દેવા
જે આવ્યું લૈ સજળ નયને રાખ ના કોઈ આશા
સ્ક્રીનો ભાસે અરસિક અને માઉસો દે દિલાસા
ના જોવા રે સતત ઘટતા ભાવ મારે નકામા
ટીવીના એ રડત મુખડાં છો કરી લે લવારા
એ લોકો છે સકળ નવરા જોઈ લીધા ઉધામા
કેવા પાર્ટી જમણજલસા આજ ત્યાં એકટાણાં,
વેપારીનાં વદનકમળો સોગિયાં ને કટાણાં
હાહાહીહી હસત મુખ જ્યાં હાય રે ને હતાશા
આંખો ઊંડી લથડત પગે ખાય મોટાં બગાસાં.
અરે મહામૂર્ખ લેખક! આ મંદીનું ગાણું કાંઈ શોભે? તને ભરતમુનિનો નાટ્યસિદ્ધાંત ખબર નથી કે સંસ્કૃતમાં નાટકનો અંત સુખદ જ આવવો જોઈએ. તો આ મંદીનું ના-ટક જે ટકવાનું નથી એનો અંત અપવાદ શા સારું?
મંદાક્રાંતા રસિકમધુરા છંદમાં ગાઈ મંદી?
શોભે ના નિ-રસ મરસિયા જાણજે ઓ કુછંદી
આસ્થા હો તો પરત મળશે કાલ તોખાર તેજી
શા માટે આ રડમસ મુખે ગાવ બૂરી પનોતી
– સ્નેહલ મુઝુમદાર
વ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક ‘છંદ કે સ્વચ્છંદ’ પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો – છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.
મજાનાં કાવ્યો.
છંદો ને પધ્ધતિસર ગાઈ (સુર અને છંદ ગાન પ્રમાણે – સાથે સંગીત જરૂરી નથી)
અને છંદની લય-ઢાળમાં છંદોના પઠનની ઓડીઓ ફાઈલ બધાના લાભ માટે
અક્ષરનાદ પરથી પ્રાપ્ત થાય તો ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઘણું મોટું
કામ અને સેવા થાય.
– તુષાર મહેતા – ૭૫૦૬૦ ૯૬૮૫૦
મુંબઈ.
અદભુત!ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં છંદ બંધારણ વગેરે તૈય્યાર કરતા તેની યાદ ઉભરી આવી!
વાહ મજા આવી ગઇ. કોઇ હાસ્ય લેખને પણ ટપી જાય એવી કવિતા ! અને તે પણ ગુજરાતી છંદબંધ્ધ કવિતાના સંદર્ભ સાથે ! અભિનંદન.
ખુબ ખુબ મજેદાર રચનઓ મોજ પડી ગઇ….સ્નેહલભાઈ અભિનન્દન
સ્નેહલ મજમુદારનાં રસપ્રદ સર્જનોની ઓળખ આપવા બદલ આભાર. તેમનું સંપર્કસૂત્ર મળી શકે?
Cell 91-98922-91126 e mail muzoomdarassociates@gmail.com
Vah… Very very good. Enjoyed.