સાચે જ; કેટલાક ડર ઉપકારક હોય છે. નવી પેઢીના સંવર્ધન માટે આવશ્યક હોય છે. બાળકના ડરથી વ્યસનોથી મુક્ત રહી શકાય છે, ક્રોધ પર કાબુ રાખી શકાય છે, પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે તે માટે કેટલુંક ખમી ખવાય છે.
પુખ્ત વયની વ્યક્તિના હૃદયમાં પોતાના જે ઈષ્ટદેવ હોય એનું ખાસ સ્થાન હોય છે. તેમના એ આરાધ્ય ઈશ્વર માનોને કે એનું સર્વસ્વ હોય છે. એની છબીને મનના કોઈ ખૂણે ખૂબ સંભાળીને રાખે છે. એ છબી કોઈ પ્રકારે ખરડાય નહીં કે ખંડિત થાય નહીં તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. કંઇક આવી જ રીતે બાળકના હૃદયમાં પોતાનાં મમ્મી-પપ્પાનું સ્થાન હોય છે. એ કોઈ અમીરનું સંતાન છે કે તેને અનેક અભાવો વચ્ચે ઉછેરતાં માતાપિતાનું એનાથી કોઈ ફરક પડતો નથી..બાળક માટે માતાપિતા તો જાણે સોનાના સિંહાસન પર બિરાજમાન જ અનુભવાય છે.
આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે કેટલાંક વડીલો, કેટલાંક માતાપિતા, કેટલાંક શિક્ષકો કડક શિસ્તના આગ્રહી હોય છે. બાળકને ફટાફટ બધું શીખવાડી દેવા માટે ઉતાવળા હોય છે. અને બાળકની ગતિ ધીમી પડતી જણાય ત્યારે બાળક પર ક્રોધ કરે છે…હાથ ઉપાડે છે..કોઈ પ્રકારે સજા કરે છે. આ બહુ સામાન્ય અને સમાજમાં વારંવાર બનતી રહેતી ઘટના ગણી શકાય. પરંતુ આવી ઘટનાઓ બાળકના મનમાં ડર પેદા કરે છે. તેનો આત્મવિશ્વાસ તોડે છે.
પરંતુ આજે આપણે આનાથી તદ્દન વિપરીત વાત કરવી છે.
વાત તો છે ડરની જ.
વાત તો છે ભયની જ.
પણ બાળકનાં નહીં…
વડીલોના ડરની!
ધારો કે તમે માતાપિતા છો. તમે તમારાં બાળકને ભરપૂર પ્રેમ કરો છો. તેની જરૂરિયાત શક્ય એટલી પૂરી કરવા પ્રયત્ન કરો છો. તો તમે સારું કાર્ય કરી રહ્યાં છો..પરંતુ જો તમે તમારાં બાળકોથી ડરી રહ્યાં છો તો તમને અભિનંદન. કેમકે તમે એક ઉત્તમ માતાપિતા છો!
અત્યાર સુધી તમે બિન્દાસ રીતે જીવ્યા છો. ક્યારેક ક્યારેક વ્યસન કરવાની લત તમારા સંયમ પર હાવી થઈ જાય છે. પહેલા થોડી થોડી અને પછી તીવ્ર ઇચ્છા થઈ જાય છે. પણ હવે તમે એક પિતા છો. એક માતા છો. તમારા બાળકોના આદર્શ છો અને વ્યસન કરતી વખતે તમને તમારાં બાળકોનો વિચાર આવે છે. ‘ક્યાંક મારાં બાળકો મને વ્યસન કરતાં જોઈ જશે તો મારા વિશે શું વિચારશે?’ અથવા તો ‘મારું અનુકરણ કરી ભવિષ્યમાં એ પણ વ્યસનનો રસ્તો પસંદ કરશે તો?’
તમે જાણે છો કે વ્યસનો હંમેશાં જોખમી હોય છે. તમારું કોઈ વ્યસન તમને તો હાની કરશે જ પણ જો તમારું બાળક ભવિષ્યમાં વ્યસન કરશે અને તેને કોઈ નુકશાન થશે તો? આવા વિચારો તમને પજવે છે. સતત ચિંતન કરતાં કરતાં આખરે તમે એ બધાં ભયસ્થાન વિચારી વ્યસનોની લત છોડાવવા તૈયાર થાવ છો અથવા તેની માત્રા ઘટાડી દો છો. બાળકો માટેનો આવો ભય આખરે તમારા માટે, સંતાનો માટે અને સમાજ માટે ઉપકારક સાબિત થાય છે!
છે નવાઈની વાત પણ એટલી જ વાસ્તવિક. મમ્મીપપ્પા તરીકે આપણે બાળકને જે બાબતની ના પાડીએ એ જ્યારે એમની સામે કરીએ ત્યારે ‘બાળક આપણા વિશે શું વિચારતું હશે?’ એવો ડર જન્માવે છે. માનો કે આપણે બાળકને સ્માર્ટ ફોનનો વધારે પડતો ઉપયોગ ન કરાય એવી સલાહ આપતા હોઈએ છીએ ત્યારે જો આપણે જ તેની સામે વધુ પડતો ઉપયોગ કરીએ ત્યારે બાળક આપણા વિશે જે અભિપ્રાય બાંધે તેનો ડર જરૂર લાગે. અને એ ડરના કારણે જ આપણે આપણી જાત પર સંયમ રાખતા થઈ જઈએ છીએ.
કેટલીક વખત પરિવારના વડીલોને, સફાઇકર્મીઓને, અન્ય કારીગરોને આપણે બિનજરૂરી ટકટક કરતાં હોઈએ છીએ. પણ બાળક હાજર હોય ત્યારે આપણા એ વર્તનની બાળક પર કેવી છાપ પડશે એમ વિચારી અટકી જતાં હોઈએ છીએ અથવા તો હળવાશથી સલાહસૂચન આપી વાત અટકાવી દેતા હોઈએ છીએ.
આપણે જાણીએ જ છીએ કે બાળક પર તેને આપતી સલાહસૂચનની ખાસ અસર થતી નથી પરંતુ બાળકો મોટેરાંઓનું વર્તન જોઈને શીખતાં હોય છે. અને એટલે જ આપણે આપણી જાત પર સંયમ રાખી દેતા હોઈએ છીએ. સાચે જ સરવાળે આ એક સકારાત્મક બાબત બની રહે છે.
પતિપત્ની વચ્ચે વૈચારિક મતભેદ હોવા બહુ સ્વાભાવિક છે. ક્યારેક પારિવારિક કારણોસર, ક્યારેક યોગ્ય નિર્ણય માટે તો ક્યારેક એકબીજાની જરૂરિયાત પૂર્ણ ન થઈ શક્યાના અસંતોષને લઈ ઝઘડા થતા હોય છે..ત્યારે તમે બાળકની હાજરીથી ડરો છો? જો હા, તો એ ઉત્તમ સ્થિતિ છે. તમે જાણો છો તમારા ઝઘડા પૂર્ણ થયે જીવન પાછું રૂટિનમાં ગોઠવાઈ જાય છે. પરંતુ જો બાળકની હાજરીમાં ઝઘડો થાય તો તેની બાળકનાં મન પર બહુ ગંભીર અસરો જોવા મળે છે. આવે સમયે બાળકની ગેરહાજરીમાં કે કોઈ એકાંત સ્થળે ચર્ચા કરી લેવી વધુ ઉચિત છે..કેમકે બાળક માતાપિતાનો સંઘર્ષ સમજી શકે એટલી તેની ઉંમર હોતી નથી. તેનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહે છે.
આવી સ્થિતિમાં તમે જો બાળકની હાજરીની કાળજી લઈ મર્યાદામાં રહો છો, બાળકની ગેરહાજરી સુધી પ્રતીક્ષા કરો છે તો તમે સાચે જ તમારા પરિવાર માટે પ્રેરણાદાયી સ્થિતિનું નિર્માણ કરી રહ્યાં છો.
આપણી સંસ્કૃતિના આપણે વાહક છીએ. જૂની પેઢી પાસેથી કેટલીક પરંપરાઓ સ્વીકારી તેને નવી પેઢી સુધી પહોંચાડવામાં આપણે માધ્યમ બનતા હોઈએ છીએ. તમે વિચારો છો કે આપણી ધાર્મિક પરંપરા, આધ્યાત્મિક મૂલ્યો, આપણો સાહિત્ય વૈભવ, આપણો કલા વારસો જો આપણે નહીં સ્વીકારીએ..તેનું જતન નહીં કરીએ તો નવી પેઢી સુધી એ પરંપરા પહોંચી નહીં શકે. આ સ્થિતિમાં તમારાં બાળકો અન્ય બાળકોની સરખામણીમાં એ પરંપરાથી વંચિત રહેશે. અને આ ડર સંસ્કૃતિના વહન પ્રત્યે જાગૃત રહેવા તમારા માટે પ્રેરણાસ્રોત બને છે.
સાચે જ…
કેટલાક ડર ઉપકારક હોય છે. નવી પેઢીના સંવર્ધન માટે આવશ્યક હોય છે. બાળકના ડરથી વ્યસનોથી મુક્ત રહી શકાય છે, ક્રોધ પર કાબુ રાખી શકાય છે, પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે તે માટે કેટલુંક ખમી ખવાય છે.
આવા પરિવારમાં ઉછરી રહેલાં બાળકો સાચે જ ભાગ્યશાળી છે. ઉત્તમ ચારિત્ર્ય નિર્માણની તકો તેમના માટે હાથવગી છે. કદાચ કોઈ ગાંધી, કોઈ વિનોબા, કોઈ કલામ સમાન શ્રેષ્ઠ આત્મા આવા વાતાવરણની પ્રતીક્ષા કરી રહ્યો હશે!
કશુંક
– ગુણવંત શાહ
આપણે જ્યારે
જૂઠું બોલીએ
ત્યારે
આપણો શબ્દ
ભોંયભેગો થાય છે
અને આપણામાંથી
કશુંક ઓછું થતું જાય છે.
એ ‘કશુંક’ અત્યંત મૂલ્યવાન હોય છે.
– ભારતીબેન ગોહિલ
ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
“કેટલાક ડર ઉપકારક હોય છે.”વાત સાચી છે.Distance અંતર રાખીને પણ થઈ શકે. સમવયસ્ક સંતાનો સાથે જરૂરી અને આર્થિક ,સામાજિક કે શિક્ષણ ની માહિતી સહભાગી થઈ શકાય.
ઊપયોગી અને અમલમાં મુકવા યોગ્ય માહિતી.
પ્રતિભાવ બદલ આપની આભારી છું.
સરસ રજુવાત બાળક ને જો શરુવાત થી જ જો શૌર્ય ની વાર્તા કહેવામાં આવે તો તેમઆ ડર ણું પ્રમાણ ભુજ ઓછું રહેશે . તેમ હું માંણું છું .
બાળકની મનઃસ્થિતિ સમજીને (ચાઈલ્ડ સાયકોલોજી) જો માતા-પિતા અને વડીલો પોતાનું વર્તન સંયમિત રાખે તો બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય છે. તેથી જ કહેવાય છે એક માતા સો શિક્ષકો બરાબર છે. પિતા પણ આદર્શ શિક્ષક હોય જ છે. પણ જયારે તેઓ આ વાત ભૂલી જાય ત્યારે વાત વણસી જાય છે. બાળકોમાં સાચું ન બોલવાની ટેવ આવી રીતે વિકસે છે અને તેમનું વર્તન તે મુજબનું જ ઘડાય છે. સુંદર લેખ…અભિનંદન. આભાર. – હર્ષદ દવે
સમજવા જેવો સરસ લેખ.