સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સુંદરજી બેટાઈ


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૩) 3

આજે ફરી પ્રસ્તુત છે પાંચ વર્ષાકાવ્યો. આ હેલી તો ધાર્યાથી વધુ લાંબી ચાલી, એટલે એ નીતર્યા નીતર્યા મનને લઈને આવા વધુ ગીતોની / કાવ્યકૃતિઓની તપાસ આગળ ધપાવી છે. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિવિધ કવિઓના સંકલન એવા કાવ્યકોડીયાં સંગ્રહમાંથી આ રચનાઓ અહીં પ્રસ્તુત કરી છે, એ સિવાય ગોપાલભાઈ પારેખે પાઠવેલી એક મિત્રની આવી જ રચનાઓના સંગ્રહની સુંદર ડાયરી અને અન્ય સ્ત્રોતમાંથી આવી રચનાઓ મળી રહી છે. ચાલો જોઈએ આપણે આવી કેટલી રચનાઓ એકત્ર કરી શકીએ છીએ. આ હેલીમાં રસતરબોળ થવા સર્વેને આમંત્રણ છે…


ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ 1

પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું – દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય – તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, “ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું” દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી “બસ સહનનું એવું બલ દે” – એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.