બે ગઝલો – ધૂની માંડલિયા 4
શ્રી ધૂની માંડલિયાના ઓગસ્ટ ૧૯૮૨માં પ્રગટ થયેલ ગઝલસંગ્રહ ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ નો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે આપણે આ અગાઊ અક્ષરનાદ પર માણ્યો છે, આજે પ્રસ્તુત છે એ જ ગઝલસંગ્રહની બે જાનદાર ગઝલો. ગઝલસંગ્રહની પ્રસ્તાવનામાં પ્રથમ ગઝલ વિશે શ્રી ચિનુ મોદી કહે છે તેમ, ‘ત્રણ શેર કોઈ ગઝલમાંથી ઉત્તમ મળે તો આખી ગઝલ ઉત્તમ લેખવાનો અલેખિત રિવાજ છે, અહીં તો છ શેર ઉત્તમ, ગુજરાતી ગઝલ ધૂનીની ઓશીંગણ રહે એવી આ રચના છે. મત્લઆમાં જ ધૂનીએ ઉત્તમ ગઝલનો પાયો નાંખ્યો, મુક્ત કાફિયા રાખી ઉડ્ડયનની શક્યતાઓ રાખી અને એ શક્યતાઓને વાસ્તવમાં પરિવર્તિત કરી. માછલી અને દરિયાના પ્રતીકોનો નવેસરથી ઉપયોગ ‘ઋણાનુબંધ’ એ પદને કારણે ધૂનીએ શક્ય બનાવ્યો. બંને ગઝલો માણવી ગમે તેવી સુંદર અને મમળાવવી ગમે તેવી યાદગાર થઈ છે.