માઇક્રોફિક્શન બાઈટ્સ – ધન ઘડી ધન ભાગ,. 1


આ પુસ્તક વિમોચન નહીં, વર્ષોથી આદરેલ સર્જનયજ્ઞમાં પરિશ્રમનું શ્રીફળ હોમી સર્જનાત્મકતાના પરમેશ્વરની આરાધના કરવાનો અનેરો ઉત્સવ હતો.

જય અંબે માતાજી

સમુદ્રમંથન પછી દેવોએ અમૃતનો આસ્વાદ માણ્યો હશે એ વખતે એમની જે ખુશી થઇ હશે એનાથી મુઠ્ઠી વધારે…

અંગ્રેજ વોઇસરોય જનરલ માઉન્ટ બેટને ભારત છોડીને જતા રહેવાનું એલાન કર્યું હશે એ સાંભળીને ભારતીયોના હ્રદયમાં થઇ હશે એનાથી બે કે ત્રણ ઇંચ વધુ…

કે પછી

#RRR કે #PushpaTheRise ના બોક્સ ઑફિસ કલેક્શનના આંકડા જોઇને એના પ્રોડ્યુસર્સના મનમાં ફુટી હશે એનાથી એક્ઝેટ ત્રણ ચાર વેંત વધારે…

ખુશી સર્જન પરિવારને થઇ જ્યારે ગાંધીનગરના સેકટર ૨૨ માં સ્વામિનારાયણ ગુરુકુળના હોલમાં, અનેકવિધ અદ્વિતિય પ્રતિભાઓના હસ્તે “માઇક્રોફિક્શન બાઇટ્સ” નું વિમોચન થઇ રહ્યું હતું.

કારણકે અમારે માટે આ માત્ર એક પુસ્તકનું વિમોચન ન હતું;

આ હતો વર્ષોથી આદરેલ સર્જન યજ્ઞમાં અમારા પરિશ્રમનું શ્રીફળ હોમી અંતરમાં રહેલ સર્જનાત્મકતા નામના પરમેશ્વરની આરાધના કરવાનો અનેરો ઉત્સવ.

આમ તો

સર્જન એટલે અનરાધાર લાગણીઓથી છલોછલ અદભુત સર્જકોનો સંગમ..

સર્જન એટલે કલમને સાચી દિશામાં વળ આપવા લેખકના હાથને ઉપરથી પકડી રાખનાર અગોચરનો આધાર..

સર્જન એટલે “ભરપૂર ભૂલો કરી ને પણ સતત  શીખતા રહો” નું મારેલું પાટીયું…

સર્જન એટલે મોનાલિસાના સ્મિતમાં છુપાયેલા પેલા ગજબના આકર્ષણ જેવું માઇક્રોફિક્શનનું ખેંચાણ…

સર્જન એટલે મેળાવડાના નામે જીવનભરની યાદોને ફિક્સ ડિપોઝીટ કરી દર ઉજવણીમાં એનું વ્યાજ મેળવતી ઉપરવાળાની બેન્ક

સર્જન એટલે છોતરા કાઢી નાખતા સમર્પિત સંચા અને છોલ નીકળી ગયા પછી ધારદાર અને અણિયારા બની ગયેલ કલમોથી ઉભરાયેલો કંપાસ…

સર્જન એટલે ‘મારું શું?’ નહીં તો ‘મારે શું?’ એમ માનતા આ સમાજમાં પણ ‘આપણા સૌનું શું? એમ પૂછાતો આત્મવિશ્વાસનો સહિયારો અવાજ

અને અંતે

સર્જન એટલે માઇક્રોફિક્શન… અને માઇક્રોફિક્શન એટલે સર્જન….

૨૨મી મે ૨૦૨૨ ને રવિવારે સર્જનની યાત્રાનો એક અનેરો પડાવ આવ્યો હતો. આગલા દિવસથી જ ઉત્સાહની દોરીથી મિત્રતાની પતંગ ચગાવવા અનેકવિધ સર્જન પરિવારના સભ્યો જીગ્નેશભાઈની અંતરની અગાશીએ આવી ગયા હતા. અમદાવાદના ટી-ખાના નામના સ્થળે ચા અને ગાંઠિયા, ઢોસા અને મંચુરિઅન રાઇસ, કોલ્ડ કૉફી અને મિલ્કશૅક વગેરે સાથે ઉજાણી શરૂ થઈ ગયેલી… ગોલા પણ ખવાયા અને હસીને બેવડ પણ વળ્યાં. મોડી રાત સુધી કોઈક ટોળું પુસ્તકોનું પેકેજીંગ કરી રહેલું તો કોઈક ફોન પર બીજા દિવસનું પ્લાનિંગ કરી રહેલું, ક્યાંક ખાણીપીણીની રંગત જામી હતી અને કોઈક સેલ્ફીઓમાં વ્યસ્ત હતું.

બીજે દિવસે સવારથી તો પોતપોતાના શહેરોથી નીકળેલા સર્જનકારના ફોટાથી ગૃપ ઉભરાવા માંડ્યું.  હું લગભગ બપોરે પહોંચ્યો. મને મોકલેલ સરનામે હું પહોચ્યો તો જોયું કે એક સરદારજી કાઠિયાવાડી હોટલ ચલાવી રહ્યા હતા.  થોડી વારમાં સૌ પહોચ્યાં અલકમલકની વાતો અને પછી દેશી કાઠિયાવાડી ભોજન લહેજત માણી.

આ દરમિયાન મુખવાસનો કોઈ કાંડ થયો હતો એની વિગત જાણવા મળી પણ આગળ કશું માહિતી નથી.

સૌ ભરપેટ જમીને પહોંચ્યા ગાંધીનગર. સર્જનના ઉત્સાહી પરિવારજનોમાં મેરેથોન દોડવીર જેવા સંજયભાઈએ ગાંધીનગર સાહિત્યસભાના યજમાનપદની ગરિમા ને શોભે એવી વ્યવસ્થા અને આયોજન કરી રાખ્યું હતું.

જોતજોતામાં એરકન્ડિશન હોલ ભરાઈ ગયો, સ્ટેજ પરના બ્લેક લેધરના સોફા પર અદભુત પ્રતિભાશાળી મહેમાનોનું આગમન થઈ ગયું હતું. સરસ મજાના અવાજ અને એક વક્તાને શોભે એવી સ્વયંસ્ફૂર્ત આવડતના બાજીગર એવા રાજુભાઇ ઉત્સવ રેકોર્ડિંગવાળાના અદભૂત એન્કરીંગ રંગ રાખ્યો.

જોકે હંમેશા સર્જન ના કાર્યક્રમોમાં આગળ પડતા સંજયભાઈ ગુંદલાવકર, નિલયભાઇ પંડ્યા, આલોકભાઈ ચટ્ટ, રાજુલબેન ભાનુશાલી અને મિત્તલબેન પટેલ ‘કરુણા માતા’ વગેરે જેવા અનેક જાણીતા ચહેરા જડતા  ન હતા. પણ મનમાં થયું કે ભલે ઘરના કે પછી કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટે આ બાકીના સૌ સર્જન પરિવાર જનોને રોકી લીધા હશે પણ હૈયુ તો એમનું અહીં જ હશે.

આપણાં અત્યંત પ્રિય એવા જાણીતા કવિ અને ગીતકાર શ્રી પ્રશાંત કેદાર જાદવ, જાણીતા વાર્તાકાર શ્રી કલ્પેશ પટેલ, યુવા અભિનેતા અને રસપ્રદ વક્તા શ્રી હર્ષલ માંકડ, યુવા ગાયક શ્રી મયુર હેમંત ચૌહાણ, ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ અને સર્જનસભ્ય શ્રી સંજય થોરાત અને પુસ્તકના સંપાદક તથા સર્જન સેતુ શ્રી જિજ્ઞેશ અધ્યારૂ હસ્તે પુસ્તક વિમોચિત થયું.

ત્યારે ૫૯ લેખકો દ્વારા લખાયેલી ૯૦ થી વધારે વાર્તાઓનો હજારો લોકોના હ્રદય સુધી પહોંચવાનો માર્ગ મોકળો થયો.

સ્વર્ગસ્થ જ નહીં પણ હ્રદયસ્થ થઇ ગયેલા કેટલાક સર્જનમિત્રોના પરિવારજનોની હાજરી અને એમના હસ્તે પુસ્તકોનુ વિમોચન એ વિચાર જ સલામને લાયક હતો! હૈયું અને આંખો બંને થોડી ભીનાં થયાં.

અને પછી તો ધોધમાર વક્તાઓના અનરાધાર વકતવ્યોએ સૌને ભીંજવ્યા.

જીગ્નેશ અધ્યારૂ નામનો આ જણ ઈશ્વર પાસેથી સ્પેશિઅલ આશિર્વાદ લઇને આવ્યો છે કદાચ એટલે જ અનેકાનેક લેખકોને સાચું અને સદ્ધર પ્લેટફોર્મ આપવામાં એ નિમિત્ત બને છે..

તો સૌ સર્જન મિત્રોને આ નવલાં પુસ્તક માટે અભિનંદન… આ તો હજી શરુઆત છે.. આશા છે કે સર્જનના ૧૦૦માં પુસ્તકનું વિમોચન થાય ત્યારે પણ આમ જ એનો અહેવાલ લખવાનો જીગ્નેશભાઇનો આદેશ થાય અને હું પણ આ વખતની જેમ મોડા મોડા નહીં પણ તરત જ લખી આપું..

સર્જનને અભિનંદન.. જય સર્જન!

– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક  

આ પુસ્તક અહીં ક્લિક કરીને મેળવી શકાશે…

અમેઝોન પર… – https://www.amazon.in/Microfiction-Bytes-Jignesh-Adhyaru/dp/B0B1V91248

બુકપ્રથા પર… – https://www.bookpratha.com/bookdetail/Index/289058?name=Microfiction-Bytes


આપનો પ્રતિભાવ આપો....

One thought on “માઇક્રોફિક્શન બાઈટ્સ – ધન ઘડી ધન ભાગ,.